કોર્પોરેશનના આવાસ મેળવવા પડાપડી ૧૮૧ આવાસો માટે ૩૫૪૮ અરજી આવી

  • May 17, 2025 03:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ કરાયેલ અને હાલમાં ખાલી પડ્યા હોય તેવા એલઆઇજી કેટેગરીના ૧૩૭ આવાસો માટે ૧૭૪૪ તથા ઇડબ્લ્યુએસ-૨ કેટેગરીના ૪૪ આવાસો માટે ૧૮૦૪ અરજી ફોર્મ ભરાયા છે, આ મુજબ કુલ ૧૮૧ આવાસો માટે ૩૫૪૮ અરજીઓ આવી છે.

વિશેષમાં મ્યુનિ.સૂત્રોએ વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલ અને ખાલી પડેલ, શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલ એલઆઇજી (ટુ બેડ હોલ કિચન) કેટેગરીના ૧૩૭ આવાસો તથા ઇકોનોમિકલ વિકર સેક્શન-૨ (૧.૫ બેડ હોલ કિચન) કેટેગરીના ૪૪ આવાસો માટે તા.૨ એપ્રિલથી તા.૧૫ મે સુધી રાજકોટ મહાપાલિકાની વેબસાઇટ ઉપર ઓનલાઇન ફોર્મ ભરવાની કામગીરી પૂર્ણ થઇ છે. જે અંતર્ગત એલઆઇજી કેટેગરીમાં કુલ ૧૭૪૪ આવાસોના અરજી ફોર્મ તથા ઇકોનોમિકલ વિકર સેક્શન-૨ કેટેગરીના કુલ ૧૮૦૪ આવાસોના અરજી ફોર્મ ઓનલાઇન ભરાયા છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, લોઅર ઇન્કમ ગ્રૂપ કેટેગરીના આવાસોમાં ટુ બેડ હોલ કિચનની સુવિધા છે તેનું ક્ષેત્રફળ ૫૦ ચોરસ મીટર છે. આવાસની કિંમત રૂ.૧૨ લાખ છે અને મેળવવાની માટે અરજી કરવાની પાત્રતામાં વાર્ષિક આવક મર્યાદા રૂ.ત્રણથી છ લાખ છે તેમજ ડિપોઝીટ રૂ.૨૦ હજાર છે. જ્યારે ઇકોનોમિકલ વિકર સેક્શન-૨ કેટેગરીના આવાસમાં ૧.૫ બેડ હોલ કિચનની સુવિધા અને ક્ષેત્રફળ ૪૦ ચોરસ મીટર છે. આવાસની કિંમત રૂ.૫.૫૦ લાખ છે જે મેળવવા માટેની વાર્ષિક આવક મર્યાદા રૂ.ત્રણ લાખ છે અને ડિપોઝીટ રૂ.૧૦ હજાર છે.


લાભાર્થી ભાડે ન આપે તેનું સતત ચેકિંગ થશે

અત્રે ઉલ્લેખનીય છે રાજકોટ મહાપાલિકાની આવાસ યોજના હોય કે મહાપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના કે મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ નિર્માણ કરાયેલી આવાસ યોજના હોય તેમાં યેનકેન પ્રકારે આવાસ મેળવ્યા બાદ અનેક લાભાર્થીઓ તે આવાસ વેંચી નાખતા હોય અથવા તો ભાડે આપીને કમાણી કરતા હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવતા હવે આવી ઘટનાઓ ન બને તે માટે સતત ચેકિંગ થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application