જામનગર : શકિત ચક્રાવાતના પગલે હાલારમાં ભારે વરસાદની આગાહી

  • October 06, 2025 12:07 PM 


દ્વારકાથી ૯૭૦ કિ.મી. દુર નવા વેર્સ્ટન ડિસ્ટબન્સના હિસાબે શકિત વાવાઝોડુ હવે ઓમાન તરફ ફંટાયું છે ત્યારે આગામી ૭ દિવસ ગમે ત્યારે હાલારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, આ વાવાઝોડુ ધીરે-ધીરે ઓમાન તરફ આગળ વઘ્યું છે ત્યારે રાસ અલ હદ ઓમાનથી લગભગ ૨૨૦ કિ.મી. દક્ષિણ-પૂર્વમાં મસીરા ઓમાનથી ૩૧૦ કિ.મી. દુર અને દ્વારકાથી ૯૭૦ કિ.મી. દુર હોવાની આગાહી કરવામાં આવી છે, ત્યારે હાલ પુરતો વાવાઝોડાનો ખતરો ટળ્યો છે, પરંતુ આજે તેમજ તા.૭ અને ૮ના રોજ ભારે વરસાદની આગાહી છે, આ વાવાઝોડાથી ૭ દિવસ વરસાદ આવશે તેવી પણ આગાહી કરવામાં આવી છે. 


શકિત વાવાઝોડાના પગલે તંત્ર પણ એલર્ટ થઇ ગયું છે, વાવાઝોડુ અરબી સમુદ્ર તરફ આગળ વધી રહ્યું છે અને પશ્ર્ચિમ-દક્ષીણ દીશા તરફ આગળ વધે તેવી શકયતા છે, જેને કારણે ઝારખંડ, બિહાર, યુપી અને છતીસગઢમાં ભારે વરસાદની પણ શકયતા છે. ગઇકાલે વાવાઝોડાના પગલે દ્વારકાના દરીયામાં કરંટ જોવા મળ્યો હતો અને તા.૯ ઓકટો. સુધી માછીમારોને દરીયો ન ખેડવા પણ ચેતવણી આપવામાં આવી છે. 


કલેકટર કચેરીના ક્ધટ્રોલ રૂમના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન ૩૩ ડીગ્રી, લઘુતમ તાપમાન ૨૪.૫ ડીગ્રી, હવામાં ભેજ ૯૦ ટકા, પવનની ગતિ ૧૫ થી ૨૦ કિ.મી. પ્રતિકલાક જોવા મળી હતી. ગુજરાતના અન્ય શહેરો કરતા જામનગર દરિયાકાંઠે હોય ભેજનું પ્રમાણ પણ વધે છે, એટલું જ નહીં ઠંડો પવન પણ અન્ય શહેરો કરતા વધારે જોવા મળે છે. 

 

કેટલાક ગામડાઓમાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ વરસી ચૂકયો છે તો કેટલાક ગામડાઓમાં જોઇએ તેટલો વરસાદ થયો નથી. જો કે મોટાભાગના ચેકડેમો ભરાઇ ગયા છે, જેને કારણે પીવાના પાણીની કે ખેતીમાં અપાતા પાણીને કોઇ મુશ્કેલી નહીં પડે. 



જોડીયામાં સવા ઇંચ વરસાદ: જામનગરમાં ઝાપટા

બદલાયેલા વાતાવરણને કારણે ગઇકાલે જોડીયામાં દિવસ દરમ્યાન સવા ઇંચ વરસાદ પડયો હતો, જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી જયારે જામનગરમાં બે વખત રાબેતા મુજબ ઝાપટા આવ્યા હતાં. ​​​​​​​


હાલારના બંદરો ઉપર ૩ નંબરનું સિગ્નલ યથાવત

શકિત વાવાઝોડુ દ્વારકાથી ૮૨૦ કિ.મી. દુર છે ત્યારે લગભગ ૭ દિવસ સુધી હાલારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, સાથે-સાથે ભારે પવન પણ ફુંકાશે ત્યારે ઓખા, વાડીનાર, બેડી સહિતના બંદરોએ સાવચેતીના ભાગરૂપે ૩ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે અને માછીમારોને તા.૯ સુધી દરીયામાં ન જવા ચેતવણી આપવામાં આવી છે. 





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application