જામનગર જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ધો.૧૦ અને ધો.૧૨ બોર્ડની પરીક્ષાનો પ્રારંભ

  • February 26, 2026 12:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કલેક્ટર કેતન ઠક્કરે ડીસીસી હાઈસ્કુલ પરીક્ષા કેન્દ્ર ખાતે વિદ્યાર્થીઓને મળી શુભકામનાઓ પાઠવી ઉત્સાહ વધાર્યો

“પરીક્ષા જીવનનો પડાવ છે, અંતિમ લક્ષ્ય નહી, વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપે” :કલેકટર 

જામનગર જિલ્લામાં ૧૬ કેન્દ્રો પર ધો.૧૦ અને ધો.૧૨ ના કુલ ૨૮,૫૩૮ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે 


જામનગર તા.૨૬ ફેબ્રુઆરી, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષાઓનો આજે ૨૬મી ફેબ્રુઆરીથી રાજ્યભરમાં શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. ત્યારે જામનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પરીક્ષાને લઈને તમામ વહીવટી અને સુરક્ષાલક્ષી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જામનગર જિલ્લામાં શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત માહોલમાં પરીક્ષાઓ શરુ થઇ છે.


વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા અને શુભકામનાઓ પાઠવવા માટે જામનગર જિલ્લા કલેકટર કેતન ઠક્કરે પરીક્ષા કેન્દ્ર ડીસીસી હાઈસ્કુલની મુલાકાત લઈને વિદ્યાર્થીઓને વ્યક્તિગત રીતે મળી શુભકામનાઓ પાઠવી હતી.



કલેક્ટરએ પરીક્ષા કેન્દ્રોની મુલાકાત લઈ વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. કેન્દ્ર પર નિયુક્ત અધિકારીઓ, શિક્ષકો અને સ્ટાફ સાથે ચર્ચા કરીને તમામ સુવિધાઓ  બેઠકોની વ્યવસ્થા, પાણી, વીજળી, સ્વચ્છતા તથા સુરક્ષા વ્યવસ્થા યોગ્ય રીતે કાર્યરત હોવાનું નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી વિપુલ મહેતા પણ ઉપસ્થિત રહ્યા હતા.


પરીક્ષા કેન્દ્ર પર ઉપસ્થિત વિદ્યાર્થીઓને સંબોધતા કલેક્ટરએ જણાવ્યું હતું કે, બોર્ડની પરીક્ષા જીવનનું એક મહત્વપૂર્ણ પગથિયું છે, પરંતુ તે અંતિમ લક્ષ્ય નથી.

​​​​​​​

 વિદ્યાર્થીઓએ આત્મવિશ્વાસ સાથે, શાંતિપૂર્વક અને સકારાત્મક મનોભાવથી પરીક્ષા આપવી જોઈએ. મહેનત અને સંકલ્પ જ સફળતાની ચાવી છે એમ તેમણે ઉમેર્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને સમયપાલન, માર્ગદર્શિકા મુજબના નિયમોનું પાલન અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા અનુરોધ કર્યો હતો.


જામનગર જિલ્લામાં બોર્ડની પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે જિલ્લા પ્રશાસન અને શિક્ષણ વિભાગ દ્વારા સુમેળભર્યું સંકલન સાધવામાં આવ્યું છે. પરીક્ષા દરમિયાન કોઈ પણ અનિચ્છનીય પરિસ્થિતિ ન સર્જાય તે માટે જરૂરી તમામ પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.


ઉલ્લેખનીય છે કે, જામનગર જિલ્લામાં ધો.૧૦ અને ધો.૧૨ બોર્ડની પરીક્ષા કુલ ૧૬ કેન્દ્રો, ૧૦૧ સ્થળો ખાતે યોજવામાં આવી છે. જિલ્લામાં ધો.૧૦માં ૫૯ સ્થળો ખાતે ૫૭૭ બ્લોકમાં કુલ ૧૭,૩૪૩ વિદ્યાર્થીઓ, સંસ્કૃત પ્રથમાના ૪૬ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.



જ્યારે ધો.૧૨માં ૪૨ સ્થળો પર ૩૦૩ બ્લોકમાં સામાન્ય પ્રવાહના ૯,૧૬૯, સંસ્કૃત માધ્યમના ૭૫ અને ૯૫ બ્લોકમાં વિજ્ઞાન પ્રવાહના ૧૯૦૫ વિદ્યાર્થીઓ મળી ધો.૧૨માં કુલ ૧૧,૧૯૫ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આમ જિલ્લામાં ૧૬ કેન્દ્રો ખાતે ધો.૧૦-૧૨માં કુલ ૨૮,૫૩૮ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષાલક્ષી કામગીરીમાં આશરે ૧૫૦૦ જેટલા અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓની નિમણુક કરવામાં આવી છે. 





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application