ખંભાળિયાના બજાણા ગામે વિજ ટાવર ધરાશાયી થતા ૩ શ્રમિકના મોત

  • May 14, 2025 12:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બે ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા : અધિકારીઓ સહિતમાં દોડધામ: ખાનગી કંપની સામે શું કોઇ કાર્યવાહી થશે કે નહી..?

ખંભાળિયા તાલુકાના બજાણા ગામે મંગળવારે બપોરે વીજ કંપનીનો એક ટાવર ધરાશાયી થતા અહીં કામગીરી કરી રહેલા બે પ્રાંતીય શ્રમિકોના સ્થળ ઉપર તેમજ અન્ય એક શ્રમિકનું સારવાર દરમિયાન કરુણ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય બે યુવાનો ઈજાગ્રસ્ત થયાનું પણ જાણવા મળ્યું છે. દરમ્યાનમાં ટાવરના નિર્માણ વખતે આ દુર્ઘટના સર્જાતા ભારે દોડધામ મચી ગઇ હતી પોલીસ ટુકડી સ્થળ પર અને હોસ્પીટલ ખાતે દોડી ગઇ હતી.

આ અંગેની વિગત એવી છે કે ખંભાળિયા તાલુકાના બજાણા ગામે એક ખાનગી કંપનીના વીજ ટાવરનું કામ ચાલી રહ્યું હતું. ત્યારે ગઈકાલે મંગળવારે બપોરે આશરે એક વાગ્યાના સમયે અહીં ૨૨૦ કે.વી. વીજ લાઈનના વાયર ખેંચવા અંગેની કામગીરી કરી રહેલા કેટલાક શ્રમિકો યુવાન પર એકાએક આ ટાવર ધરાશાયી થયો હતો. જેના કારણે અહીં કામ કરી રહેલા પશ્ચિમ બંગાળ રાજ્યના માલદા જિલ્લાના મૂળ રહીશ અને હાલ બજાણા ગામે રહી અને અહીં કામ કરતા તન્મય પ્રિયંજન મુર્મુ (ઉ.વ. ૨૪)અને ઈસ્તારૂન મજેદ શેખ (ઉ.વ. ૨૧) નામના બે યુવાનોના ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં કરુણ મોત નિપજ્યા હતા. આ દુર્ઘટનામાં તેઓની સાથે ઇજાગ્રસ્ત બનેલા અન્ય એક યુવાનનું પણ સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હોવાના પણ અહેવાલો છે.

આ ઉપરાંત અહીં કામ કરી રહેલા અન્ય બે જેટલા યુવાનો પણ ઇજાગ્રસ્ત બન્યા હતા. જેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવ અંગે ભાણવડ તાલુકાના ચાંદવડ ગામના રહીશ વિજયભાઈ ભીખાભાઈ ભોચીયાએ ખંભાળિયા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુ અંગેની નોંધ કરી, જરૂરી કાર્યવાહી કરી હતી.
ટાવર પડી જવાના કારણે સર્જાયેલી ગોઝારી દુર્ઘટનામાં ત્રણ માનવ જીંદગી રહેસાઇ છે ત્યારે સ્વભાવિક રીતે સવાલ ઉઠે છે કે, શું આવી ગંભીર ઘટનાના અનુસંધાને જે તે જવાબદાર ખાનગી કંપની સામે કોઇ તપાસ થશે ? કોઇ પગલા લેવાશે ? તે આવનારો સમય બતાવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application