દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીની નિયુક્તિ સંદર્ભે બનાવટી ઇચ્છાપત્રના આધારે રીપોર્ટ મંજુર કરવાના ઇન્ચાર્જ ચેરીટી કમિશ્નરના નિર્ણયને પડકારતી ગોવિંદાનંદ સરસ્વતી દ્વારા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરાયેલી રીટ અરજી ગુજરાત હાઇકોર્ટે એક મહત્વના આદેશ મારફત ફગાવી દીધી છે.
જસ્ટીસ વિરલ આર. મહેતા એ સ્પષ્ટ કર્યું હતું કે, અરજદાર પાસે અન્ય વૈદ્યાનિક વિકલ્પો ખુલ્લા હતા, વળી હાલની રીટમાં શંકરાચાર્યની નિમણુંકને પડકારાઇ નથી, પરંતુ ચેરીટી કમિશ્નરના રીપોર્ટને ત્રણ વર્ષ પછી પડકારવામાં આવ્યો છે. તેથી હાલના તબક્કે રીટ અરજી ટકી શકે તેમ નથી.
રીટ અરજીમાં એ મતલબના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા કે, સ્વામી સદાનંદ સરસ્વતી દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય બની બેઠા છે. સ્વામી સદાનંદ સરસ્વતીની નિમણુંક શંકરાચાર્ય નીમવાની પરંપરાઓ અને રીવાજોથી વિરૂઘ્ધ કરવામાં આવી છે. બ્રહ્મલીન સ્વામી સ્વરૂપાનંદના ખોટા ઇચ્છાપત્રના આધારે સ્વામી સદાનંદ સરસ્વતીની દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય તરીકે નિમણુંક કરવામાં આવી છે. એટલું જ નહીં આ નિયુક્તિ અંગેના ચેન્જ રીપોર્ટને પણ ઇન્ચાર્જ આસી. ચેરીટી કમિશ્નર દ્વારા મંજુરી આપી દેવાઇ હતી. અરજદાર ગોવિંદાનંદ સરસ્વતી દ્વારા આ ઇચ્છાપત્ર બનાવટી હોવાનો પણ ગંભીર આક્ષેપ કર્યો હતો.
અરજદાર તરફથી વધુમાં જણાવાયું કે, સ્વામી સદાનંદ સરસ્વતી કાયદા મુજબ યોગ્ય નથી, કારણ કે આ સમગ્ર પ્રકરણમાં જોઇએ તે પ્રકારે તપાસ કરવામાં આવી નથી, પરંપરા મુજબ દંડીસ્વામી માંથી શંકરાચાર્ય બનતા હોય છે, આ માટે કેટલાક રીતિરીવાજો અને નીતિ નિયમો ચુસ્તપણે અનુસરવાના હોય છે, જે આ કેસમાં અનુસરવામાં આવ્યા નથી. સુપ્રિમ કોર્ટમાં પણ શંકરાચાર્યની નિમણુંકને પડકારતી અરજી પડતર છે. કથિત ઇચ્છાપત્રના આધારે આસી. ચેરીટી કમિશ્નર ચેન્જ રીપોર્ટ મંજુર કરી શકે નહીં. તેથી તેમનો આ નિર્ણય અયોગ્ય અને ગેયકાયદે ઠરે છે.
દરમ્યાન સરકાર પક્ષ તરફથી રીટ અરજીનો સખ્ત વિરોધ કરતા જણાવ્યું કે હાલની અરજી ટકી શકે એમ નથી, કારણ કે અરજદાર પાસે ચેરીટી કમિશ્નર સમક્ષ જવાનો વિકલ્પ ખુલ્લો હતો. વળી, હાલની અરજી નિર્ણયના ત્રણ વર્ષ બાદ કરવામાં આવી છે. સૌથી અગત્યનું કે, અરજદારે સ્વામી સદાનંદ સરસ્વતીની દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય તરીકે નિમણુંકને પડકારી નથી, પરંતુ આસી. ચેરીટી કમિશ્નરે જે ચેન્જ રીપોર્ટ મંજુર કર્યો તે નિર્ણયને પડકાર્યો છે. આમ અરજદારની અરજી જ સવાલોને શંકાના ઘેરામાં છે જે હાઇકોર્ટે ફગાવી દેવી જોઇએ, તમામ પક્ષકારો સાંભળ્યા બાદ જસ્ટીસ નિરલ આર. મહેતાએ અરજદાર પક્ષની અરજી ફગાવી દીધી હતી.