દુનિયાના 100 દાનવીરોની યાદી જાહેર, ચાર ભારતીયનો સમાવેશ, જાણો અંબાણી દંપતીએ 1 વર્ષમાં કેટલું દાન કર્યું

  • May 21, 2025 11:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દુનિયાના ધનકુબેરોની યાદી જાહેર કરતા અમેરિકાના અગ્રણી ટાઈમ મેગેઝિને પહેલી વખત દુનિયાના 100 દાનવીરોની યાદી જાહેર કરી છે. ભારતના ટોચના ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી તથા રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક નીતા અંબાણી 2024 માં રૂ. 407 કરોડના દાન સાથે દેશના સૌથી મોટા દાતા તરીકે ઊભરી આવ્યા છે. આ યાદીમાં વીપ્રોના ભૂતપૂર્વ ચેરમેન અઝીમ પ્રેમજી અને ઝીરોધાના સહ-સ્થાપક નિખિલ કામથનો સમાવેશ કરાયો છે.


ટાઈમ મેગેઝીનના જણાવ્યા મુજબ સમાજને સૌથી વધુ જરૂર હતી ત્યારે દુનિયાના આ દાનવીરો, સંસ્થાઓ અને નોન-પ્રોફિટ સંસ્થાઓએ ઉદાર હાથે દાન કર્યું છે. દુનિયાના 100 દાનવીરોની યાદીને ચાર અલગ અલગ કેટેગરી ટાઈટન્સ, લીડર્સ, ટ્રેલબ્લેઝર્સ અને ઈનોવેટર્સમાં વિભાજિત કરી છે.


અંબાણી દંપતીએ વર્ષ 2024માં રૂ. 407 કરોડનું દાન કર્યું

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક નીતા અંબાણીનો ટાઈટન્સ કેટેગરી હેઠળ સમાવેશ કરાયો છે. અંબાણી દંપતીએ વર્ષ 2024માં રૂ. 407 કરોડનું દાન કર્યું છે. જેને પગલે તેઓ દેશના ટોચના દાનવીર તરીકે ઊભરી આવ્યા છે. ટાઈમના જણાવ્યા મુજબ મુકેશ અંબાણી અને નીતા અંબાણી કરોડો લોકોને સશક્ત બનાવવાની દિશામાં અદ્ભૂત કામ કરી રહ્યા છે. ટાઈમની આ યાદીમાં અંબાણી દંપતિ દ્વારા કરાતા સખાવાતી કામોની યાદી આપવામાં આવી છે. વધુમાં જણાવાયું છે કે રિલાયન્સ ફાઉન્ડેશનનાં સ્થાપક અને અધ્યક્ષ નીતા અંબાણી ફાઉન્ડેશનના અનેક કાર્યક્રમોનું નેતૃત્વ કરે છે.


ટાઈટન્સ કેટેગરીમાં ભારતીય આઈટી કંપની વિપ્રોના ભૂતપૂર્વ ચેરમેન અઝીમ પ્રેમજીનું નામ 

ટાઈટન્સ કેટેગરીમાં ભારતીય આઈટી કંપની વિપ્રોના ભૂતપૂર્વ ચેરમેન અઝીમ પ્રેમજીનું નામ પણ સામેલ છે. તેઓ ભારતમાં શિક્ષણને વધુ સારું બનાવવાની દિશામાં કામ કરી રહ્યા છે. તેઓ ભારતના સૌથી ઉદાર દાનવીર તરીકેની ખ્યાતી ધરાવે છે. અઝીમ પ્રેમજી સૌપ્રથમ ભારતીય છે, જેમણે ગીવિંગ પ્લેજ પર હસ્તાક્ષર કર્યા હતા અને 2013માં તેમના ફાઉન્ડેશનને તેમની વીપ્રો કંપનીના ૨૯ અબજ ડોલરથી વધુના શૅરનું દાન કર્યું હતું. તેમણે લગભગ ૨૫ વર્ષ અગાઉ આ સંસ્થાની સ્થાપના કરી હતી. આ સિવાય 2023-24માં તેમણે શિક્ષણ, સ્વાસ્થ્ય અને અન્ય ક્ષેત્રોમાં 940 જેટલી સંસ્થાઓને 10.9 કરોડ યુએસ ડોલરનું દાન કર્યું હતું.


80 લાખથી વધુ બાળકોની મદદ કરે છે

અઝીમ પ્રેમજીની સખાવતી કામો કરતી સંસ્થા સમગ્ર ભારતમાં 59 ફિલ્ડ ઓફીસો, શિક્ષકો અને ગ્રામીણ બાળ સંભાળ કાર્યકરો તેમજ 263 શિક્ષક લર્નિંગ કેન્દ્રો મારફત સાથે પ્રત્યક્ષ રીતે શૈક્ષણિક કાર્યક્રમો સાથે જોડાયેલી છે અને 80 લાખથી વધુ બાળકોની મદદ કરે છે. ઑગસ્ટમાં તેમની સંસ્થાએ 50 લાખથી વધુ બાળકો માટે શાળા ભોજન કવરેજ વિસ્તારવા અંદાજે 17.5 કરોડ યુએસ ડોલરનું ભંડોળ ફાળવવાનું વચન આપ્યું હતું.


ભારતીયો તેમની સંપત્તિનો ૨૫ ટકા હિસ્સો દાનમાં આપવા કટીબદ્ધતા વ્યક્ત કરે છે

ટાઈમ 100 ફિલાન્ટ્રોફી 2025ની ટ્રેલબ્લેઝર્સ કેટેગરીમાં ભારતના જાણિતા યુવા આંત્રપ્રિન્યોર અને રોકાણકાર નિખિલ કામથનો પણ સમાવેશ કરાયો છે. ઝિરોધાના સહસ્થાપક નિખિલ કામથે ૩૬ વર્ષની વયે વર્ષ 2023માં ગિવિંગ પ્લેજ પર હસ્તાક્ષર કર્યા હતા. ત્યારથી તેમણે પર્યાવરણ અને શૈક્ષણિક કાર્યક્રમો માટે લાખો રૂપિયાનું દાન કર્યું છે અને તેમની પોતાની ઓફશૂટ પહેલ યંગ ઈન્ડિયા ફિલાન્ટ્રોફિક પ્લેજ (વાયઆઈપીપી) શરૂ કરી છે. આ પહેલ હેઠળ 10 કરોડ યુએસ ડોલરથી વધુની સંપત્તિ ધરાવતા 45 વર્ષથી ઓછી વયના ભારતીયો તેમની સંપત્તિનો ૨૫ ટકા હિસ્સો દાનમાં આપવા કટીબદ્ધતા વ્યક્ત કરે છે. નિખિલ કામથ દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે જંગી રકમ દાન કરી રહ્યા છે અને અન્ય યુવાનોને પણ દાન કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે.

ટાઈમ મુજબ આ યાદીના ઈનોવેટર્સ કેટેગરીમાં ભારતીય મૂળના અમેરિકન પત્રકાર અને લેખક આનંદ ગિરિધરદાસનું નામ પણ સામેલ કરાયું છે. ટાઈમે તેની આ યાદીમાં દિગ્ગજ રોકાણકાર વોરેન બફે, ઈંગ્લેન્ડના પૂર્વ ફૂટબોલ ખેલાડી ડેવિડ બેકહમ, માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સનાં પૂર્વ પત્ની મેલિંડા ફ્રેન્ચ ગેટ્સ, બ્રિટિશ પ્રિન્સ વિલિયમ અને વેલ્સનાં પ્રિન્સેસ કેથરિન જેવા દિગ્ગજોનો પણ સમાવેશ કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application