જામનગરમાં અનાજ ચોરી પ્રકરણમાં ૬ આરોપીઓ જેલમાં ધકેલાયા

  • October 16, 2026 04:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં અનાજ ચોરી પ્રકરણમાં ૬ આરોપીઓ જેલમાં ધકેલાયા

ઘઉં ખરીદનારની સંડોવણી ખુલ્યા બાદ તપાસનો રેલો ઉપર સુધી જવાની વકી 

જામનગરના બેડી બંદર રોડ પરથી પાંચ શખ્સોને સરકારી અનાજના જથ્થા સાથે બેડી પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યા હતા, તપાસ હાથ ધરી હતી જેમાં ગોડાઉનમાંથી માતબર જથ્થો સમયાંતરે ચોરી થયાનું બહાર આવ્યુ હતું, પકડાયેલા શખ્સોને રીમાન્ડ પર લેવામાં આવ્યા હતા, આ પ્રકરણમાં અનાજ ખરીદનાર વેપારીની ધરપકડ કરવામાં આવી હતી અને રીમાન્ડ કાર્યવાહી પુર્ણ થતા તમામ આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યા છે, બીજી બાજુ આ અંગેની તપાસનો રેલો ઉપર સુધી જવાની શકયતા સુત્રો દ્વારા વ્યકત કરવામાં આવી છે.

ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા ઘઉંનો જથ્થો જામનગરના બેડી બંદર રોડ પર આવેલા સરકારી ગોડાઉનમાં સંગ્રહ કરવામાં આવ્યો હતો. દરમિયાન સીટી બી-ડિવિઝન પોલીસની કાર્યવાહીમાં ગોડાઉનમાંથી ચોરાયેલા ૧૫૦ મણ ઘઉંનો આશરે રૂ.૭૫ હજારની કિંમતનો જથ્થો તથા ચોરીમાં વપરાયેલી વસ્તુઓ અને વાહન કબજે કરવામાં આવ્યાં હતાં. આ અંગે બેડી પોલીસ ચોકીના પી.એસ.આઈ. આર.બી. ઠાકોર દ્વારા આ મામલે જવાબદાર અધિકારીને જાણ કરવામાં આવી હતી.

ગોડાઉનમાં રહેલા અનાજના જથ્થાની ગણતરી દરમિયાન ૫૦ કિલોગ્રામની ભરતીવાળા કુલ ૧,૩૯૯ કટ્ટા ઘઉંની ઘટ હોવાનું સામે આવ્યું હતું. આ રીતે કુલ આશરે ૬૯,૯૫૦ કિલોગ્રામ ઘઉં ઓછા હોવાનું જણાયું હતું. જેની સરકારી ટેકાના ભાવ મુજબ કુલ કિંમત રૂ.૧૮,૦૮,૨૦૭ થતી હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. આમ, પોલીસ દ્વારા પકડાયેલા ઘઉંના જથ્થાને પગલે સરકારી ગોડાઉનમાંથી લાખો રૂપિયાના અનાજની ચોરી થયાનું બહાર આવ્યું હતું.

અંદાજે અઢી ત્રણ માસના ગાળામાં ગોડાઉનની છત પરના ફાઇબરના પતરાં ઉચકાવી અંદર પ્રવેશ કરીને સરકારી ઘઉંના જથ્થાની ચોરી કરવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

આ બનાવ અંગે ઇકબાલ અબ્દુલ કમોરા, અબ્બાસ વલીમહમદ જેડા, શબીર જુસબભાઈ શેખ, અબ્દુલ વલીમહમદ જેડા અને આબિદ અબ્દુલ જેડા સામે સિટી બી-ડિવિઝન પોલીસ મથકમાં ભારતીય ન્યાય સંહિતા તથા આવશ્યક ચીજવસ્તુ અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો અને કોર્ટમાં રજુ કરીને પાંચેય શખ્સોને તા. ૧૫ સુધીના રીમાન્ડ પર લીધા હતા, તપાસ દરમ્યાન ચોરાયેલા ઘઉંનો જથ્થો ખરીદનાર વેપારી અમરશી છગન ભંડેરીની સંડોવણી બહાર આવતા તેની ધરપકડ કરી રીમાન્ડ પર લીધો હતો, ગઇકાલે રીમાન્ડ કાર્યવાહી પુર્ણ થતા છ આરોપીઓને જેલ હવાલે કર્યા છે. 

આ પ્રકરણમાં અન્ય શખ્સોની સંડોવણી હોવાનું સામે આવ્યુ છે, આથી આ દિશામાં તપાસને વેગવંતી બનાવવામાં આવી છે. સરકારી અનાજ ચોરીમાં તપાસનો રેલો અધિકારીઓ સુધી પહોચવાની પણ શકયતાઓ વ્યકત કરવામાં આવી રહી છે જો કે હાલ ચાલી રહેલી તપાસમાં સમગ્ર નેટવર્કમાં કોણ કોણ સામેલ હતું, કેવી રીતે ચોરી કરીને કયાં કયાં સગેવગે કરતા હતા એ તમામ મુદાઓ આવરી લઇને કાર્યવાહીનો ધમધમાટ ચાલી રહયો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application