ખંભાળિયાના જાણીતા વેપારી અગ્રણી અને સેવાભાવી કાર્યકર જયસુખભાઈ સોનૈયા (પીંડારાવારા) તેમજ હીના સોનૈયાની સુપુત્રી જાનવી સોનૈયાએ પત્રકારત્વ ક્ષેત્રે છેલ્લા દાયકાથી કાર્યરત રહી, અને વૈશ્વિક મંચોએ ઓળખ મેળવી છે. જાનવી સોનૈયાને હવે સિનિયર પત્રકાર તરીકે રશિયન ફેડરેશન તરફથી ખાસ આમંત્રિત કરવામાં આવી છે.
આ માટે જરૂરી વિવિધ વ્યવસ્થા રશિયન સરકાર દ્વારા કરવામાં આવશે. આ શિબીર સંચાલન સમેલનમાં ભારત વતી જાનવી પ્રતિનિધિત્વ કરશે. તા. ૨ મે દરમ્યાન રશિયાના કઝાન શહેરમાં યોજાનાર બ્રિક્સ યુવા પત્રકારો માટેના ખાસ કાર્યક્રમમાં તે ભાગ લેશે.
આ કાર્યક્રમમાં તેઓ પોતાનું પત્રકારત્વનું સફળનામું રજુ કરશે અને બ્રિક્સ દેશોના યુવા અને અગ્રણી પત્રકારો સાથે અનુભવ શેર કરશે. આ પ્રસંગે જાનવી સોનૈયા બ્રિક્સ (બ્રાઝીલ, રશિયા, ઈન્ડીયા, ચાઈના, સાઉથ આફ્રીકા) દેશોના યુવા પ્રતિનિધિઓને સંબોધશે અને તેમના સાથે મળીને એક અગ્રીમ સંયુકત મીડીયા પ્રોજેકટ પર કાર્ય કરશે.
આ મહા પ્રોજેકટનો ઉદેશ વિવિધ દેશોના યુવા પત્રકારોને સહયોગી અભ્યાસ સંવાદ અને નવી દૃષ્ટિકોણ સાથે મીડીયા ક્ષેત્રમાં એકતાની ભાવના ઉભી કરવાનો છે. તે સંદર્ભમાં ભારત તરફથી જાનવી સોનૈયાનું મહત્વનું યોગદાન ખુબ મહત્વ પુર્ણ ગણાય છે.
જાનવી સોનૈયા અગાઉ પણ અનેક વિવિધ આંતર રાષ્ટ્રીય મંચો પર ભારત સરકારનું પ્રતિનિધિત્વ કરી ચુકી છે. ત્યારે હવે તેઓ મીડીયા પ્લેટફોર્મની ટીમની સભ્ય છે અને પ્રોગ્રામ ૨૦૨૪ માં રશિયા ખાતે ભારત વતી પ્રતિનિધી તરીકે ભાગ લઈ ચુકેલી છે. અગાઉ મહત્વની ઈવેન્ટસમાં સ્પીકર તરીકે ખાસ આમંત્રીત રહી ચુકી છે. ઉપરાંત આયોજીત સાઉથ આફ્રિકામાં પણ તેમણે ભારતીય દૃષ્ટી કોણ રજુ કર્યો હતો. ત્યારે બ્રિક્સ જેવા મંચો પર તેમની હાજરી માત્ર વ્યકિતગત યશનો મુદો નથી, પરંતુ તે સમગ્ર ભારતની યુવા પત્રકારોની ઉભરતી પ્રતિભાને આંતર રાષ્ટ્રીય સમુદાય સામે રજુ કરવાની તક છે. જાનવી એ સમગ્ર વિશ્વ રઘુવંશીઓ જ્ઞાતિજનોનું ગૌરવ વધાર્યુ છે.
સમગ્ર વિશ્વના રઘુવંશીઓની માતૃ સંસ્થા શ્રી લોહાણા મહા પરિષદના પ્રમુખ સતીશભાઈ વિઠલાણી, જ્ઞાતિ પ્રમુખ જીતુભાઈ લાલ, મહામંત્રી ડો. સુરેશભાઈ પોપટ તેમજ અનેક નામાંકીત મીડીયા ગૃપ દ્વારા જાનવીને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.