દ્વારકા જિલ્લામાં ચૂંટણીનું સ્પષ્ટ થતું ચિત્ર: ઓખા પાલિકા માટે ૭૫ ઉમેદવારો મેદાનમાં

  • September 30, 2026 12:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા જિલ્લામાં ચૂંટણીનું સ્પષ્ટ થતું ચિત્ર: ઓખા પાલિકા માટે ૭૫ ઉમેદવારો મેદાનમાં

ચૂંટણી પૂર્વે ઓખાનો વોર્ડ નં. ૪ બિનહરીફ જાહેર:  ભાડથર જિ.પં.ની પેટા ચૂંટણી માટે ત્રણેય પક્ષના એક-એક ઉમેદવારો

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી તા. ૧૧ ઓક્ટોબરના રોજ ઓખા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા ખંભાળિયા તાલુકાની ભાડથર બેઠકની જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી યોજાનાર છે. ત્યારે ગઈકાલે મંગળવારે ફોર્મ ખેંચવાના અંતિમ દિન બાદ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે. જેમાં ઓખા નગરપાલિકામાં હવે ૭૫ ઉમેદવાર તેમજ ભાડથર જિલ્લા પંચાયતમાં એક બેઠક માટે ત્રણ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.

દ્વારકા જિલ્લાની ઓખા નગરપાલિકાના ૯ વોર્ડની કુલ ૩૬ બેઠક માટેની યોજાનારી ચૂંટણીના ગઈકાલે ફોર્મ પરત ખેંચવાના દિને ૭ ઉમેદવારોએ પોતાના ઉમેદવારીપત્રો પરત ખેંચી લીધા છે. જેથી હવે ૭૫ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. આ વચ્ચે ઉલ્લેખનીય છે કે ઓખા નગરપાલિકાના વોર્ડ નંબર ૪ માં ભાજપના ૪ અને એક કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ ભરાયું હતું. જેમાં કોંગી ઉમેદવારે પોતાનું ફોર્મ પરત ખેંચી લેતા ઓખા નગરપાલિકાનો વોર્ડ નંબર ૪ આખે-આખો બિન હરીફ થયો છે.

આથી હવે આગામી તા. ૧૧ ના રોજ ઓખા નગરપાલિકાના ૮ વોર્ડની ૩૨ બેઠક માટે ૭૫ ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે.આ સાથે ખંભાળિયા તાલુકાની ભાડથર જિલ્લા પંચાયતની ખાલી પડેલી એક બેઠક માટે યોજાનારી ચૂંટણીમાં એક અપક્ષ સહિત ચાર ઉમેદવારી પત્રો ભરાયા હતા. જે પૈકી એક અપક્ષ ઉમેદવારે પોતાનું ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી લીધું છે. જેથી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના એક-એક મળી કુલ ત્રણ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા છે.

ઓખા નગરપાલિકાની ૩૨ બેઠક માટેની આ ચૂંટણીમાં ભાજપના ૩૨, કોંગ્રેસના ૨૮ અને આમ આદમી પાર્ટીના ૧૫ મળી કુલ ૭૫ ઉમેદવારોની ચૂંટણી જંગમાં છે. મહત્વની બાબત તો એ છે કે અન્ય રાજકીય પક્ષો કે અપક્ષમાં કોઈપણ ઉમેદવાર આ ચૂંટણી મેદાનમાં નથી. જ્યારે અત્યંત રસાકસી ભરી અને પ્રતિષ્ઠાના જંગ સમાન ભાડથર જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ત્રણેય રાજકીય પક્ષના એક-એક ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application