સરધારમાં પૂર્વ ઉપસરપંચની ત્રિકમના ઘા ઝીંકી હત્યા, વાડીએ ખાટલામાં લોહી લુહાણ હાલતમાં મૃતદેહ મળ્યો

  • May 23, 2025 11:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સરધારમાં રહેતા ગામના પૂર્વ ઉપસરપંચ ગામની સીમમાં ગોંડલ રોડ પર આવેલી પોતાની વાડીએ હતા. દરમિયાન ત્રીકમના ઘા ઝીંકી તેમની ઘાતકી હત્યા નીપજાવવામાં આવી હતી. સવારે ખાટલામાં પૂર્વ ઉપસરપંચનો લોહી લુહાણ હાલતમાં મૃતદેહ મળ્યો હતો. બનાવની જાણ થતા આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ તાકીદે અહીં દોડી ગયો હતો. હત્યાના આ બનાવ બાદ અહીં વાડીએ ખેતમજૂરી કામ કરનાર રાજસ્થાની મજુર ભેદી સંજોગોમાં લાપતા હોય પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી છે.


મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો

હત્યાના આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટની ભાગોળે આવેલા સરધાર ગામની સીમમાં ગોંડલ રોડ પર આવેલી વાડીએ સરધારમાં રહેતા અને અગાઉ ઉપસરપંચ તરીકે સેવા આપનાર હરેશભાઈ મોહનભાઈ સાવલિયા (ઉ.વ 52) નામના પ્રૌઢનો વાડીએ ખાટલામાં લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જે અંગે પોલીસને જાણ કરવામાં આવતા આજીડેમ પોલીસ મથકના પીઆઇ એ.બી. જાડેજા સહિતનો પોલીસ કાફલો અહીં સરધાર દોડી આવ્યો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.


નિંદ્રાધિન અવસ્થામાં જ કોઈએ ત્રીકમના ઘા ઝીંક્યા

હત્યાના બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, હરેશભાઈ સાવલિયા અગાઉ સરધારમાં ઉપસરપંચ હતા તેમજ તેઓ સરધાર સહકારી મંડળીમાં ડિરેક્ટર પણ રહી ચૂક્યા હોવાનું જાણવા મળ્યું છે. રાત્રિના તેઓ અહીં ગામની સીમમાં આવેલી પોતાની વાડીએ હતા ત્યારે નિંદ્રાધિન અવસ્થામાં જ કોઈએ ત્રીકમના ઘા ઝીંકી તેમની ઘાતકી હત્યા નિપજાવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું.


વાડીએ ખેત મજૂરીનું કામ કરનાર રાજસ્થાની શખસ ભેદી સંજોગોમાં લાપતા

વિશેષમાં જાણવા મળતી વિગતો મુજબ, હત્યાના આ બનાવ બાદ અહીં વાડીએ ખેત મજૂરીનું કામ કરનાર રાજસ્થાની શખસ ભેદી સંજોગોમાં લાપતા હોય જેથી પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી છે.


હરેશભાઈ સાવલિયા ત્રણ ભાઈના પરિવારમાં મોટા હતા 

હરેશભાઈ સાવલિયા ત્રણ ભાઈના પરિવારમાં મોટા હતા તેમને સંતાનમાં બે પુત્ર છે તેઓ સરધારમાં સેવાકીય કાર્યોમાં અગ્રેસર રહેતા હોય અને સામાજિક આગેવાન તરીકેની છાપ ધરાવતા હતા. હરેશભાઈની હત્યાના બનાવના પગલે ગામમાં ગમગીની છવાઈ ગઈ હતી. પ્રૌઢની હત્યા કોણે અને કયા કારણોસર કરી સહિતની બાબતો અંગે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application