5-જૂન વિશ્વ પર્યાવરણ દિન વિશેષ: પ્રકૃતિનું રક્ષણ, “વન કવચ”નું સર્જન

  • June 04, 2026 05:54 PM 

5-જૂન વિશ્વ પર્યાવરણ દિન વિશેષ: પ્રકૃતિનું રક્ષણ, “વન કવચ”નું સર્જન


જામનગર જિલ્લામાં વન વિભાગ દ્વારા કુલ 14 સ્થળોએ 381.25લાખના ખર્ચે 15.5 હેક્ટર વિસ્તારમાં “વન કવચ”વિકસાવવામાં આવ્યા

“વન કવચ” એ ગુજરાત સરકારની એક મહત્વાકાંક્ષી પર્યાવરણલક્ષી યોજના છે, જેનો મુખ્ય હેતુ રાજ્યમાં હરિયાળું આવરણ વધારવાનો, જૈવવિવિધતાનું સંરક્ષણ કરવાનો અને આબોહવા પરિવર્તનની અસરો સામે કુદરતી સુરક્ષા કવચ ઊભું કરવાનો છે. આ યોજના હેઠળ મિયાવાકી સહિતની આધુનિક પદ્ધતિઓ દ્વારા ઓછી જગ્યામાં વધુ ગીચ અને ઝડપથી વિકસતા વૃક્ષોનું વાવેતર કરવમાં આવે છે.

વન કવચમાં સ્થાનિક પ્રજાતિના વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે, જેના કારણે પક્ષીઓ, જીવજંતુઓ અને અન્ય વન્યજીવો માટે અનુકૂળ નિવાસસ્થાન ઊભું થાય છે. સાથે જ હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઇડનું શોષણ, ઓક્સિજનનું પ્રમાણ વધારવું, ધૂળ અને પ્રદૂષણ ઘટાડવું તેમજ ભૂગર્ભ જળ સંરક્ષણમાં પણ મદદ મળે છે.

ગુજરાત સરકાર દ્વારા શહેરો, ગામો, જાહેર સ્થળો અને ખાલી સરકારી જમીનો પર વન કવચો વિકસાવી હરિયાળા ગુજરાતના નિર્માણ માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. "વન કવચ" માત્ર વૃક્ષારોપણ કાર્યક્રમ નથી, પરંતુ પર્યાવરણ સુરક્ષા અને ભાવિ પેઢી માટે સ્વચ્છ, હરિયાળું અને સ્વસ્થ જીવન સુનિશ્ચિત કરવાની દીર્ઘદ્રષ્ટિપૂર્ણ પહેલ છે. 

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીજીની પ્રેરણાથી ગુજરાતને વધુ હરિયાળું બનાવવાના હેતુથી,જાપાની વનસ્પતિ શાસ્ત્રી અકીરા મીયાવાન્કીની વનીકરણ પદ્ધતિને લક્ષ્યમાં રાખી ગુજરાત વન વિભાગ દ્વારા વનકવચ પદ્ધતિ વિકસાવવામાં આવી છે. વનકવચએ મુખ્યત્વે શહેરી વિસ્તારમાં અને અન્ય વિસ્તારમાં આવેલ પડતર જમીનમાં હરિયાળી વધારવા માટે,એકઝડપથી નાનું વન બનાવવાની પદ્ધતિ છે.એક નાનકડી જગ્યામાં પણ ઘનિષ્ટ વાવેતર કરી નાનું વન ઉભું કરી શકાય.

જામનગર જિલ્લામાં વન વિભાગ દ્વારા કુલ 14 સ્થળોએ 15.5 હેક્ટર વિસ્તારમાં અંદાજે રૂ. 381.25 લાખના ખર્ચે વનકવચ વિકસાવવામાં આવ્યા છે. 

જામનગર તાલુકામાં ગણપતિ મંદિર સપડા ખાતે ૧ હેક્ટર વિસ્તારમાં રૂ.૨૫ લાખના ખર્ચે, તેમજ હાપા માર્કેટ યાર્ડ ઝાડા ટી.પી. સ્કીમ નં.૧ના પ્લોટ નં.૯૮ ખાતે ૧ હેક્ટર વિસ્તારમાં રૂ.૨૫ લાખના ખર્ચે, પ્લોટ નં.૯૩ ખાતે ૦.૫ હેક્ટર વિસ્તારમાં રૂ. ૧૨.૫ લાખના ખર્ચે અને પ્લોટ નં.૮૨ ખાતે ૦.૫ હેક્ટર વિસ્તારમાં રૂ. ૧૨.૫ લાખના ખર્ચે વન કવચ તૈયાર કરવામાં આવ્યા છે.

લાલપુર તાલુકામાં લાલપુર ખાતે ૦.૫ હેક્ટર વિસ્તારમાં રૂ. ૧૨.૫ લાખના ખર્ચે તથા જોગવડ ગામે ૦.૨૫ હેક્ટર વિસ્તારમાં રૂ. ૬.૩ લાખના ખર્ચે વન કવચનું નિર્માણ કરવામાં આવ્યું છે.

જામજોધપુર તાલુકામાં સોનવાડિયા ખાતે ૨ હેક્ટર વિસ્તારમાં રૂ. ૫૦ લાખના ખર્ચે, દલદેવડીયા ખાતે ૧.૫ હેક્ટર વિસ્તારમાં રૂ.૩૭.૫ લાખના ખર્ચે, પાટણ ખાતે ૧ હેક્ટર વિસ્તારમાં રૂ.૨૫ લાખના ખર્ચે અને વસંતપુર ખાતે ૧.૫ હેક્ટર વિસ્તારમાં રૂ.૩૭.૫ લાખના ખર્ચે વન કવચનું નિર્માણ કરવામાં આવ્યું છે.

કાલાવડ તાલુકામાં નિકાવા ગામે ૨ હેક્ટર વિસ્તારમાં રૂ.૫૦ લાખના ખર્ચે તેમજ પરેડ ગ્રાઉન્ડ, કાલાવડ ખાતે ૧ હેક્ટર વિસ્તારમાં રૂ.૨૫ લાખના ખર્ચે વન કવચ ઉભું કરવામાં આવ્યું છે.

ધ્રોલ તાલુકામાં હમાપર ગામે ૦.૫ હેક્ટર વિસ્તારમાં રૂ.૬.૩ લાખના ખર્ચે અને સુધાધુના ગામે ૨.૨૫ હેક્ટર વિસ્તારમાં રૂ.૫૬.૩ લાખના ખર્ચે વન કવચ વિકસાવવામાં આવ્યા છે.

આમ, જામનગર શહેર તથા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં કુલ ૧૫.૫ હેક્ટર વિસ્તારમાં રૂ.૩૮૧.૨૫ લાખના ખર્ચે વન કવચોનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે જિલ્લાની હરિયાળી વધારવા, પર્યાવરણનું સંરક્ષણ કરવા અને જૈવવિવિધતાને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે. 

ગુજરાત સરકારની વન કવચ પહેલ પર્યાવરણ સુરક્ષા માટે એક અસરકારક મોડેલ તરીકે ઉભરી રહી છે. વધતા પ્રદૂષણ અને આબોહવા પરિવર્તનના પડકારો વચ્ચે જામનગર જિલ્લામાં ઉભા થનારા આ હરિયાળા વન કવચો આવનારી પેઢી માટે સ્વચ્છ હવા અને વધુ સારું પર્યાવરણ પ્રદાન કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News