સૌરાષ્ટ્ર ક્રિકેટ માટે ગર્વની ક્ષણ: બોટાદની અવની ચાવડાની ભારતીય મહિલા અંડર-19 ટીમમાં પસંદગી

  • June 11, 2026 03:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (એસીએ) માટે વધુ એક ગૌરવ લેવા જેવા સમાચાર સામે આવ્યા છે. સૌરાષ્ટ્રની રાઈટ હેન્ડ ઓફ સ્પિનર અવની ચાવડાની શ્રીલંકા સામે રમાનારી આગામી ટી-૨૦ સિરીઝ માટે ભારતની મહિલા અંડર-૧૯ ટીમમાં પસંદગી કરવામાં આવી છે. અવનીની યુવા ક્રિકેટ સફરમાં આ એક બહુ મોટો વળાંક છે. સ્થાનિક સ્તરે અને વિવિધ વય-જૂથની ક્રિકેટ ટુર્નામેન્ટોમાં તેના સતત શાનદાર પ્રદર્શન, સખત મહેનત અને રમત પ્રત્યેના સમર્પણના પરિણામે તેને આ મોટી સફળતા મળી છે.

અવની ચાવડા મૂળ બોટાદની વતની છે અને તે ઘણા સમયથી અલગ-અલગ ફોર્મેટમાં સૌરાષ્ટ્રની ટીમનું પ્રતિનિધિત્વ કરી રહી છે. તેણે અત્યાર સુધી અંડર-૧૭ ટુર્નામેન્ટ, અંડર-૧૯ ટી-૨૦ અને વન-ડે ટુર્નામેન્ટ, અંડર-૨૩ વન-ડે તેમજ સિનિયર મહિલા ટી-૨૦ ટુર્નામેન્ટમાં પોતાની અદભુત બોલિંગ અને રમતથી પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું હતું. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન હંમેશા યુવા પ્રતિભાઓને આગળ લાવવા અને ખાસ કરીને મહિલા ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે કટિબદ્ધ રહ્યું છે, જેનો ફાયદો આજે અવની જેવી ખેલાડીઓને મળી રહ્યો છે.


આ ઐતિહાસિક સિદ્ધિ બદલ બીસીસીઆઈના ભૂતપૂર્વ સચિવ નિરંજન શાહે અવનીને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, આ સફળતા માત્ર અવનીની અસાધારણ પ્રતિભાને જ નહીં, પરંતુ મહત્વાકાંક્ષી મહિલા ક્રિકેટરોને મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડવાના એસોસિએશનના પ્રયાસોને પણ દર્શાવે છે. તેની આ સફર આ પ્રદેશની એવી અસંખ્ય યુવતીઓ માટે મોટી પ્રેરણા બનશે જેઓ ભવિષ્યમાં ભારતીય ટીમની બ્લુ જર્સી પહેરીને આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું નામ રોશન કરવા ઈચ્છે છે.


બીસીસીઆઈના એપેક્સ કાઉન્સિલ સભ્ય અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ જયદેવ શાહે આ ક્ષણને સૌરાષ્ટ્ર માટે સીમાચિહ્નરૂપ ગણાવી છે. તેમણે કહ્યું કે, અવની આંતરરાષ્ટ્રીય સ્તરે ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કરવાનું સન્માન મેળવનારી સૌરાષ્ટ્રની પ્રથમ યુવા મહિલા ક્રિકેટરોમાંની એક બની છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને અવની, તેના પરિવાર અને કોચને શુભકામનાઓ પાઠવી છે અને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તે શ્રીલંકા સામે પણ શાનદાર પ્રદર્શન કરીને દેશ અને સૌરાષ્ટ્રનું ગૌરવ વધારશે. એસોસિએશન દ્રઢપણે માને છે કે આ સિદ્ધિથી સૌરાષ્ટ્રમાં મહિલા ક્રિકેટના એક નવા અધ્યાયની શરૂઆત થઈ છે.


ભારતની મહિલા અંડર-19ની ટી-20 અને વન-ડે ટીમ

મહિલા પસંદગી સમિતિએ આગામી આઇડીએફસી ફર્સ્ટ બેંક શ્રીલંકા મહિલા અંડર-19 ટીમના ભારતના પ્રવાસ માટે ભારતની મહિલા અંડર-19 ટીમની પસંદગી કરી છે. આ પ્રવાસમાં ત્રણ ટી-20 મેચ અને ત્રણ વન-ડે મેચનો સમાવેશ થશે. ભારતની મહિલા અંડર-19 ટી-20 ટીમમાં ભાવિકા આહિરે (કેપ્ટન) (વિકેટકિપર), ઇરા જાધવ, તનિષ્કા શર્મા, ઇશ્વરી અવસારે, અવની ચાવડા, મહતો નિધિ, પૂર્વા સિવાચ, કુમારી પલક, મહક નરવાસે (વાઇસ કેપ્ટન), કાશવી કંદિકુપ્પા, મણિયાર મૈત્રી, ગૌરી ગોયલ, જાનવી વીકાર આનંદી તાગડે અને કે દીક્ષાની પસંદગી કરાઈ છે. જ્યારે ભારતની મહિલા અંડર-19 વન-ડે ટીમમાં ભાવિકા આહીરે (કેપ્ટન), ઈરા જાધવ, દીયા યાદવ, ઇશ્વરી અસ્વારે, વી પ્રતીક્ષા, મહ્તો નિધિ, પૂર્વા સ્વીચ, કમારી પલક, મહેક નસ્વારે (વાઇસ કેપ્ટન), કાશ્વી કાંદીકુપ્પા, વિધિ પરમાર, ગૌરી ગોયલ, જાનવી વિકાર, આનંદી તાગડે અને કે દીક્ષાની પસંદગી કરવામાં આવી છે.


શ્રીલંકા સામે ટી-20 અને વન-ડે સિરીઝનું શેડ્યુલ

૨૨ જૂન- પહેલી ટી-૨૦, ચેન્નાઈ

24 જૂન- બીજી ટી20, ચેન્નાઈ

27જૂન-ત્રીજી ટી20, ચેન્નાઈ

૩૦ જૂન- પહેલો વન-ડે, પુડુચેરી

૩-જુલાઈ- બીજો વનડે, પુડુચેરી

૦૬ જુલાઈ- ત્રીજો વન-ડે, પુડુચેરી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application