ઘનશ્યામનગરમાં પાડોશીઓ વચ્ચે ધિંગાણું સામસામે ઇંટ અને પથ્થરના ઘાઃ બે ઘવાયા
ઘનશ્યામનગરમાં પાડોશીઓ વચ્ચે ધિંગાણું સામસામે ઇંટ અને પથ્થરના ઘાઃ બે ઘવાયા
May 04, 2026 08:37 PM
રાજકોટ શહરેના કોઠારીયા રોડ પર આવેલા ઘનશ્યામનગરમાં પાડોશી વચ્ચે મારમારી થઈ હતી. જેમાં સામસામ ઈંટ- પથ્થર-કાચના છૂટા ઘા કરવામાં આવ્યા હતાં. જેમાં મહિલા સહિત બેને ઈજા પહોંચી હતી. જે અંગે સામસામી ફરિયાદના આધારે ભક્તિનગર પોલીસ મથકમાં છ શખસો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. બનાવ અંગે કોઠારિયા રોડ પર ઘનશ્યામનગર શેરી નં.૧૬માં રહેતી કિંજલબેન પંકજભાઈ વાઘેલા(ઉ.વ.૩૦) એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પાડોશમાં રહેતા લાલાભાઈ કાળુભાઈ સાગઠીયા, હેતલભાઈ કાળુભાઇ સાગઠીયા, કલીબેન અને ભૂરીબેનનું નામ આપતા જણાવ્યું હતું કે તે તથા તેમના પતિ ઇમિટેશનનું કામ કરીએ છે. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.૩ ના રાત્રીના સાડા દસ વાગ્યે મારા પતિ ફાકી ખાવા ગયા હતા ત્યારે પાડોશમાં રહેતા લાલાભાઈ સાગઠીયા ફરિયાદીના પતિને જોઈ ગાળો આપવા લાગ્યો હતો. દેકારો થતા પરિણીતા ઘરની બહાર ઘેડી ગઈ હતી અને લાલાને ગાળો નહિં બોલવા સમજાવી જે હોય તે સવારે જોઈ લેશું તેમ કહ્યું હતું તેમ છતાં લાલો બેફામ બોલવા લાગતા મારા પતિએ કહ્યું હતું કે હું પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા જાઉં છું બાદમાં ફરિયાદીના પતિ ઘરમાંથી વાહન લઈ શેરીમાં કાઢતા આશરે સાડા અગિયાર વાગ્યે લાલો સાગઠીયા, તેની બહેન હેતલ, લાલાની પતિ કલીબેન અને બહેન કિરણની પુત્રી ભૂરી શેરીમાં એકત્રિત થઈ ગયા હતા અને ગાળો આપવા લાગ્યા હતા. જેથી ફરિયાદીએ ગાળો બોલવાની ના પાડતા લાલો એકદમ ઉશ્કેરાઈ ગયેલ હતો અને તેના હાથમાં રહેલી કાચની ધારદાર વસ્તુ વડે પરિણીતાને માથામાં ઘા મારી દીધેલ હતો. તેની બહેન, પતિ અને બહેનની દીકરીએ પથ્થર તથા ઇંટના છૂટ્ટા થા કર્યા હતા. લાલાએ મને ધારદાર હથિયાર વડે થા મારતા પરિણીતાને લોહી નીકળવા લાગ્યું હતું બાદ ઇંટ તથા પથ્થરના ઘા કપાળના ભાગે વાગી જતા પરિણીતાને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.પરિણીતાએ હોસ્પિટલના બિછાનેથી ફરિયાદ નોંધાવતા વધુમાં જણાવ્યું હતું કે આશરે ૭થી ૮ વર્ષ પૂર્વે મારા જેઠ દિપકભાઈ તથા લાલાનો ભાઈ પરેશ ઉર્ફે ઠંડો સાગઠીયા વચ્ચે ઝગડો થયેલ હતો. જે ઝગડાનો ખાર રાખી લાલો અવાર-નવાર અમને ગાળો આપી હેરાન કરે છે. આ બાબતનો ખાર રાખીને લાલા આણી ટોળકીએ અમારી ઉપર હુમલો કર્યો હતો. જ્યારે સામા પક્ષે પરેશભાઈ ચેશુભાઈ સાગઠીયાએ વળતો ગુનો નોંધાવતા આરોપી તરીકે કિંજલબેન પંકજભાઈ વાઘેલા અને પંકજભાઈ જીતુભાઈ વાઘેલાનું નામ આપતા જણાવ્યું હતું કે તે ઘર પાસે જ આનંદ સર્વિસ સ્ટેશન નામે ગાડી સર્વિસ કરવાનો વ્યવસાય ધરાવું છું. ગત રાત્રિના આશરે સાડા બાર વાગ્યે તે ઘરે જમતો હતો ત્યારે દેકારો થતા ઘર બહાર દોડી ગયો હતો. જ્યાં તેના કાકાનો દીકરો આકાશ ઉર્ફે લાલો રસિકભાઈ સાગઠીયા કિંજલબેન વાઘેલા સાથે બોલાચાલી કરતો હતો. જેથી તરંત હું ત્યાં જતા કિંજલબેન તેના ઘરની અગાસી પર જતા રહેલ હતા અને ત્યાંથી છૂટ્ટા પથ્થરના ઘા કરવા લાગેલ હતા. જે પથ્થર માથાના ભાગે વાગી ગયેલ હતો. કરમિયાન કિંજલબેનનો પતિ પંકજ પણ અગાસી પરથી પથ્થર તથા કાચના છૂટા ઘા કરવા લાગેલ હતો. ભક્તિનગર પોલીસની ટીમે બંને પક્ષે ચાર મહિલા સહિત કુલ છ શખસો વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.