જામનગરમાં ઇંગ્લીશ દારૂની નાની મોટી ૩૦૦ બોટલ કબ્જે
આરોપી રફુચકકર : માધવબાગ પાસે બોલેરોમાંથી શરાબની બાટલી મળી : જામજોધપુરમાં ૬ બોટલ સાથે એક ઝબ્બે
જામનગરમાં ગુરૂદ્વારા ચોકડી પાસે સેન્ટર પોઇન્ટ કોમ્પ્લેક્ષના પાર્કિંગમાં નાસ્તાની રેકડીમાં ઇંગ્લીશ દારૂની નાની મોટી ૩૦૦ બોટલ પોલીસે કબ્જે કરી હતી જયારે આરોપી ફરાર થઇ ગયો હોય જેની શોધખોળ આદરવામાં આવી છે, તેમજ માધવબાગ પાસે બોલેરો ગાડીમાં નીકળેલા બે શખ્સો પાસેથી શરાબની બોટલ મળી આવી હતી અને જામજોધપુરમાં ૬ બોટલ સાથે એક શખ્સની અટકાયત કરવામાં આવી હતી.
રેન્જ આઇજી નિર્લિપ્ત રાય તથા જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની, નાયબ પોલીસ અધીક્ષક જે.એન. ઝાલાએ જામનગર જીલ્લામાંથી દારૂ જુગારની બદી નેસ્ત નાબુદ કરવા પ્રોહીબીશન તથા જુગારધારાના કેસો શોધી કાઢવા સુચના કરતા સીટી-બી પીઆઇ એન.એમ. ગઢવીના માર્ગદર્શન મુજબ સ્કોડના પીએસઆઇ ડી.જી. રાજ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન સ્ટાફના સાજીદભાઇ બેલીમ, ધર્મેન્દ્રસિંહ વાઢેરને મળેલ ખાનગી હકીકત આધારે શહેરમાં ગુદ્વારા ચોકડી સેન્ટર પોઇન્ટ કોમ્પ્લેક્ષના પાર્કિંગમાં શકિત નાસ્તા હાઉસ લખેલ રેકડીમાં વિક્રાંત ઉર્ફે વિકી ગાગડીયાએ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો વેચાણ અર્થે રાખેલ છે તેવી હકીકત આધારે રેઇટ દરમ્યાન દારૂના ચપલા ૨૪૦ તથા બોટલો ૬૦ મળી કુલ નંગ ૩૦૦ કિ. ૧.૫૬ લાખનો મુદામાલ કબ્જે કરી આરોપી વિરુઘ્ધ પ્રોહીબીશન ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી હતી, જયારે દારૂનો જથ્થો રાખનાર વિક્રાંત ઉર્ફે વિકી ગાગડીયા રહે. નવાગામ ઘેડ, જામનગરવાળો ફરાર થઇ ગયો હતો જેની શોધખોળ ચલાવવામાં આવી છે.
અન્ય દરોડામાં જામનગરના ગોકુલનગર સાયોના શેરી નં. ૨માં રહેતા વેપાર કરતા ધ્રુવ અશોક મોલ્ય તથા સાયોના શેરીમાં રહેતા પ્રવિણકુમાર લાલારામ પાલ બંને શખ્સો બોલેરો ગાડી નં. જીજે૧૦ટીએકસ-૩૧૬૪માં ઇંગ્લીશ દારૂની ૧ બોટલ લઇને માધવબાગ રોડ પરથી નીકળતા સીટી-સી પોલીસે પકડી લીધા હતા. કુલ ૧.૫૦.૫૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો.
આ ઉપરાંત જામજોધપુરના બોચવડીનેશ ખાતે રહેતા બાલુ કરશન સામળા નામના શખ્સને ગઇકાલે જામજોધપુરના ફરસાણવાળી ગલી પાસે કાપડની થેલીમાં ઇંગ્લીશ દારૂની ૬ બોટલ અને બે ખાલી બોટલ સાથે રાખીને નીકળતા સ્થાનીક પોલીસે દબોચી લીધો હતો.