- રૂપિયા 6 કરોડના ખર્ચે ગ્રંથાલય નિર્માણનું આયોજન -
વિશ્વભરમાં પુસ્તકોના વાંચનને પ્રોત્સાહન આપવા તથા વાંચન પ્રત્યેની જાગૃતિ કેળવવા દર વર્ષ 23 એપ્રિલના રોજ વિશ્વ પુસ્તક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એમ કહેવાય છે કે સારા પુસ્તકો જેવો કોઈ કાયમી મિત્ર નથી હોતો.
આજે વિશ્વ પુસ્તક દિવસ નિમિતે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાના વાચકો માટે અહીં જિલ્લા મથકે બની રહેલ સરકારી જિલ્લા ગ્રંથાલયનું નવા ભવન ટૂંક સમયમાં કાર્યરત થશે. વિશ્વ સ્તરીય સુવિધાઓથી સજ્જ ખંભાળિયા-પોરબંદર રોડ ઉપર બની રહેલા ગ્રંથાલય ભવન શહેરના લોકોની વાંચન ભૂખ સંતોષી સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને પણ ખુબ ઉપયોગી નીવડશે. ગ્રંથાલય ભવનમાં 400 લોકો એકસાથે બેસી વાંચન કરી શકશે.
આ ઉપરાંત મહિલા વિભાગ, બાળ વિભાગ, સીનીયર સીટીઝન વિભાગ, સંદર્ભ વિભાગ, ઈ-લાઈબ્રેરી, કોન્ફરન્સ રૂમ, કેન્ટીન જેવી અન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
સરકારી નોકરી માટે લેવામાં આવતી સ્પર્ધાત્મક પરિક્ષાઓની તૈયારી માટે જિલ્લાના વિદ્યાર્થીઓને બહારગામ જઈને ક્લાસિસ ન કરવા પડે તે માટે ગ્રંથાલય ખાતે તમામ પરિક્ષાઓમાં ઉપયોગી વાંચન સાહિત્ય પૂરું પાડવા સાથે ઓનલાઈન ક્લાસિસની વ્યવસ્થા પણ કરવામાં આવશે. અહીંના ધારાસભ્ય અને મંત્રી મુળુભાઈ બેરાના પ્રયાસોથી રૂ. 6 કરોડ જેટલી રકમના ખર્ચે અહીં ખુબ વિશાળ જગ્યામાં રમણીય અને શાંત વાતાવરણમાં બની રહેલા ગ્રંથાલય ભવન વાંચન પ્રેમી લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.