રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેના સ્થાપનાકાળથી પરંપરા અનુસાર દર વર્ષે વિજયાદશમી ઉત્સવ અને શસ્ત્ર પૂજન કાર્યક્રમનું આયોજન કરે છે. આ વર્ષે સંઘની સ્થાપના ૧૦૦ વર્ષ પૂર્ણ થયા છે. હિન્દુ સમાજમાં વિજીગીશું જીવનધારા ના પુન: નિર્માણ અને દૃઢતા માટે સંઘ કટિબદ્ધ રીતે કાર્ય કરે છે. સંવત ૨૦૮૨ નો ધ્રોલ નગર અને તાલુકાનો વિજયાદશમીનો ઉત્સવ તારીખ ૦૫/૧૦/૨૦૨૪, રવિવારના દિવસે યોજાયો. કાર્યક્રમ દરમ્યાન શસ્ત્રપૂજન અને નગરના મુખ્ય માર્ગો પર પથ સંચલનનું આયોજન થયું હતું. આ ઉપરાંત વિવિધ શારીરિક વિષયના પ્રયોગોનું પ્રાત્યેક્ષિક યોજાયું.
કાર્યક્રમ દરમ્યાન રાજકોટ વિભાગના મા. સંઘચાલક ડો. સંજીવભાઈ ઓઝાનું માર્ગદર્શન અને ઉદબોધન થયું. તેમને જણાવ્યું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપનાને ૧૦૦ વર્ષ પૂર્ણ થયા છે. ડો. કેશવરાવ બલીરામ હેડગેવારે ૧૯૨૫ પહેલા વિવિધ ક્રાંતિકારી પ્રવૃતિઓ અને સ્વરાજના આંદોલનોના અનુભવને અંતે ગુલામી આવવાના મૂળ કારણો દૂર કરવા સંઘની સ્થાપના કરી. વિવિધ પડકારો આવવા છતાં સંઘ વધુ મજબૂત થયો. સંઘ ની શાખા એક શાખાથી અત્યારે લાખો ગામો સુધી પહોંચી છે. પ્રવર્તમાન સમયમાં સમાજમાં પર્યાવરણ સંરક્ષણ, નાગરિક કર્તવ્ય, સ્વદેશી અને સમાજને સ્વનો બોધ, સામાજિક સમરસતા તેમજ કુટુંબ વ્યવસ્થાના દૃઢીકરણ પર વિશેષ ધ્યાન આપવાની જરૂર વ્યક્ત કરી.
કાર્યક્રમ ના અતિથિ વિશેષ મહેશભાઈ સોરઠિયાએ પોતાના વક્તવ્યમાં આરએસએસના વિવિધ સેવાકીય કાર્યોનો ઉલ્લેખ કર્યો અને ઉમેર્યું કે દરેક વ્યક્તિ એ પોતાના જીવન માં વ્યવહારિક સેવા અને બૌધ્ધિક સેવાનો સમાવેશ કરવો જોઈએ. પશ્ચિમી સંસ્કૃતિ ના વાયરા માં આપણી સંસ્કૃતિ ને જાળવી રાખવા તેમજ સોશિયલ મીડિયાના વિવેક પૂર્વ ઉપયોગ પર તેમણે ભાર મૂક્યો.
આ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં ધ્રોલ નગર અને તાલુકા ના સ્વયંસેવક બંધુઓ, આમંત્રિત મહેમાનો અને પ્રેક્ષક ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સર્વે ઉપસ્થિત લોકોએ કાર્યક્રમને અંતે શસ્ત્રપૂજન કર્યું.