રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં આવેલી મેટોડા જીઆઈડીસીમાં એક અત્યંત ચકચારજનક અને હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. અહીં પરિવાર સાથે રહેતી 6 વર્ષીય માસૂમ બાળકીનું આઈસ્ક્રીમ અપાવવાની લાલચ આપીને અપહરણ કરવામાં આવ્યું હતું. જોકે, બનાવની ગંભીરતા સમજીને પોલીસે દર્શાવેલી ત્વરિત સતર્કતા અને શોધખોળના કારણે મોટો અનાચાર થતો અટકી ગયો છે. પોલીસે સમયસર પહોંચીને આરોપીની ચુંગાલમાંથી બાળકીને સહીસલામત ઉગારી લીધી હતી અને દુષ્કર્મનો પ્રયાસ કરનાર નરાધમ આરોપીની સ્થળ પરથી જ ધરપકડ કરી લીધી હતી.
ઘટનાની વિગત મુજબ, મેટોડા જીઆઈડીસી વિસ્તારમાં રહેતા એક પરિવારની 6 વર્ષીય બાળકી પોતાના ઘર પાસે રમી રહી હતી. તે જ સમયે મૂળ શ્રમિક અને હાલ બેરોજગાર એવા વિક્રમ સુખદેવ ગૌર (ઉં.વ. ૩૬) નામના શખસે બાળકીને આઈસક્રીમ ખવડાવવાની લાલચ આપી હતી અને તેને પોતાની સાથે લઈ ગયો હતો. ઘર પાસે રમતી બાળકી એકાએક ગુમ થઈ જતાં માતા-પિતા ચિંતાતુર બન્યા હતા અને તેમણે કોઈપણ વિલંબ કર્યા વગર તુરંત જ ૧૧૨ ઇમરજન્સી નંબર પર પોલીસને જાણ કરી હતી. ૧૧૨ની ટીમે તાત્કાલિક મેટોડા GIDC પોલીસને જાણ કરતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
પોલીસે સહેજ પણ સમય બગાડ્યા વિના આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું હતું. ફૂટેજ ચકાસતા માલૂમ પડ્યું હતું કે આરોપી વિક્રમ બાળકીને ચાલીને આશરે બે કિલોમીટર દૂર ખીરસરા તરફના રસ્તે લઈ ગયો છે. બાળકીના અપહરણને પગલે પરિવાર અને પોલીસ બંનેને કોઈ અણબનાવ બનવાની આશંકા સતાવી રહી હતી, જેથી પોલીસે ખીરસરા રોડ પર સઘન કોમ્બિંગ શરૂ કર્યું હતું. શોધખોળ દરમિયાન રસ્તા કિનારે આવેલી ઘાટી ઝાડીઓમાંથી માસૂમ બાળકીનો રડવાનો અવાજ સંભળાયો હતો. અવાજની દિશામાં આગળ વધી પોલીસે તપાસ કરતા જ અંદરનું દ્રશ્ય જોઈને પોલીસ ચોંકી ઉઠી હતી.
ઝાડીઓમાં બાળકી નિર્વસ્ત્ર હાલતમાં હતી જ્યારે આરોપી વિક્રમ પણ અર્ધનગ્ન હાલતમાં કુકર્મ આચરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પોલીસે ત્વરિત ઝડપાઈ ગયેલા આરોપીને દબોચી લીધો હતો અને બાળકીને પોતાની સુરક્ષિત કસ્ટડીમાં લીધી હતી. પ્રાથમિક તપાસ અને પૂછપરછમાં દુષ્કર્મ થતા અટકી ગયું હોવાનું સામે આવ્યું છે, તેમ છતાં કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે બાળકી તેમજ આરોપી બંનેનું તબીબી પરીક્ષણ (મેડિકલ એક્ઝામિનેશન) કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આરોપી વિક્રમ ગૌરની કડક પૂછપરછ અને તેના મોબાઈલ ફોનની ટેકનિકલ તપાસ કરવામાં આવતા ચોંકાવનારા ખુલાસા થયા છે. આરોપીના મોબાઈલમાં પોર્ન સાઈટ્સ સર્ચ કર્યાની હિસ્ટ્રી મળી આવી છે. વિશેષમાં, આરોપી પોતે પણ ત્રણ વર્ષની બાળકીનો પિતા છે. તે અગાઉ શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં મજૂરી કામ કરતો હતો અને બે મહિના પહેલા જ મેટોડા આવ્યો હતો. હાલમાં તે કોઈ કામધંધો કરતો ન હોવાનું સામે આવ્યું છે. હાલ મેટોડા પોલીસે આરોપી વિક્રમ સામે અપહરણ, પોક્સો (POCSO) અને દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરવા અંગેની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાનૂની તપાસ તેજ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઓપરેશન સિંદૂરમાં ભારતે 600થી વધુ પાકિસ્તાની ડ્રોન કેવી રીતે તોડી પાડ્યા? સેનાની શક્તિની અંદરની કહાની
August 23, 2026 06:39 PMદેવદત્ત પડિકલે શ્રીલંકામાં ફરી સદી ફટકારી, ચેતેશ્વર પૂજારા પછી આવું કરનાર પ્રથમ બેટ્સમેન બન્યો
August 23, 2026 05:47 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
