ભારતે પાકિસ્તાનમાં તબાહી મચાવી, પાક કંઈ કરી ન શક્યું, બંને દેશો વચ્ચેનો આ સંઘર્ષ છેલ્લા 50 વર્ષમાં સૌથી મોટો: ન્યૂ યોર્ક ટાઈમ્સ

  • May 15, 2025 12:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં થયેલા ચાર દિવસના યુદ્ધમાં , ભારતે પાકિસ્તાની લશ્કરી સ્થાપનો અને એરબેઝને નિશાન બનાવવામાં "સ્પષ્ટ લીડ" મેળવી. આ દાવો પ્રતિષ્ઠિત અમેરિકન અખબાર ન્યૂ યોર્ક ટાઈમ્સના એક અહેવાલમાં કરવામાં આવ્યો છે, જે ઉચ્ચ-રિઝોલ્યુશન સેટેલાઇટ છબીઓના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે બન્ને દેશો ભલે એકબીજાને નુકસાન કર્યાનો દાવો કરી રહ્યા હોય પરંતુ પાકિસ્તાનને દેખીતું જ વધુ નુકસાન થયું છે .રિપોર્ટ અનુસાર, ભારતના હુમલાઓ ખૂબ અસરકારક અને વધુ સારી રીતે લક્ષ્યાંકિત હતા. ભારતના હુમલાઓથી પાકિસ્તાનના લશ્કરી સ્થળોને "સ્પષ્ટ નુકસાન" થયું. બંને દેશો વચ્ચેનો આ સંઘર્ષ છેલ્લા પચાસ વર્ષોમાં સૌથી મોટો હતો, જેમાં ડ્રોન અને મિસાઇલોનો મોટા પાયે ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે ઘટનાસ્થળ પરથી મળેલા ફોટોગ્રાફ્સ દર્શાવે છે કે હુમલાઓ વ્યાપક હતા, પરંતુ નુકસાન દાવા કરતાં ઘણું મર્યાદિત હતું.


ન્યૂ યોર્ક ટાઈમ્સે લખ્યું છે કે સેટેલાઇટ છબીઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે ભલે બંને પક્ષોએ એકબીજાને ગંભીર નુકસાન પહોંચાડવાનો દાવો કર્યો હોય, પરંતુ વાસ્તવિક અને મોટું નુકસાન ભારત દ્વારા પાકિસ્તાનને થયું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આધુનિક યુદ્ધ અને સચોટ શસ્ત્રોના આ યુગમાં, બંને દેશોએ વ્યૂહાત્મક રીતે પોતાના હુમલા કર્યા, પરંતુ ભારતે ખાસ કરીને પાકિસ્તાન વાયુસેનાની ક્ષમતાઓ અને એરફિલ્ડ્સને નિશાન બનાવ્યા.


ભોલારી એરબેઝ પર હુમલો

સૌથી મહત્વપૂર્ણ હુમલાઓમાંનો એક કરાચી નજીક ભોલારી એર બેઝ પર થયો હતો, જ્યાં સેટેલાઇટ છબીઓમાં એરક્રાફ્ટ હેંગરને નુકસાન સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યું હતું. ભારતે પાકિસ્તાનના કરાચીથી લગભગ 100 માઇલ દૂર આવેલા ભોલારી એરબેઝ પર એરક્રાફ્ટ હેંગરને નિશાન બનાવ્યું.


નૂર ખાન એરબેઝ: સૌથી સંવેદનશીલ લક્ષ્ય

રિપોર્ટ અનુસાર, ભારતનો સૌથી સંવેદનશીલ હુમલો નૂર ખાન એરબેઝ પર થયો હતો, જે પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદની નજીક સ્થિત છે અને આર્મી હેડક્વાર્ટર અને વડા પ્રધાન કાર્યાલયની નજીક છે. આ યુનિટ પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રોની સુરક્ષાનું ધ્યાન રાખે છે. ભારત દ્વારા ચોકસાઇવાળા શસ્ત્રોનો ઉપયોગ કરીને અહીંની સુવિધાઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.


સરગોધા અને રહીમ યાર ખાન એરબેઝ પર હુમલા

ભારતે એવો પણ દાવો કર્યો હતો કે તેમણે પાકિસ્તાનમાં રહીમ યાર ખાન અને સરગોધા બેઝના રનવે સેક્શન સહિત મુખ્ય એરબેઝને નિશાન બનાવ્યા છે. સેટેલાઇટ છબીઓ આ દાવાઓને સમર્થન આપે છે, જે અસરગ્રસ્ત માળખાકીય સુવિધાઓ દર્શાવે છે.ભારતીય સેના દ્વારા પાકિસ્તાનમાં સરગોધા એરબેઝના બે રનવે સ્ટ્રીપ્સને પણ ચોકસાઇવાળા હથિયારોથી નિશાન બનાવવામાં આવ્યા હતા. ભારતીય સેનાએ જણાવ્યું હતું કે તેણે પાકિસ્તાનના પંજાબ પ્રાંતના સરગોધા એરપોર્ટ પર રનવેના બે ભાગો પર હુમલો કરવા માટે ચોકસાઇવાળા શસ્ત્રોનો ઉપયોગ કર્યો હતો.

રહીમ યાર ખાન ખાતે, પાકિસ્તાને પોતે 10 મેના રોજ એક નોટિસ જારી કરી હતી કે રનવે હવે "ઓપરેશનલ" નથી. આ ઉપરાંત, પસરુર અને સિયાલકોટ એવિએશન બેઝ પર હાજર રડાર સિસ્ટમને પણ નિશાન બનાવવામાં આવી હતી, જેના કારણે પાકિસ્તાન વાયુસેનાને ભારે નુકસાન થયું હતું.


પાકિસ્તાનના દાવા પોકળ સાબિત થયા

પાકિસ્તાની અધિકારીઓએ દાવો કર્યો હતો કે તેમણે ભારતના ઉધમપુર એરબેઝને "સંપૂર્ણપણે નાશ" કરી દીધો છે, પરંતુ 12 મેના સેટેલાઇટ છબીઓ તે દાવાની પુષ્ટિ કરતી નથી અને એરબેઝને કોઈપણ નુકસાન વિના બતાવે છે.


ઓપરેશન સિંદૂર

૨૨ એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ૨૬ લોકો માર્યા ગયા બાદ, ભારતે ૭ મેના રોજ સવારે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં આતંકવાદી છાવણીઓ પર હુમલો કર્યો અને ૯ આતંકવાદી છાવણીઓનો નાશ કર્યો. આ પછી, પાકિસ્તાને 8 થી 10 મે દરમિયાન ભારતીય લશ્કરી ઠેકાણાઓ પર બદલો લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભારતીય સેનાએ રફીકી, મુરીદ, ચકલાલા, રહીમ યાર ખાન, સુક્કુર અને ચુનિયાન જેવા ઠેકાણાઓ પર હુમલો કરીને જવાબી કાર્યવાહી કરી.


૧૦ મેના રોજ યુદ્ધવિરામ પર સંમતિ

ચાર દિવસના તીવ્ર ડ્રોન અને મિસાઇલ સંઘર્ષ પછી, 10 મેના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ પર સંમતિ થઈ. જોકે, આ સમગ્ર ઘટનાક્રમમાં ભારતની લશ્કરી વ્યૂહરચના અને ચોકસાઈને કારણે પાકિસ્તાનની લડાઈ ક્ષમતાને ગંભીર નુકસાન થયું હતું, જેની પુષ્ટિ આંતરરાષ્ટ્રીય મીડિયા અને સેટેલાઇટ ડેટા દ્વારા થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application