પરિવારજનોએ અમિત ખૂંટનો મૃતદેહ 24 કલાક બાદ સ્વીકાર્યો, રીબડામાં પોલીસ બંદોબસ્ત સાથે અંતિમયાત્રા નિકળી

  • May 06, 2025 05:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલ રિબડા ગામના યુવક અમિત ખૂંટ આપઘાત કેસમાં 24 કલાક બાદ પરિવારે તેનો મૃતદેહ સ્વીકાર્યો હતો. બાદમાં પરિવારજનોએ મૃતક અમિત ખૂંટની રિબડા ખાતે તેમના નિવાસ સ્થાન ખાતેથી અંતિમયાત્રા નીકળી કાઢી હતી. અમિત ખૂંટની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. રિબડા સ્મશાન ખાતે મૃતક યુવક અમિત ખૂંટની અંતિમવિધિ કાઢવામાં આવી હતી. રિબડા ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સાથે રિબડા ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું છે. અંતિમયાત્રામાં ગણેશ ગોંડલ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ પ્રફુલભાઈ ટોળીયા, માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના અગેવાનો, મિત્રો અને ગ્રામજનો જોડાયા હતા.


જિલ્લા પોલીસ વડા દ્વારા આરોપીને ઝડપી લેવાની ખાત્રી આપતા મૃતદેહ સ્વીકારવામાં આવ્યો હતો. આ અંગે SITની રચના કરી તટસ્થ તપાસ કરવામાં આવશે. મૃતક અમિત ખૂંટની રિબડા ખાતે તેમના નિવાસ સ્થાન ખાતેથી અંતિમયાત્રા નીકળી હતી. ​​​​​​​


આજ સવાર સુધી પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વીકરવામાં આવ્યો નહોતો

બીજી બાજુ આપઘાત કરનાર અમીત દામજીભાઇ ખુંટને આપઘાત કરવા મજબુર કરવા અંગે અમીતનાં મોટાભાઇ દ્વારા અનિરુદ્ધસિંહ તથા તેના પુત્ર રાજદિપસિંહ સહિત રાજકોટ ની બે યુવતીઓ વિરૂધ્ધ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કર્યા બાદ અમીત ખુંટનાં પરીવાર દ્વારા જ્યાં સુધી અનિરુદ્ધસિંહ સહિત આરોપીઓ ઝડપાઇ ન જાય ત્યાં સુધી અમીતનાં મૃતદેહને નહીં સ્વિકારવાની જીદ પકડતા મડાગાંઠ સર્જાઇ હતી. પોલીસ અધિકારીઓએ પરિવારને સમજાવવા કોશીશ કરી પણ પોતાની માંગ મુદે પરિવાર અડગ રહેતા ગત મોડી સાંજે મૃતદેહ ફ્રીઝકોલ્ડ રૂમમાં રખાયો હતો. પોલીસ દ્વારા ખાત્રી આપતા બપોરે પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વીકારવામાં આવ્યો હતો.


ઝાડની ડાળીએ દોરડુ બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો

સોમવારે વહેલી સવારે રીબડાનાં અમીત દામજીભાઇ ખુંટ (ઉ.વ. 32) એ લોધીકા રોડ પર આવેલી પોતાની વાડીની બાજુમાં વોંકળામાં આવેલા ઝાડની ડાળીએ દોરડુ બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરતા સનસનાટી મચી જવા પામી હતી.


પોલીસ અમીતને શોધી રહી હતી

આપઘાત કરનાર અમીત ખુંટ સામે ગત શનિવારે રાજકોટ એ ડીવીઝન પોલીસમાં સગીરા પર દુષ્કર્મ આચરવા અંગે ફરિયાદ થઈ હોય પોલીસ અમીતને શોધી રહી હતી. ફરિયાદનાં બીજા જ દિવસે અમીતે ઝાડની ડાળીએ લટકી જીંદગી ટુંકાવી હતી.


મૃતક અમીતનાં પરિવારે ફોરેન્સિક પીએમની માંગ કરતા મૃતદેહ રાજકોટ ખસેડાયો હતો

બનાવ અંગે અમીતનાં મોટાભાઇ મનીષભાઈને જાણ થતા વાડીએ દોડી જઇ પોલીસ ને જાણ કરાતા તાલુકા પોલીસ નાં ઈન્ચાર્જ પીઆઇ.એ.સી.ડામોર સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બાદમાં મૃતદેહને પીએમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. પરંતુ મૃતક અમીતનાં પરિવારે ફોરેન્સિક પીએમની માંગ કરતા મૃતદેહ રાજકોટ ખસેડાયો હતો.


રાજકોટની રીધ્ધી પટેલ અને પુજા ગોરનાં નામનો ઉલ્લેખ કર્યો

મૃતક અમીતનાં ખિસ્સામાંથી ચાર પાનાની સુસાઇડનોટ મળી આવી હતી. જેમાં ખોટી રીતે દુષ્કર્મનાં કેસમાં ફસાવી બદનામ કરી મરવા મજબુર કરવા અંગે રીબડા નાં અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા તેના પુત્ર રાજદિપસિંહ ઉપરાંત રાજકોટની રીધ્ધી પટેલ અને પુજા ગોરનાં નામ નો ઉલ્લેખ કર્યો છે.


કોની કોની સામે ગુનો નોંધાયો

દરમિયાન અમીતનાં મોટાભાઇ મનીષભાઈ દામજીભાઇ ખુંટે તાલુકા પોલીસમાં પોતાનાં નાનાભાઇ અમીતને મરવા મજબુર કરવા અંગે અનિરુદ્ધસિંહ તેના પુત્ર રાજદિપસિંહ, રિધ્ધી પટેલ, પુજા ગોર તથા તપાસ માં જેના નામ ખુલે તેની સામે ફરિયાદ કરતા પોલીસે Bns કલમ 108, 61(2) 54 મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.


પોતાની જાતે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો

ફરિયાદી મનીષભાઈ એ ફરિયાદ માં જણાવ્યું કે ગત વિધાનસભાની ચુંટણી સમયે અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા તેના પુત્ર રાજદિપસિંહે જમીનો પડાવી લીધી હોય તેનો વિખવાદ થયેલો હોય તે બાબતે અનિરુદ્ધસિંહ તથા રાજદીપસિંહે અમીત ઉપર હુમલો કર્યો હતો.જે અંગે અમીતે બન્ને સામે તાલુકા પોલીસ માં ફરિયાદ કરી હતી.વધુમાં અનિરુદ્ધસિંહ ને પોપટભાઇ સોરઠીયા મર્ડર કેસમાં સજા માફી થયેલી હોય જેથી સજા માફી રદ કરવા અમીતે ગૃહવિભાગમાં અરજી કરી હતી.જેથી તે વાતનો ખાર રાખી અનિરુદ્ધસિંહ તથા રાજદિપસિંહે મળીને પૈસા આપીને રીધ્ધી પટેલ, મીડીયા માં બોલેછે તે પુજા ગોરે અમીતને ફસાવવા અગાઉ થી કાવત્રુ કરી હનીટ્રેપમાં ફસાવી બળાત્કાર નો ખોટો કેસ કરાવી માનસિક ત્રાસ આપી બદનામ કરી મરી જવા મજબુર કરતા અમીતે વાડીએ જઇ પોતાની જાતે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધેલ છે.જેથી અનિરુદ્ધસિંહ, રાજદીપસિંહ, રીધ્ધી પટેલ, પુજા ગોર સહિત સામે ધોરણસર કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

અમીત ખુંટ પુર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનાં ટેકેદાર હતા.રીબડામાં ગત વિધાનસભાની ચુંટણીમાં ગીતાબા જાડેજાનાં સમર્થનમાં તેમણે કામ કર્યુ હતુ.

અમીતે વાડીએ ગળાફાંસો ખાઇ આપઘાત કર્યાની જાણ થતા જયરાજસિહ જાડેજા રીબડા દોડી ગયા હતા.

અમીતનાં મૃતદેહ ને ગોંડલ સિવિલ હોસ્પિટલ લવાયો ત્યારે ગણેશ જાડેજા અને તેના સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.રાજકોટ ફોરેન્સિક પીએમ માટે મૃતદેહ લઇ જવાયો ત્યારે ગણેશ જાડેજા પણ રાજકોટ પંહોચ્યા હતા.પોલીસ અનિરુદ્ધસિંહ, રાજદીપસિંહ, રીધ્ધી પટેલ તથા પુજા ગોરને ઝડપી લેવા દોડધામ કરી રહી છે. બીજી તરફ જયાં સુધી અનિરૂધ્ધસિંહ સહિતના આરોપીઓ ન ઝડપાઇ ત્યાં સુધી પરિવારે લાશ સ્વીકરાવાનો ઇનકાર કરી દીધો છે.જેને લઇ સ્થિતિ તંગ બની છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application