5...10...15 વર્ષે નહીં પણ 72 વર્ષીય વૃદ્ધાએ લગ્નના 50 વર્ષે પતિ સામે ત્રાસની ફરિયાદ નોંધાવી, વાંચો રાજકોટના આ ચોંકાવનારો કિસ્સો

  • May 21, 2025 03:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહિલા પોલીસ મથક અને કોર્ટમાં લગ્નના એકાદ વર્ષથી 10 વર્ષના લગ્નગાળાના સમય દરમિયાન પતિ અને સાસરિયા માનસિક અને શારીરિક ત્રાસ આપતા હોવાની પરિણીતાઓ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતી હોય છે. પરંતુ લગ્નના 50 વર્ષ બાદ વૃધ્ધાવસ્થામાં પતિના ત્રાસથી કંટાળી પત્નીએ ઘર છોડી વૃધ્ધાશ્રમમાં રહેવા જવું પડે એવી જવલ્લે જ બનાવ બનતા હોય છે.​​​​​​​


મારા લગ્ન વર્ષ 1972માં થયા છે 

હાલ અમરેલીમાં લાઠી રોડ પર આવેલા દીકરાના ઘર વૃધ્ધાશ્રમમાં છેલ્લા ત્રણ વર્ષથી રહેતા 72 વર્ષીય વૃદ્ધાએ રાજકોટના રૈયારોડ પર એપાર્ટમેન્ટમાં રહેતા પતિ સામે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં વૃધ્ધાએ જણાવ્યું છે હતું કે, મારા લગ્ન વર્ષ 1972માં થયા છે અને સંતાનમાં ત્રણ દીકરા અને એક દીકરી છે, જેમાં બે દીકરા રાજકોટ રહે છે, એક સાવરકુંડલા રહે અને છે અને દીકરી રાજકોટમાં જ સાસરે છે. 


સંઘર્ષ કરી સંતાનોને ભણાવી મોટા કર્યા હતા

લગ્નના થોડા સમય સુધી મને વ્યવસ્થિત રાખી હતી બાદમાં પતિ નાની નાની વાતમાં ઝગડાઓ કરી અને માનસિક-શારીરિક દુઃખ ત્રાસ આપતા હતા. સંતાનો નાના હોવાથી બધું સહન કર્યે રાખ્યું. એમ છતાં તેનો ત્રાસ ઓછો થતો નહતો. લગ્નના બે ત્રણ વર્ષ બાદ કમાવાનું પણ તેણે બંધ કરી દીધું હતું. ઘર ખર્ચ માટે પૈસા માંગુ તો ગાળો આપી માર મારતા હતા. વધુમાં વૃદ્ધાએ જણાવ્યું હતું કે, છેવટે નાછૂટક જે કામ મળતું એ કામ હું કરતી અને સંઘર્ષ કરી સંતાનોને ભણાવી મોટા કર્યા હતા. 


સાવરકુંડલામાં રૂમ રાખીને કેટલોક સમય રહી હતી

આ સમય દરમિયાન પણ પતિ ઘર કંકાસ કરતા અને મારે જોઈતી નથી કહી દુઃખ ત્રાસ આપતા હતા. મારુ માવતર સાવરકુંડલા અને કલકત્તા હોવાથી અવાર નવાર માવતરના ઘરે જતી. પરંતુ માવતર ઉપર પણ ભારરૂપ ન બનું એટલા માટે કામ કરીને સાવરકુંડલામાં રૂમ રાખીને કેટલોક સમય રહી હતી.


સંતાનો મને રાખવાની ના નથી પાડતા 

વર્ષ 2022માં પતિએ ઝઘડો કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી પહેરેલા કપડે કાઢી મુકતા મેં મારી બહેનપણીને ફોન કરી અમરેલીમાં દીકરાનું ઘર વૃધ્ધાશ્રમમાં મૂકી જવા માટેનું કહેતા મને ત્યાં મૂકી ગઈ હતી અને ત્યારથી હું વૃદ્ધાશ્રમમાં જ રહું છું, સંતાનો મને રાખવાની ના નથી પાડતા. પરંતુ હું તેમના ઘર સંસારમાં વિક્ષેપ ઉભો કરવા નથી માગતી એટલા માટે જાતે જ વૃદ્ધાશ્રમમાં રહેવાનું નક્કી કર્યું હતું. મેં નક્કી કર્યું હતું જ્યાં સુધી પતિનો ત્રાસ સહન થશે ત્યાં સુધી કરીશ પરંતુ છેલ્લે કંટાળી 50 વર્ષે ફરિયાદ કરવાની ફરજ પડી છે. મહિલા પોલીસે વૃધ્ધાની ફરિયાદ પરથી રાજકોટ સ્થિત પતિ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application