રાજકોટમાં મોસમનો સાડા બાર ઈંચ વરસાદ પડ્યો, શહેરમાં ચોમેર પાણી ભરાયા, મુખ્યમાર્ગો પરના ખાડા જ ખાડા, દિવાનપરામાં ભુવો પડ્યો

  • June 18, 2025 05:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરમાં નૈઋત્યના ચોમાસાના પ્રારંભ સાથે જ મેઘરાજા સટાસટી બોલાવી રહ્યા છે, દરમિયાન ગઇકાલે સાંજથી રાત્રી સુધીમાં વધુ દોઢ ઇંચ પાણી વરસી જતા આ સાથે મોસમનો કુલ વરસાદ ૧૨.૫ ઇંચ થયો છે.ચોમાસુ શરૂ થવા છતાં મહાપાલિકા તંત્રએ ખોદકામ બંધ કર્યું ન હોય મુખ્યમાર્ગો ઉપર ચોમેર ખાડા જોવા મળી રહ્યા છે જેના પગલે અકસ્માત સર્જાવાની ભીતિ રહે છે. મહાપાલિકા તંત્ર તત્કાલ ખાડાઓનું પુરાણ કરે તેવી પ્રબળ લોકમાંગ ઉઠવા પામી છે. દરમિયાન જુના રાજકોટમાં સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.૭માં આવેલા દિવાનપરા વિસ્તારમાં રોડ ઉપર મોટો ભુવો પડ્યો હોવાનું જાણવા મળે છે.


વિશેષમાં રાજકોટ મહાપાલિકાના ફાયર બ્રિગેડ કન્ટ્રોલ રૂમના સૂત્રોના જણાવ્યા મુજબ સેન્ટ્રલ ઝોનમાં ૩૮ મીમી (મોસમનો કુલ વરસાદ ૨૪૪ મીમી), વેસ્ટ ઝોનમાં ૨૦ મીમી ( મોસમનો કુલ વરસાદ ૨૬૫ મીમી), ઇસ્ટ ઝોનમાં ૩૫ મીમી (મોસમનો કુલ વરસાદ ૧૯૨ મીમી) નોંધાયો છે. આગામી દિવસોમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી હોય ફાયર બ્રિગેડ સ્ટાફને એલર્ટ રહેવા આદેશ જારી કરવામાં આવ્યો છે.


મ્યુનિ.ઇજનેરી સૂત્રોએ જણાવ્યું હતું કે રાજકોટ શહેરને પીવાનું પાણી પુરૂ પાડતા ભાદર-૧ ડેમમાં બે ફૂટ અને આજી-૧માં ૦.૨૦ ફૂટ વરસાદી પાણીની આવક નોંધાઇ છે, જ્યારે ન્યારી-૧ ડેમમાં હાલ કોઇ આવક નથી. શહેરના ઉપલાકાંઠે પ્રદ્યુમન પાર્ક ઝૂ પાસે આવેલા લાલપરી તળાવમાં દોઢ ફૂટ પાણીની આવક થઇ છે.


ઉઘાડ નીકળતા સાથે ખાડા બુરવા ચેરમેન જયમીન ઠાકરનો મ્યુનિ.ઇજનેરોને આદેશ

રાજકોટ મહાપાલિકાના સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીનભાઇ ઠાકરએ જણાવ્યું હતું કે તેઓ શહેરના રસ્તાની સ્થિતિથી સુપેરે વાકેફ છે અને લોકફરિયાદો પણ મડી રહી છે પરંતુ એક વખત વરસાદ વિરામ લ્યે તેની રાહ છે, ઉઘાડ નિકળતાની સાથે તુરંત જ રસ્તા રિપેરિંગ કરવા ઇજનેરોને તેમણે આદેશ કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application