રાજકોટમાં મહિલા મિત્રની સહેલીના ઘરે આવેલા યુવકનો ફ્લેટના 12માં માળેથી કૂદી આપઘાત, પત્નીથી અલગ ત્યક્તા સાથે લિવઇનમાં રહેતો

  • August 25, 2026 11:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં મોડી રાત્રીના બે બનાવમાં જુદા જુદા બિલ્ડીંગના 12માં માળેથી એક યુવાન અને પૌઢ પટકાતા મોત નિપજ્યાનું સામે આવ્યું છે, જેમાં ગંગોત્રી પાર્ક મેઈન રોડ પર પામ યુનિવર્સ નામના હાઈરાઈઝ બિલ્ડિગમાં રહેતી મહિલા મિત્રના ઘરે આવેલા 42 વર્ષીય યુવકનું મોત શંકાસ્પદ બન્યું છે. જયારે બીજા બનાવમાં માધાપર ચોકડી પાસે આવેલા ધ સ્પેસ બિલ્ડિંગમાંથી પ્રૌઢએ ઝંપલાવી લીધાનો બનાવ બન્યો છે.


પ્રાપ્ત વિગત મુજબ શહેરના કાલાવડ રોડ પર આત્મીય કોલેજની સામે આરએમસીના સ્વિમિંગ પુલની પાછળ આવેલી નંદનવન સોસાયટી શેરી નં-1માં રહેતા નિમેષભાઈ પરબતભાઈ ભંડેરી (ઉ.વ.42)ના યુવાન રાત્રીના યુનિવર્સીટી રોડ પર ગંગોત્રી પાર્ક મેઈન રોડ પર આવેલા પામ યુનિવર્સીટી નામના હાઈરાઈઝ બિલ્ડિંગમાં રહેતી પરિચિત ત્યક્તા કાજલબેન સલોતના ફ્લેટે હતા ત્યારે મધ રાત્રીના અઢી વાગ્યે ફ્લેટના 12માં માળે આવેલી બાલ્કનીમાંથી કૂદી જતા ગંભીર ઈજાઓ થઇ હતી. ઘટનાને પગલે બિલ્ડિંગમાં સિક્યોરિટીએ બુમાબુમ કરતા ફ્લેટ ધારકો સહિતના નીચે આવ્યા હતા અને કોઈએ 108 અને પોલીસને જાણ કરતા 108ના ઇએમટીએ જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતા યુનિવર્સીટી પોલીસ પણ સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.


પ્રાથમિક વિગત મુજબ નિમેષભાઈના માતા-પિતા અને પત્ની હરિધવા માર્ગ ઉપર રહે છે અને બે સંતાન છે, પોતે છેલ્લા બે વર્ષથી પત્નીથી અલગ આશા નામની ત્યક્તા સાથે લિવઇનમાં આત્મીય કોલેજની સામે આરએમસીના સ્વિમિંગ પુલની પાછળ આવેલી નંદનવન સોસાયટીમાં રહેતા હતા. ગઈકાલે બંને વચ્ચે ઝગડો થતા નિમેષભાઈ પામ યુનિવર્સમાં રહેતી આશાની સહેલી કાજલબેનના ઘરે ગયા હતા અને ત્યાં ઝગડા અંગેની વાત કરી તેણીને સમજાવવા કહ્યું હતું. દરમિયાન કાજલબેને તેને અહીં રોકાઈ જવા કહ્યું હતું. રાત્રીના કાજલબેનની પુત્રીએ જાગીને જોતા ફ્લેટની બારી ખુલી હતી અને નેટ પણ તૂટેલી હોવાથી રૂમમાં જોવા જતા નિમેષભાઈ જોવા મળ્યા ન હતા આથી બાલ્કનીમાંથી નીચે જોતા યુવક લોહી લુહાણ હાલતમાં પડ્યો હોવાનું જોવા મળતા દેકારો મચાવ્યો હતો. બનાવ અંગે વધુ તપાસ યુનિવર્સીટી પોલીસ મથકના પીએસઆઈ ચાવડા ચલાવી રહ્યા છે.


ધ સ્પેસ બિલ્ડિંગના 12માં માળેથી ઝંપલાવી પ્રૌઢનો આપઘાત


રાજકોટના માધાપર ચોકડીથી મોરબી રોડ વચ્ચે આવેલા ધ સ્પેસ બિલ્ડિગના 12માં માળે ઈ-1204માં રહેતા કિશોરભાઈ દેવચંદભાઈ મશરૂ (ઉ.વ.66)ના પ્રૌઢે સાંજે છએક વાગ્યે ઘરે હતા ત્યારે ફ્લેટની બાલ્કની માંથી છલાંગ લગાવી લેતા નીચે પટકાતા ગંભીર ઈજાઓ થવાંથીલોહી લુહાણ થયા હતા. ઘટનાના પગલે ફ્લેટ ધારકો, આસપાસના લોકો દોડી ગયા હતા અને 108ને જાણ કરતા 108ના ઇએમટીએ જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્ટાફે સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી તપાસ હાથ ધરી હતી.

આપઘાત કરનાર પ્રૌઢને સંતાનમાં બે દીકરા એક દીકરી છે. પ્રૌઢને 25 વર્ષથી માનસિક બીમારી હોય તેની દવા પણ ચાલુ હતી. આ બીમારીથી કંટાળી પગલું ભર્યું હોવાનું લાગી રહયું છે. વધુ તપાસ ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઈ એમ.એન.પીઠીયા ચલાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application