અમદાવાદની ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભીષણ બ્લાસ્ટમાં દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના એક શ્રમિક પરિવારે પોતાના ૫ સભ્યો ગુમાવ્યા હોવાની કાળજું કંપાવતી ઘટના સામે આવી છે. રોજગારીની આશાએ વતન છોડીને ગયેલા ગોવિંદાતળાઈ ગામના એક જ પરિવારના માતા અને ૪ માસૂમ બાળકોના કરૂણ મોત નીપજ્યા છે. આ તમામ મૃતદેહો જ્યારે એકસાથે એમ્બ્યુલન્સ મારફતે તેમના વતન પરત લાવવામાં આવ્યા, ત્યારે સમગ્ર ગામમાં માતમ છવાઈ ગયો હતો. પરિવારે એકસાથે ૫-૫ સભ્યો ગુમાવતા ગ્રામજનો અને સગા-સંબંધીઓના ભારે આક્રંદથી આખું ગામ હિબકે ચડ્યું હતું અને વાતાવરણ અત્યંત ગમગીન બની ગયું હતું.
એક જ પરિવારના ૫ સભ્યોનો માળો વિખેરાયો
આ ભયાનક દુર્ઘટનામાં દાઝી જવાના કારણે પરિવારના મોભી અને બાળકોના પિતા ભરત ચારેલ હાલ ગંભીર હાલતમાં હોસ્પિટલના બિછાને જિંદગી અને મરણ વચ્ચે જંગ લડી રહ્યા છે. બીજી તરફ, કાળમુખા બ્લાસ્ટે તેમના સમગ્ર પરિવારનો માળો વિખેરી નાખ્યો છે. આ બ્લાસ્ટમાં ભરતભાઈના પત્ની રમીલાબેન ચારેલ, તેમની ત્રણ માસૂમ પુત્રીઓ રીંકુબેન, શિવાનીબેન, રવિનાબેન અને એકમાત્ર લાડકવાયા પુત્ર નીરવનું કરૂણ મોત નીપજ્યું છે. આ ઉપરાંત, પિછોડા ગામના પણ એક દંપતી આ જ ફેક્ટરીમાં કામ અર્થે ગયા હતા, જેઓ ગંભીર રીતે દાઝી જતાં હાલ અમદાવાદની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
પરિવારના વડીલે એકસાથે ૫ ચિતાઓને અગ્નિદાહ આપ્યો
ગોવિંદાતળાઈ ગામે યોજાયેલી આ ઐતિહાસિક અને હૃદયદ્રાવક અંતિમયાત્રામાં આખું ગામ આંસુઓ સાથે જોડાયું હતું. સ્મશાનભૂમિમાં જ્યારે એકસાથે ચિતાઓ ખડકાયી ત્યારે હાજર તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. પરિવારના વૃદ્ધ વડીલ વરસિંગ ચારેલે અત્યંત ભારે હૈયે પોતાના જ પુત્રવધુ અને ૪ પૌત્ર-પૌત્રીઓના મૃતદેહને મુખાગ્નિ આપી અગ્નિદાહ આપ્યો હતો. વરસિંગ ચારેલે ડસકાં ભરતા જણાવ્યું હતું કે, તેમનો પુત્ર ભરત રોજગાર મેળવવા માટે છેલ્લા ૬ વર્ષથી પરિવાર સાથે અમદાવાદની આ ફેક્ટરીમાં મજૂરી કામ કરતો હતો, પરંતુ ગઈકાલે અચાનક થયેલા કારખાનાના બ્લાસ્ટે તેમનો આખો પરિવાર છીનવી લીધો છે.
વહીવટી તંત્ર સાંત્વના આપવા દોડ્યું, આર્થિક સહાયની ખાતરી
ઘટનાની ગંભીરતા અને આટલા મોટા પાયે થયેલી જાનહાનિને પગલે સ્થાનિક વહીવટી તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવ્યું હતું. પુરવઠા મામલતદાર તેમજ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક પીડિત ચારેલ પરિવારના નિવાસસ્થાને દોડી ગયો હતો. અધિકારીઓએ દુઃખની આ ઘડીમાં પરિવારના સભ્યોને મળીને ઘેરી સાંત્વના પાઠવી હતી. આ સાથે જ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પીડિત પરિવારને મુશ્કેલીના સમયે મદદરૂપ થવા માટે નિયમ મુજબની સરકારી આર્થિક સહાય વહેલી તકે મંજૂર થઈને મળી રહે તે માટેની તમામ વહીવટી અને કાગળની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી દેવામાં આવી છે.