જામનગરમાં બોર્ડની પરીક્ષામાં પ્રથમ પેપર સરળ નીકળ્યા : નો કોપીકેસ

  • February 27, 2026 12:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષાઓનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતોે. ગઇકાલે પ્રથમ પેપરો સરળ નીકળતા વિધાર્થીઓનો ઉત્સાહ બેવડાયો હતો, આજે સવારના સેશનમાં કોઇ પેપર નથી બપોરે ધો. ૧૨માં પેપર લેવાશે, ગઇકાલે લેવાયેલ ધો. ૧૨ના અર્થશાસ્ત્રના પેપરમાં કુલ ૬૩ ગેરહાજર રહયા હતા, ભૌતીક વિજ્ઞાનના પેપરમાં ૧૪ ગેરહાજર નોંધાયા હતા.


જામનગર સહિત રાજયમાં ગઇકાલથી શ‚ થયેલી બોર્ડની પરીક્ષાઓ શાંતીપુર્ણ વાતાવરણમાં ચાલી રહી છે, ગઇકાલે ધો. ૧૨ અર્થશાસ્ત્રમાં ગુજરાતી માઘ્યમમાં ૭૦૨૭ હાજર, ૫૮ ગેરહાજર, અંગ્રેજી માઘ્યમમાં ૧૦૯૭ હજાર અને ૫ ગેરહાજર રહયા હતા, ભૌતીક વિજ્ઞાનના પેપરમાં ગુજરાતી માઘ્યમમાં ૧૨૫૪ હજાર, ૭ ગેરહાજર, અંગ્રેજી માઘ્યમમાં ૬૦૬ હાજર, ૭ ગેરહાજર રહયા હતા.  સંસ્કૃત મઘ્યમાં જેમાં ૩૪ છાત્ર નોંધાયા હતા.


ધો. ૧૦માં પ્રથમ પેપર ભાષાના હતા જે ટેકસબુક આધારીત એકંદરે સરળ નીકળતા વિધાર્થીઓ ખુશખુશાલ જોવા મળ્યા હતા, ધો. ૧૦ના અંગ્રેજી વિષયના પેપરમાં એક માણસના મગજનું સ્થાન એઆઇ લઇ શકશે ? એ વિષય પર નિબંધ પુછાયો હતો પેપર એકંદરે સરળ રહયુ હતું. ફિજીકસમાં એમસીકયુના પ્રશ્ર્નો અને થિયેરીકલના પ્રશ્ર્નો પુસ્તક આધારીત હતા, સ્પીડ ઓછી હોય એવા વિધાર્થીઓને પેપર થોડુ હેલ્ધી લાગ્યુ હોઇ શકે પ્રથમ દિવસે જામનગરમાં કોઇ ગેરરીતીનો કેસ નોંધાયો ન હતો. આજે સવારના સેશનમાં ધો. ૧૦માં પેપર નથી, બપોરે ધો. ૧૨માં સામાન્ય પ્રવાહમાં તત્વજ્ઞાન ઉપરાંત કૃષી ગૃહજીવન વસ્ત્ર વિધા પશુપાલન અને ડેરી વિજ્ઞાન જેવા પેપરો લેવાશે. 


બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે એટલે કે ગઇકાલે સવારે વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા અને શુભકામનાઓ પાઠવવા માટે જામનગર જિલ્લા કલેકટર કેતન ઠક્કરે પરીક્ષા કેન્દ્ર ડીસીસી હાઈસ્કુલની મુલાકાત લઈને વિદ્યાર્થીઓને વ્યક્તિગત રીતે મળી શુભકામનાઓ પાઠવી હતી. કલેક્ટરએ પરીક્ષા કેન્દ્રોની મુલાકાત લઈ વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. કેન્દ્ર પર નિયુક્ત અધિકારીઓ, શિક્ષકો અને સ્ટાફ સાથે ચર્ચા કરીને તમામ સુવિધાઓ  બેઠકોની વ્યવસ્થા, પાણી, વીજળી, સ્વચ્છતા તથા સુરક્ષા વ્યવસ્થા યોગ્ય રીતે કાર્યરત હોવાનું નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે જિલ્લા શિક્ષણાધિકારી વિપુલ મહેતા પણ ઉપસ્થિત રહ્યા હતા.
​​​​​​​

પરીક્ષા કેન્દ્ર પર ઉપસ્થિત વિદ્યાર્થીઓને સંબોધતા કલેક્ટરએ જણાવ્યું હતું કે, બોર્ડની પરીક્ષા જીવનનું એક મહત્વપૂર્ણ પગથિયું છે, પરંતુ તે અંતિમ લક્ષ્ય નથી. વિદ્યાર્થીઓએ આત્મવિશ્વાસ સાથે, શાંતિપૂર્વક અને સકારાત્મક મનોભાવથી પરીક્ષા આપવી જોઈએ. મહેનત અને સંકલ્પ જ સફળતાની ચાવી છે એમ તેમણે ઉમેર્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને સમયપાલન, માર્ગદર્શિકા મુજબના નિયમોનું પાલન અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા અનુરોધ કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application