બદલાયેલી જીવન શૈલીમાં લોકો સતત તણાવભરી સ્થિતિનો અનુભવ કરી રહ્યા છે આ સ્થિતિમાં કેટલાક લોકો આપઘાત જેવું અંતિમ પગલું પણ ભરી લેતા હોય છે. ત્યારે લોકોને આ સ્થિતિમાંથી બહાર લાવવા રાજકોટ ગ્રામ્ય પોલીસે મનોવિજ્ઞાન ભવન સાથે સંકલન સાધી મહત્વની પહેલ કરી છે. પ્રેરણા નવા જીવનની નામથી સાથે આ નવી પહેલનો રાજકોટ રૂરલ પોલીસે શુભારંભ કર્યો છે. જેમાં માનસિક તણાવભરી સ્થિતિમાં રહેતા લોકો કે જેમને આપઘાત જેવા વિચારો આવતા હોય તેમનું મનોવૈજ્ઞાનિક પદ્ધતિથી કાઉન્સેલિંગ કરવામાં આવશે અને તેમનો આત્મવિશ્વાસ વધારવાનો સહાનીય પ્રયાસ કરાશે.
રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા માનસિક સ્વાસ્થ્ય, ભાવનાત્મક સ્થિરતા અને જીવન પ્રત્યે સકારાત્મક અભિગમ વિકસાવવા માટે પ્રેરણા નવા જીવનની નામની અનોખી સામાજિક મનોવૈજ્ઞાનિક પહેલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમનું આયોજન રાજકોટ ગ્રામ્ય પોલીસ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમના શુભારંભ પ્રસંગે રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાયના હસ્તે કરવામાં આવ્યો હતો. આ તકે રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર તથા અન્ય અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ તેમજ મનોવિજ્ઞાનના નિષ્ણાંતો અને આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ અંગે રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર જણાવ્યું હતું કે, આજના ઝડપી અને તણાવભર્યા જીવનમાં વ્યક્તિઓ વિવિધ પ્રકારના માનસિક સામાજિક અને પારિવારિક પડકારોનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને પોલીસ કર્મચારીઓ સતત દબાણ જવાબદારીઓ અને સંવેદનશીલ પરિસ્થિતિઓ વચ્ચે ફરજ બજાવતા હોવાથી તેમના માનસિક સ્વાસ્થ્યની કાળજી લેવી અત્યંત જરૂરી બની છે. જે બાબતને ધ્યાનમાં રાખી પ્રેરણા નવા જીવનની પહેલ શરૂ કરવામાં આવી છે.
કાર્યક્રમનો મુખ્ય હેતુ તણાવ, ચિંતા, હતાશા ભાવનાત્મક અસંતુલન તથા જીવન પ્રત્યે નિરાશા અનુભવી રહેલા વ્યક્તિઓને માર્ગદર્શન કાઉન્સેલિંગ અને જરૂરી સહાય પૂરી પાડવાનો છે. આ પહેલ દ્વારા લોકોમાં માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ લાવવા સમયસર મદદ મેળવવા પ્રોત્સાહિત કરવા અને આત્મવિશ્વાસ વધારવા માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભવોએ માનસિક સ્વાસ્થ્યના મહત્વ અંગે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, મુશ્કેલ પરિસ્થિતિઓમાં વ્યક્તિએ એકલતા અનુભવવાના બદલે યોગ્ય સહાય અને માર્ગદર્શન મેળવવું જોઈએ. જીવન અમૂલ્ય છે અને દરેક વ્યક્તિ માટે આશા સહકાર અને સંવાદ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ પહેલ માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે સકારાત્મક દ્રષ્ટિકોણ વિકસાવવા, આત્મહત્યા નિવારવા માટે જાગૃતિ ફેલાવવા મહત્વપૂર્ણ સાબિત થશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે.
ત્રણ માસમાં 270 લોકોનું કાઉન્સેલિંગ કરાયું
રાજકોટ જિલ્લામાં છેલ્લા ત્રણ માસમાં 270 લોકો જે તણાવ, ચિંતા, હતાશા,ભાવનાત્મક અસંતુલન તથા જીવન પ્રત્યે નિરાશા અનુભવી રહ્યા હતા તેવા વ્યક્તિઓને અહીંથી માર્ગદર્શન- કાઉન્સેલિંગ અને જરૂરી સહાય પૂરી પાડવામાં આવી છે.
જીવન આશા હેલ્પલાઇનની પણ મદદ લેવા અપીલ
રાજકોટ રૂરલ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલી આ પહેલ અંતર્ગત ગુજરાત પોલીસની જીવન આશા હેલ્પલાઇન 1800 233 300 વિશે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. હેલ્પલાઇન દ્વારા જરૂરિયાતમંદ વ્યક્તિઓને નિ:શુલ્ક અને ગોપનીય કાઉન્સેલિંગ તથા માનસિક સહાય ઉપલબ્ધ કરાવવામાં આવે છે. કાર્યક્રમમાં લોકોને અપીલ કરવામાં આવી હતી કે, તેઓ પોતે અથવા પોતાના પરિચિતોમાં કોઈ વ્યક્તિ તણાવ-ચિંતા કે માનસિક મુશ્કેલીનો સામનો કરતી હોય તો ની:સંકોચ હેલ્પલાઇનનો સંપર્ક કરી શકે છે.