જામનગરનો નરારા ટાપુ પરવાળા અને અલભ્ય દરિયાઇ જીવસૃષ્ટિનું સ્વર્ગ છે. દરિયાઇ રાષ્ટ્રીય ઉધાનના અન્ય વિસ્તારોથી વિપરીત નરારાએ રોડ સાથે જોડાયેલું અને વર્ષના કોઇપણ સમયે મુલાકાત લઇ શકાય તેવું સ્થળ હોવાથી ટાપુની મુલાકાત એક અવિસ્મણીય અનુભવ બની રહે છે. નરારા ટાપુએ પર્યટનની સાથે પ્રાકૃતિક શિક્ષણ પ્રાપ્ત કરવાનું ઉતમ સ્થળ છે. ચાલુ વર્ષે પ્રવાસીઓ અને મુલાકાતીઓ માટે ટાપુ એક સપ્તાહ વહેલો ખુલ્લો મૂકવામાં આવ્યો છે.
દરિયાઇ રાષ્ટ્રીય ઉધાન એટલે કે જામનગર મરીન નેશનલ પાર્કએ કચ્છના અખાતમાં ફેલાયેલી પરવાળાની હારમાળા અને ચેરના વનોના સંરક્ષણ અને સંવર્ધન માટે જાહેર કરાયેલો ભારતનો સૌપ્રથમ દરિયાઇ રક્ષીત વિસ્તાર છે. વર્ષ-૧૯૮૨માં અહીંની સમુદ્ર જૈવીક વિવિધતાને કાયદાકીય રક્ષણ મળે તે હેતુથી આ વિસ્તારને દરિયાઇ રાષ્ટ્રીય ઉધાન જાહેર કરવામાં આવ્યો છે. મરીન નેશનલ પાર્ક જામનગર અને દેવભૂમિ દ્રારકા જિલ્લાના કીનારે આવેલા ૪૨ ટાપુની ફરતે ફેલાયેલી દરિયાઇ જીવસૃષ્ટિને આવરી લે છે. નરારા રીફ એ આવા જ અલભ્ય દરિયાઇ જીવસૃષ્ટિ ધરાવતા વિસ્તારોમાંનું એક અતિ રમણીય પર્યટન અને પ્રાકૃતિક શિક્ષણ પ્રાપ્ત કરવા માટેનું સ્થળ છે. અહીં પ્રવાસીઓની સવલત તેમજ જાણકારી માટે પરિચય કેન્દ્ર, કેમ્પ સાઇટ તથા પ્રસાધનની સુવિધાઓ ઉપલબ્ધ છે. અહીંની જીવસૃષ્ટિમાં ચેરના વનો અને પરવાળા તથા તેની સાથે સંલગ્ન જીવો મુખ્ય છે.

દરિયા કીનારાના પક્ષીઓ નિહાળવા માટે નરારાએ જામનગર જિલ્લાનું એક મુખ્ય અને સુંદર સ્થળ છે.અહીં સુુરખાબ, સર્પગ્રીવ, ખલીલી, શંખલો, કાંકણસાર, ઉલ્ટી ચાંચ,કાજીયા,રાતા પગ, ગજપાવ,તુતવારી,પીળી ચાંચ ઢોંક,જળફળ,વિવિધ પ્રકારના બગલા, વાબગલીઓ, ઘોમડાઓ, બુલબુલ, તેતર, કાબર, ચકલી, અબાબીલ, કાળોકોશી, હોલા અને કાગડા જેવા જમીન તેમજ વસવાટ કરતા પક્ષીઓ સહજ રીતે તેઓના પ્રાકૃતિક આવાસમાં વીચરતા જોવા મળે છે. નરારાના કીનારે ચેર વનસ્પતિની ૬ જાત જોવા મળે છે. ચેર એ સમુદ્રના ખારાશયુકત તેમજ કીચડીયા કીનારે ઉગી શકતી અતિ ઉપયોગી વનસ્પતિ છે. જે કીનારાનું ધોવાણ અટકાવે છે અને જલીયજીવોને નીવાસસ્થાન પુરૂ પાડે છે. અહીં ચેરની જાતો જેવી કે એવીસીનીયા મરીના, રાઇઝોફોરા મ્યુકોનાટા અને સીરીઓપ્સ ટગલ વ્યાપક જોવા મળે છે. જયારે જુજ જોવા મળતી ચેરની જાતમાં એવીસીનીયા ઓફીસનાલીસ, એવીસીનીયા આલ્બા તેમજ એજીસીરસ કોર્નિકયુલેટમનો સમાવેશ થાય છે.ચેરના વૃક્ષોની સાથે ચેર સંલગ્ન વનસ્પતિ જેવી કે ઉંટ મોરડ, સેલીકોર્નીયા અને પીલુ પણ સર્વત્ર મળી આવે છે.
ચોમાસાની ઋતુમાં અન્ય ઉધાનની જેમ નરાર પણ દર વર્ષે ૧૬ જૂનથી ૧૫ ઓકટોબર બંધ રહે છે અને ૧૫ ઓકટોબરે પુન: ખૂલ્લું મૂકવામા આવે છે. પરંતુ ચાલુ વર્ષુે અન્ય ઉધાનની સાથુે નરારા ટાપુને પણ સપ્તાહ વહેલો એટલે કે ૭ ઓકટોબરના પ્રવાસીઓ અને મુલાકાતીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. દીવાળી વેકેશનમાં ટાપુની મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને પ્રકૃતિપ્રેમીઓ મુલાકાત લે તેવી પૂરી શકયતા છે.
પરવાળાની ૨૬, દરિયાઇ શેવાળની ૫૦ જાતિ નરારા ટાપુની ખાસ વિશેષતા
નરારા ટાપુ પરવાળા અને સંલગ્ન જીવસૃષ્ટિથી સમૃઘ્ધ છે. અહીં ભરતી અને ઓટના વિસ્તારમાં ઓટના સમયે પગે ચાલતા અનેક રંગીન દરિયાઇ જીવ નીહાળી શકાય છે. નરારા પર સખત પરવાળાઓની ૨૬ થી વધુ જાત અને મૃદુ પરવાળાની ૨ જાત જોવા મળે છે. પરવાળાએ અતિ સરળ પ્રકારના પ્રાણીઓ છે. જે ક્રમીક વિકાસ દ્રારા વિશાળ કદની પરવાળાની છાજલીઓનું નિર્માણ કરે છે. સંલગ્ન જીવસૃષ્ટિમાં સમુદ્ર ફુલ, જેલી ફીશ, વિવિધ પ્રકારના દરીયાઇ કીડાઓ,૨૦ થી વધુ જાતિના કરચલા,મૃદુકાય પ્રાણીઓ જેવા કે ઓકટોપસ, દરિયાઇ ગોકળ ગાય, શંખલા અને છીપલા, મોતી છીપ,ખાધ છીપ, તારા માછલીઓ, સાગર ગોટા, પફર ફીશ,સ્ટીંગ રે,દરિયાઇ સાપ વગેરે આકર્ષણનું કેન્દ્ર છે.

વધુમાં નરારાના કીનારે શિયાળાની ઋતુમાં દરિયાઇ શેવાળની અનેક જાત મળી આવે છે. નરારા ખાતે પ૦ થી વધુ દરિયાઇ શેવાળની જાત નોંધાયેલી છે.મુખ્ય જોવા મળતી દરિયાઇ શેવાળમાં સરગાસમ, અલ્વા, પડાઇના,ગ્રાસીલારીયા, કોલરપ્પા અને કોડીયમ વગેરેનો સમાવેશ થાય છે. દરિયાઇ શેવાળ પરવાળા નીવસન તંત્રમાં પ્રાથમિક ઉત્પાદકો તરીકે અતિ અગત્યનું સ્થાન ધરાવે છે. જે વિવિધ પ્રકારની તૃણાહારી માછલીની જાતો અને તૃણાહારી દરિયાઇ જીવોને આહાર ઉપલબ્ધ કરાવે છે.તદઉપરાંત નરારા રીફ પર દરિયાઇ ઘાસના વિસ્તારો પણ ફેલાયેલા છે. નરાર રીફ પર દરિયાઇ ઘાસના વિસ્તારો પણ ફેલાયેલા છે. અહીં હેલોફીલા ઓવાલીસ અને હેલોડ્યુલે યુનીવર્સીસ એમ બે જાતિના દરિયાઇ ઘાસ જોવા મળે છે. જે દરિયાઇ કાચબા અને તૃણાહારી માછલીઓને યોગ્ય અવાસ અને આહાર પુરા પાડે છે.