જામનગરમાં ઇ-બાઇકના સર્વિસ સેન્ટરમાં હંગામો

  • February 23, 2026 01:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર શહેરમાં છેલ્લા ઘણા સમયથી ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરના ગ્રાહકો માટે કંપનીનું સર્વિસ સેન્ટર એક માથાના દુ:ખાવા સમાન બની ગયું છે, જ્યાં ગ્રાહકોની હાલાકી અને પરેશાનીઓનો કોઈ અંત જ દેખાતો નથી. પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરના શરૂ સેક્શન રોડ પર એમ.પી. શાહ ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલા ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર રિપેરિંગ સેન્ટરમાં મેનેજમેન્ટની કથળતી વ્યવસ્થા અને નબળી કામગીરીને કારણે ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 


વાહનોમાં સર્જાતી ટેકનિકલ ખામીઓનું સમયસર નિવારણ ન આવતાં અને સર્વિસના નામે ગ્રાહકોને માત્ર ધરમના ધક્કા જ ખાવા પડતા હોવાથી સ્થિતિ તંગ બની હતી. સેન્ટરની બહાર જાહેર રોડ પર મહિનાઓથી ધૂળ ખાઈ રહેલી અન્ય ગ્રાહકોના વાહનો કંપનીની સેવાઓ પર અનેક સવાલો ઊભા કરી રહી હતી, અને આ જ અવ્યવસ્થાના કારણે વર્ષોથી જમા થયેલો આક્રોશ શનિવારે બપોર બાદ આ બનાવ બન્યો હતો. જેમાં પડતર વાહનો રોડ પર પછાડી દેવાયા હતા.


બંને શખ્સોએ સર્વિસ સેન્ટર પર પાછા ફરીને ભારે હંગામો મચાવ્યો હતો. અને પોતાનો તમામ ગુસ્સો જાહેર રોડ પર સમારકામની રાહ જોતા પાર્ક કરાયેલા અન્ય ગ્રાહકોના ઓલા સ્કૂટરો પર ઉતાર્યો હતો. તેઓએ રસ્તા પર પાર્ક કરેલા વાહનોને બેફામ રીતે પછાડી, તેમાં તોડફોડ કરી અને વાહનોને અહીં-તહીં ફગાવી દીધા હતા. આ અંગેની જાણ થતા પોલીસ ટુકડી સ્થળ પર આવી હતી થોડો સમય અફડાતફડી જેવો માહોલ જોવા મળ્યો હતો દરમ્યાનમાં આ મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
​​​​​​​

હાલ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે વધુ સઘન તપાસ ચલાવવામાં આવી રહી છે, જ્યારે બીજી તરફ ગ્રાહકોની ધીરજની કસોટી કરતી ઓલા કંપનીની કથળતી સેવાઓ સામે પણ ગ્રાહકોમાં રોષની લાગણી વરસી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application