છેલ્લા ઘણા વર્ષથી મેઘાની જામનગર શહેર ઉપર જિલ્લાના અન્ય મથકો કરતા ઓછી કૃપા વરસે છે. ઓણ સાલ ૯ ઓકટો. રપ સુધીમાં જિલ્લાના તમામ જળાશયો ર થી વધુ વખત છલકાઇ ચુકયા છે. પરંતુ જામનગરની રંગમતી, નાગમતી નદી એક પણ વખત બે કાંઠે નથી થઇ તે હકીકત છે.
આ વરસના વરસાદની વિચિત્રતાની વાત કરીએ તો સૌથી વધુ વરસાદ જિલ્લાનાં તાલુકા મથકોમાં જોડીયામાં ૪૧, અને સૌથી ઓછો પણ તેમના સૌથી નજીક એવા ધ્રોલ શહેરમાં ફકત ૨૧ ઇંચ વરસાદ નોંધાયો છે.
છેલ્લા ઘણા વર્ષોથી જામનગર શહેરમાં પાછોતરો જ વરસાદ પડે છે, ખાસ કરીને જામનગર શહેર માટે ભાદરવો ભરપુર રહેતો હોય છે પરંતુ ઓણ સાલ ભાદરવા પર મેઘો જામનગર શહેર માટે કંઇ વધુ ઉકાળી શકયો નથી. જામનગર શહેરમાં તા. ૯ ઓકટો. સુધીમાં કુલ ૨૬ ઇંચ જ વરસાદ નોંધાયો છે. તે પણ છુટોછવાયો ટીચુક ટીચુક બેટીંગ કરીને જેના કારણે ઘણા વર્ષો બાદ ચોમાસુ પુર્ણ થયુ છતાં જામનગરની શાન સમા રંગમતી, નાગમતી બન્ને નદીઓ બે કાંઠે થઇ શકી નથી.
જામનગર શહેરમાં છેલ્લા પ વર્ષમાં સૌથી વધુ વરસાદ ૨૦૨૩માં ૫૩ઇંચ નોંધાયો હતો અને સૌથ ઓછો વરસાદ ઓણ સાલ એટલે કે ૨૦૨૫માં ૨૬ ઇંચ નોંધાયો છે. ૨૦૨૦થી અનુક્રમે વાત કરીએ તો ૪૭.૫, ૨૦૨૧, ૩૩, ૨૦૨૨, ૨૭.૫, ૨૦૨૪, ૪૯, અને ૨૦૨૫, ૨૬ ઇંચ જિલ્લાના ગ્રામ્ય પંથકની વાત કરીએ તો મોટી ભલસાણમાં સૌથી વધુ ૪૩ ઇંચ, અને સૌથી ઓછો વરસાદ જાલીયા દેવાણી ૧૨.૫ ઇંચ વરસાદ નોંધાયો છે.
જામનગર જિલ્લામાં છેલ્લા દાયકામાં વર્ષ ૨૦૧૩ થી ૨૦૧૭ દરમ્યાન સતત પાંચ વર્ષ નબળા ચોમાસાનાં કારણે જૂજ વરસાદથી અછતના ઓછાયા જોવા મળ્યા હતા. પરંતુ ૨૦૨૦માં મેઘરાજાએ શહેર જિલ્લામાં એવા તો મહેરબાન થયા હતા કે નવ વર્ષનું ઐતિહાસિક ચોમાસુ રહ્યું હતું. ૨૦૨૦માં છેલ્લા દસ વર્ષમાં એટલે કે ૨૦૧૦ પછી સૌથી વધુ ૫૨ ઇંચ વરસાદ નોંધાયો હતો.
જામનગર શહેરમાં ગત ઓગસ્ટ મહિનામાં મધરાતે સવા કલાકમાં પોણા બે ઈંચ વરસાદ નોંધાયો હતો તે સિવાય આખા ચોમાસામાં ધબી ધબીને જ ૨૬ ઈંચ વરસાદ પડયો છે.શહેર તથા જિલ્લાના રણજીતસાગર,સસોઈ,ઉમિયા સાગર,વોડીસાગ,વાગડીયા,કોટડા બાવીસી સહિતના ડેમો બે થી વધુ છલકાઈ ગયા હોવાથી શહેર જિલ્લામાં પાણીનો પ્રશ્ન રહેશે નહીં.
શિયાળાના પગરવ થઈ ગયા હોવા છતાં સૌરાષ્ટ્રના ગીર પંથકમાં અને જામનગર જિલ્લાના જામજોધપુર અને ગ્રામ્ય પંથકમાં ગુરૂવારે સમી સાંજે મેઘો હાઉકલી કરી ગયો જામનગર શહેરમાં ઓછો વરસાદ પડ્યો હોવા છતાં શહેરને પાણી પૂરું પાડતા જળાશયો બે થી વધુ વખત છલકાયાં હોવાથી શહેરીજનોને પાણી તકલીફ નહીં રહે પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી ભાદરવામાં ઘસમસતી રંગમતી-નાગમતી નદી,દરેડનું પાણીમાં ડૂબેલ ખોડીયાર માતાજીનું મંદિર જોવાથી જામનગરીઓને મેઘાએ વંચિત રાખી દીધા.
જો કે વર્ષ ૨૦૧૦નો સરેરાશ વરસાદ ૫૩ ઇંચનો રેકોર્ડ હજુ અકબંધ રહ્યો છે. જે ૨૦૨૩માં સમકક્ષ વરસાદ પડયો જે રેકોર્ડ તોડી શકયો ન હતો. છેલ્લા ઘણા વર્ષથી જામનગર શહેરમાં સપ્ટેમ્બર,ઓકટોબરમાં મેઘકૃપા થાય છે અને જામનગરની નદી બે કાંઠે થાય છે પરંતુ આ વર્ષે મૌસમનો ૨૬ ઇંચ વરસાદ પડયો છતાં રંગમતી, નાગમતી નદીમાં પુર આવ્યું જ નહીં.