ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસરની જામીન અરજી હાઈકોર્ટે ફગાવી, રાજકોટની સગીરા પર દુષ્કર્મ ગુજારી બે વર્ષ શોષણ કર્યું'તું

  • June 10, 2026 06:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ભારે ચર્ચા જગાવનારા કાસ્ટિંગ કાઉચ અને સગીરાના જાતીય શોષણના કેસમાં ગુજરાત હાઈકોર્ટે મોટો ચૂકાદો આપ્યો છે. રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૫માં પોક્સો (POCSO) એક્ટ હેઠળ જેમના વિરુદ્ધ ગુનો નોંધાયો હતો, ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસર અને ડાયરેક્ટર જયેશ તંબોલિયાની જામીન અરજી હાઈકોર્ટે સખત વલણ અપનાવીને ફગાવી દીધી છે. કોર્ટે આ કેસને સમાજના અંતરાત્માને હચમચાવી મૂકનારો ગણાવી વ્યક્તિગત આઝાદી કરતાં સામાજિક સુરક્ષાને વધુ મહત્વ આપ્યું છે.


ફિલ્મમાં રોલ આપવાની લાલચ આપી બે વર્ષ સુધી શોષણનો આક્ષેપ

આ કેસની વિગત એવી છે કે, ગુનાની ઘટના સમયે ભોગ બનનાર સગીરાની ઉંમર માત્ર ૧૫ વર્ષ અને ૧૦ મહિનાની હતી. આરોપી જયેશ તંબોલિયાએ સગીરાને ફિલ્મમાં સારો રોલ અપાવવાની લાલચ આપીને ઓડિશનના બહાને પોતાની ઓફિસે બોલાવી હતી. ત્યાં સગીરાને છેતરીને કોઈ કેફી પદાર્થ પીવડાવી દેવામાં આવ્યો હતો અને અર્ધબેભાન અવસ્થામાં લાવીને તેની સાથે દુષ્કર્મ ગુજારાયું હતું. ત્યાર બાદ આરોપી દ્વારા ડર બતાવીને છેલ્લા ૨ વર્ષ સુધી સગીરાનું સતત શારીરિક શોષણ કરવામાં આવતું હતું. સગીરા ખૂબ જ ડરી ગઈ હોવાને કારણે લાંબા સમય સુધી મૌન રહી હતી, જેના લીધે ફરિયાદ નોંધાવવામાં વિલંબ થયો હતો. આરોપી ઓક્ટોબર, ૨૦૨૫ થી જેલમાં બંધ છે.


બચાવ પક્ષની કોર્ટમાં દલીલો: ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે

સુનાવણી દરમિયાન આરોપી ફિલ્મ પ્રોડ્યુસરના વકીલે રજૂઆત કરી હતી કે અરજદાર સંપૂર્ણ નિર્દોષ છે અને તેમને જમીન વિવાદના કારણે ભોગ બનનારની માતાએ ખોટી રીતે ફસાવ્યા છે. બચાવ પક્ષે દલીલ કરી હતી કે કથિત ઘટનાના ૨ વર્ષ સુધી કોઈ ફરિયાદ કેમ ન થઈ? ઉપરાંત પોલીસે પ્રોડ્યુસરની ઓફિસની આસપાસના રહીશોના નિવેદનો લીધા નથી કે આરોપીની સંડોવણી દર્શાવતા કોઈ મજબૂત પુરાવા કે કોલ ડિટેઇલ રેકોર્ડ (CDR) પણ એકત્ર કર્યા નથી. આરોપી ઓક્ટોબર ૨૦૨૫થી જેલમાં હોવાથી અને હવે ચાર્જશીટ ફાઇલ થઈ ગઈ હોવાથી તેમને જામીન મુક્ત કરવા વિનંતી કરાઈ હતી.


આરોપી વગદાર હોવાથી સાક્ષીઓ જોખમમાં મૂકાશે

બીજી તરફ, સરકાર અને મૂળ ફરિયાદી પક્ષે જામીનનો સખત વિરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું કે ભોગ બનનારે મેડિકલ ઓફિસર સમક્ષ આપેલી હિસ્ટ્રી અને મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધાવેલા નિવેદનમાં આરોપીની સંડોવણી સ્પષ્ટપણે દેખાઈ આવે છે. સગીરા ડરી ગઈ હોવાથી જ ફરિયાદ મોડી થઈ છે. આરોપી સમાજમાં આર્થિક રીતે સક્ષમ અને વગદાર વ્યક્તિ હોવાથી જો તેને જેલમાંથી બહાર આવવા દેવામાં આવશે, તો તે પુરાવા નાશ કરી શકે છે અને સાક્ષીઓને ડરાવી-ધમકાવી શકે છે.​​​​​​​


તપાસની ખામીનો લાભ આરોપીને ન મળી શકે

ગુજરાત હાઈકોર્ટે બંને પક્ષોને સાંભળ્યા બાદ નોંધ્યું હતું કે પ્રથમ દ્રષ્ટિએ આ કેસ લાલચ આપીને અને કેફી પદાર્થ પીવડાવીને કરાયેલા ગંભીર પ્રકારના જાતીય શોષણનો છે અને આ સ્પષ્ટપણે 'કાસ્ટિંગ કાઉચ'નો કિસ્સો છે. કોર્ટે પોલીસ તપાસ સામે પણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો પોલીસે આસપાસના લોકોના નિવેદનો કે CDR એકત્ર ન કર્યા હોય, તો તેને તપાસની ખામી ગણી શકાય, પરંતુ આરોપી આ ખામીનો અયોગ્ય લાભ ઉઠાવીને જામીન મેળવી શકે નહીં. માત્ર ચાર્જશીટ ફાઇલ થઈ જવાથી ગુનાની ગંભીરતા ઓછી થતી નથી.


કોર્ટનું મહત્વનું અવલોકન

આવા ગંભીર ગુનાઓમાં જ્યાં સગીર વયની બાળકીનું ભવિષ્ય જોડાયેલું હોય, ત્યાં ફરિયાદ મોડી નોંધાવાને કારણે કેસ નબળો પડતો નથી. આવા કિસ્સાઓ જે સમાજના અંતરાત્માને હચમચાવી મૂકે છે, ત્યાં વ્યક્તિગત આઝાદી કરતાં સામાજિક સુરક્ષા અને ચિંતાને પ્રાધાન્ય આપવું અનિવાર્ય બને છે.


આરોપી વગદાર હોવાથી સાક્ષીઓને પ્રભાવિત કરવાની પૂરેપૂરી શક્યતાને ધ્યાને રાખી હાઈકોર્ટે જામીન અરજી ફગાવી દીધી છે. આ સાથે જ હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટને આદેશ આપ્યો છે કે આ કેસની સુનાવણી ઝડપથી ચલાવવામાં આવે અને શક્ય હોય ત્યાં સુધી આગામી ૬ મહિનાની અંદર જ આખી ટ્રાયલ પૂર્ણ કરવામાં આવે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application