રાજકોટમાં ઓછા વરસાદને પગલે પશુપાલકો માટે રાહત પેકેજ જાહેર કરો: માલધારી સમાજમાં માગ ઉઠી

  • October 24, 2026 03:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ઓછા વરસાદને કારણે માલધારી સમાજ અને પશુપાલકોની હાલત અત્યંત કફોડી બની છે. સરકાર તાત્કાલિક ધોરણે પશુધનને બચાવવા માટે નક્કર પગલાં ભરે તેમજ ખાસ રાહત પેકેજ જાહેર કરે તેવી માંગણી માલધારી સમાજ અને કોંગ્રેસના અગ્રણી રણજીતભાઈ મુંધવા તેમજ હરેશભાઇ ભારાઇ (રબારી)એ ઉઠાવી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે.

વધુમાં તેમણે જણાવ્યું છે કે, રાજકોટ સ્થિત સદભાવના બળદ આશ્રમમાં હજારોની સંખ્યામાં બળદોને આશ્રય આપીને તેમની ઉત્તમ સેવા કરવામાં આવી રહી છે, જે ખરેખર પ્રશંસનીય અને પ્રેરણાદાયી કામગીરી છે. પરંતુ બીજી તરફ, સૌરાષ્ટ્રમાં રાજકોટ સહિત અનેક વિસ્તારોમાં ઓછા વરસાદના કારણે ઘાસચારા અને પીવાના પાણીની ગંભીર અછત ઊભી થઈ છે. પરિણામે માલધારી સમાજ અને પશુપાલન આધારિત જીવનનિર્વાહ કરતા પરિવારો સામે આર્થિક સંકટ ઊભું થયું છે.

હાલમાં ઘાસચારાના ભાવ ખૂબ જ ઊંચા હોવાથી પશુપાલકો માટે પોતાનાં પશુઓનું ભરણપોષણ કરવું મુશ્કેલ બન્યું છે. એક તરફ મોંઘો ઘાસચારો અને બીજી તરફ પશુઓને પીવાના પાણીની અછતને કારણે પશુપાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પરિસ્થિતિ એટલી ગંભીર બની રહી છે કે પશુધનને બચાવવા માટે કેટલાક માલધારીઓને પોતાનાં પશુઓ સાથે સ્થળાંતર કરવાની નોબત આવી રહી છે.

આજે અનેક શહેરો અને ગામડાઓમાં ગૌચરની જમીનો ઘટી ગઈ છે અથવા તેના પર દબાણો અને અન્ય ઉપયોગો વધી ગયા છે. જો પૂરતા પ્રમાણમાં ગૌચર ઉપલબ્ધ હોત, તો માલધારીઓ પોતાનાં પશુઓને ચરાવીને જીવનનિર્વાહ કરી શક્યા હોત. ગૌચરની અછત, ઓછો વરસાદ, મોંઘો ઘાસચારો અને પીવાના પાણીની સમસ્યાએ પશુપાલન વ્યવસાયને ગંભીર અસર પહોંચાડી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application