દાહોદ પછી પંચમહાલ જિલ્લામાં મનરેગાનુ મસમોટું કૌભાંડ, ભાજપ નેતાઓની સંડોવણીના આક્ષેપ સાથે વિજિલન્સ તપાસની માંગ કરતા અમિત ચાવડા

  • May 23, 2025 03:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાતમાં કેન્દ્ર પુરસ્કૃત મનરેગા યોજનામાં દાહોદ જિલ્લા પછી પંચમહાલ જિલ્લામાં બહુ મોટું કૌભાંડ થયાનું આક્ષેપ સાથે વિજિલન્સ ની તપાસની માંગણી કોંગ્રેસના અમિત ચાવડાએ કરી છે.


ગુજરાતના દાહોદ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામિણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા) હેઠળ મોટા પાયે ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અમિત ચાવડાએ કર્યા છે. તેમણે આરોપ મૂક્યો કે છેલ્લા ચાર વર્ષમાં રાજ્યના સૌથી નાના તાલુકામાં વસવાટ કરતી 2731ની વસ્તી ધરાવતા ગામમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું છે, અને પર્દાફાશ છતાં સરકારે કોઈ પગલું લીધું નથી.


ચાવડાએ જણાવ્યા પ્રમાણે, મનરેગા યોજના મુજબ 60 ટકા રકમ મજૂરો માટે અને 40 ટકા મટીરીયલ માટે ઉપયોગ થવો જોઈએ, પણ જાંબુઘોડામાં છેલ્લાં ચાર વર્ષમાં નિયમ વિરુદ્ધ ઉપયોગ થયો છે.


તેમના જણાવ્યા અનુસાર માત્ર 22 ટકા રકમ મજૂરોને ચુકવવામાં આવી છે જ્યારે બાકીના 78 ટકા મટીરીયલ ખર્ચમાં બતાવવામાં આવ્યા છે. સમગ્ર જાંબુઘોડા તાલુકામાં રૂ. 109 કરોડનું મટીરીયલ ખર્ચ દર્શાવવામાં આવ્યું છે, જે જિલ્લામાં થયેલા કુલ ખર્ચનો આશરે 50 ટકા છે.


જ્યારે રાજ્ય અને કેન્દ્ર સરકાર દાવો કરે છે કે ચોખ્ખી અને જવાબદાર સરકાર આપો છો, ત્યારે આવા ભ્રષ્ટાચારના મામલા વિકાસ કમિશનર અથવા દિશા બેઠકમાં કેમ ધ્યાન પર આવ્યા નહીં? દિશા બેઠક દર ત્રણ મહિને થાય છે છતાં આવા મોટાં આંકડાઓ છૂપાવાયા કેમ?


ચાવડાએ જણાવ્યું કે જે એજન્સીઓ મટીરીયલ સપ્લાય કરે છે, તેમા ભાજપના અગ્રણી નેતાઓ તથા તેમના પરિવારજનો સંડોવાયેલા છે. એક એજન્સી ગિરિરાજ એજન્સી છે જે ભાજપના દાહોદ જિલ્લા પ્રમુખ મયંક કુમાર દેસાઇ ચલાવે છે. બીજી એજન્સી તેમના પત્ની સાથે સંકળાયેલી છે, જ્યારે ત્રીજી એજન્સીમાં પૂર્વ ડ્રાઈવર સંડોવાયેલ છે.


ચાવડાએ વધુ કહ્યું કે જાંબુઘોડા ગામમાં મનરેગા હેઠળ કુલ 2040 કામો દાખલ કરાયા છે, પરંતુ માત્ર 47 લાખ રૂપિયાનું લેબર પેમેન્ટ થયું છે. કામ ઓછું થયું છે, પણ તેના વિરુદ્ધ મોટી રકમના બિલો રજૂ કરીને નાણાકીય ફાયદો લેવામાં આવ્યો છે.


તેમણે ગુજરાત સરકારને અને કેન્દ્ર સરકારને પડકાર ફેંકતા કહ્યું કે જો ખરેખર એ ચોખ્ખી અને જવાબદાર સરકાર છે તો તાત્કાલિક વિજિલન્સ તપાસ શરૂ કરવી જોઈએ. તેમને એ પણ જણાવ્યું કે જે લોકો આ કૌભાંડમાં જવાબદાર છે તેમને કાયદા મુજબ સજા મળી જોઈએ અને “જેલના સળિયા પાછળ ધકેલવા જોઈએ.”


ચાવડાએ એ પણ ઉમેર્યું કે, 26 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાહોદ પ્રવાસે આવવાના છે ત્યારે આ ભ્રષ્ટાચાર મુદ્દો તેમના ધ્યાનમાં આવવો જરૂરી છે. લોકશાહી અને ન્યાય માટે આ મુદ્દે જાહેરપણે જવાબદારી નક્કી થવી જોઈએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application