દ્વારકામાં ત્રણ દિવસમાં પ્રોહીબિશનના ૨૬૬ કેસ..!!
માત્ર ૨૪ કલાકમાં જ ૯૨ ગુના નોંધાતા તંત્ર સામે પ્રજાજનોના આકરા સવાલો : દ્વારકા પોલીસની લાલ આંખ કે ટાર્ગેટ પૂરો કરવાની મથામણ?: અધધ.. કેસ છતાં મુખ્ય બુટલેગરો પકડથી બહાર, જનતા પૂછે છે દારૂ આવે છે ક્યાંથી?
ગુજરાતમાં દારૂબંધી કાગળ પર છે કે જમીન પર તેવો સળગતો સવાલ ફરી એકવાર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઉભો થયો છે. જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્ર દ્વારા દારૂડિયાઓ અને બુટલેગરો સામે લાલ આંખ કરી સપાટો બોલાવવામાં આવી રહ્યો છે. પોલીસ કંટ્રોલ રૂમના સત્તાવાર આંકડાઓ મુજબ તા. ૨૨ સપ્ટેમ્બરના રોજ ૯૮ કેસ અને તા. ૨૩ સપ્ટેમ્બરના રોજ ૭૬ કેસ નોંધાયા બાદ, આજે સતત ત્રીજા દિવસે તા. ૨૪ સપ્ટેમ્બરના રોજ વધુ ૯૨ પ્રોહીબિશનના કેસોનો મોટો આંકડો સામે આવ્યો છે. છેલ્લા ત્રણ જ દિવસમાં કુલ ૨૬૬ કેસ નોંધાતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. એક તરફ પોલીસની આ ઝુંબેશની સરાહના થઈ રહી છે, તો બીજી તરફ જાગૃત નાગરિકોમાં શાસન વ્યવસ્થા અને દારૂબંધીના દાવાઓ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
પોલીસ ચોપડે નોંધાયેલા આજના કેસોની વિગતો તપાસતા ચોંકાવનારી વાસ્તવિકતા સામે આવી છે. જિલ્લાના કલ્યાણપુર, ખંભાળીયા, દ્વારકા, ઓખા, ભાણવડ, સલાયા, મીઠાપુર અને વાડીનાર પંથકના અનેક વિસ્તારોમાંથી ખુલ્લેઆમ દેશી દારૂનો સંગ્રહ, વેચાણ તેમજ દારૂ પીને છાકટા બની ફરતા કે વાહન હંકારતા તત્વો ઝડપાયા છે. કલ્યાણપુર તાલુકાના દેવળીયા-સતાપર કાચા રસ્તેથી દારૂ પીને સર્પાકારે બાઈક ચલાવતો શખ્સ પકડાયો હતો, તો રાવલ ગામની ગામીફળી અને પાણીના ધાટ પાસેથી, તેમજ ભાતિયા ગામના મેઈન બજાર અને ખડકીનાકા પાસેથી દારૂ પીધેલી હાલતમાં તેમજ દેશી દારૂના જથ્થા સાથે શખ્સો ઝબ્બે થયા હતા. આ ઉપરાંત ભોગાત ગામના બોડાવાળી વિસ્તાર, નવાપરા તથા ક્રેઈન ઈન્ડિયા કંપની પાસે અને લાંબા ગામમાં રહેણાંક મકાનોમાં છાપા મારતા દેશી દારૂનો જથ્થો મળ્યો હતો, જ્યાંથી કેટલાક બુટલેગરો રેઈડ દરમિયાન ફરાર થઈ ગયા હતા.
ભાણવડ પંથકમાં આંબલીયારા ગામના પાદર, વેરાડ નાકા, જશાપર ગામ રેલ્વે ફાટક અને રાણા રોજીવાડા ગામની પાથરશેરીમાંથી પણ નશાખોરો અને દારૂનું વેચાણ પકડાયું છે. સલાયા મરીન પોલીસ દ્વારા બારાડી ગેટ, જૂના પોલીસ સ્ટેશન પાછળ, તેમજ ચુડેશ્વર, ગોઈંજ અને કુબેર વિસોત્રી ગામની વાડીઓમાંથી દારૂ અને પીધેલાઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. વાડીનાર ગામમાં જમજમ મંઝિલ સામે જાહેર રોડ પરથી દારૂનો જથ્થો પકડાયો હતો.
ખંભાળીયા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ દારૂનો કાળો કારોબાર પૂરબહારમાં ખીલ્યો હોવાના પુરાવા મળ્યા છે. મિલન ચાર રસ્તા પાસે ટ્રાફિક શાખાએ દારૂ પીધેલી હાલતમાં બાઈકચાલકને ઝડપ્યો હતો, જ્યારે શક્તિનગર, બી.આર.સી. ભવન પાછળ, ગોવિંદ તળાવ પાસે ધરાનગર, રેલ્વે સ્ટેશન રોડ, જોધપર નાકા, સલાયા ચાર રસ્તા તેમજ વડત્રા ગામમાંથી દેશી દારૂ રાખી વેપલો કરતા તત્વો અને મહિલા બુટલેગરો સામે ગુના નોંધાયા હતા.
ઓખા મરીન પોલીસ મથક હેઠળ આર.કે. બંદર મેઈન ગેટ, મોરી જેટી, મોહનભાઈની જેટી, વંદુર જેટી અને જલફીશ જેટી જેવા સંવેદનશીલ બંદર વિસ્તારોમાંથી મોટા પાયે પરપ્રાંતીય ખલાસીઓ અને સ્થાનિકો કેફી પીણું પીધેલી હાલતમાં તથા દેશી દારૂની પોટલીઓ સાથે પકડાયા હતા. બીજી તરફ, મીઠાપુર પોલીસ મથક હેઠળ સુરજકરાડી, મધુરમ ફર્નિચર સામે, મલારા તળાવ, ઉદ્યોગનગર, ભીમરાણા ગામ, પ્રેરણા ભવન પાછળ, આરંભડા દ્વારકેશ હોટલ પાસે, દેવપરા ગામ બસ સ્ટેશન અને ગઢેચી ગામ સહિતના વિસ્તારોમાં દેશી દારૂના અડ્ડાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. યાત્રાધામ દ્વારકામાં પણ પવિત્ર યાત્રાધામના નામે કલંક સમાન ઘટનાઓ સામે આવી છે, જેમાં લેમન ટ્રી હોટેલ પાસે, ટી.વી. સ્ટેશન ચોકડી, રૂપેણ બંદર ચેકપોસ્ટ, કીર્તિ સ્તંભ રોડ, રેલ્વે ફાટક, રાણેશ્વર ફાટક, વસઈ ગામ તેમજ શિવરાજપુર અને બરડીયા ગામમાંથી દેશી દારૂ અને પીધેલાઓ મળી આવ્યા હતા.
આ પરિસ્થિતિ જોઈને પ્રજાજનોમાં આશ્ચર્ય સાથે ઉગ્ર રોષ ભભૂકી ઉઠ્યો છે અને લોકો પૂછી રહ્યા છે કે શું ખરેખર દ્વારકા ગુજરાતમાં છે? ગુજરાતમાં દાયકાઓથી સંપૂર્ણ દારૂબંધી હોવાના બણગા ફૂંકવામાં આવે છે, તો પછી જિલ્લાના ગામેગામ અને શેરીએ-શેરીએ આટલી વિપુલ માત્રામાં દારૂ ક્યાંથી પ્રવેશે છે? જો સામાન્ય નાગરિકોને ગલી-કૂંચીઓમાં ચાલતા અડ્ડાઓની ખબર હોય, તો શું સ્થાનિક બીટ જમાદારો કે બાતમીદારોને આની ગંધ સુદ્ધાં નહોતી આવતી? છેલ્લા ત્રણ દિવસમાં અચાનક ૨૬૬ કેસ કેવી રીતે થઈ ગયા? આટલા દિવસો સુધી પોલીસ તંત્ર કેમ કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલું હતું કે પછી કોઈ ટાર્ગેટ પૂરો કરવા માટે જ આ બધું ઓપરેશન હાથ ધરાયું છે? માત્ર એક-બે લીટર દારૂ પીનારા કે છૂટક પોટલીઓ રાખનારા નાના મજૂરોને પકડીને આંકડાકીય માયાજાળ ઊભી કરવાથી દારૂબંધી સફળ થઈ જશે?
રાજ્ય સરકારના ગૃહ વિભાગ અને ઉચ્ચ નેતાઓ મંચ પરથી ગુજરાતને નશા મુક્ત બનાવવાના અને બુટલેગરો સામે ખાતર પાડી દેવાના મોટા-મોટા એલાનો કરે છે. તો સવાલ એ થાય છે કે શું સરકાર અને ગૃહમંત્રીના કાન સુધી દ્વારકા જિલ્લાના આ વરવા આંકડા પહોંચ્યા નથી? શું સરકાર માત્ર પોટલી પકડવાની કામગીરીથી સંતોષ માની લેશે કે પછી દારૂ બનાવતા મુખ્ય ભઠ્ઠાઓ અને હજારો લીટરનો જથ્થો સપ્લાય કરનારા માથાભારે અસામાજિક તત્વોના મૂળિયાં સુધી પહોંચવાની હિંમત દાખવશે? જનતા હવે આંકડાઓની રમતથી નહીં, પણ કડક પરિણામોથી સંતુષ્ટ થશે. જો સરકાર ખરેખર ગુજરાતને વ્યસનમુક્ત રાખવા માંગતી હોય, તો નાના પ્યાદાઓ પર કેસ ઠોકી સંતોષ માનવાને બદલે દારૂના મુખ્ય સ્ત્રોત અને તેની પાછળ રહેલા વગદાર આકાઓ સામે કડક કાનૂની સકંજો કસવો જ પડશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
