આસામથી બસ, ટ્રેનમાં સફર કરી વડોદરા પહોંચ્યો હતો આતંકવાદી, છ મહિનાથી ગુજરાત ATS રાખતી હતી નજર

  • November 27, 2026 02:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના જરોદ પોલીસ સ્ટેશનની હદમાંથી ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ)એ એક મોટા ઓપરેશનને અંજામ આપીને આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા શહરૂલ ઈસ્લામ નામના આતંકીને ઝડપી પાડ્યો છે. ગઈકાલે મોડી રાત્રે બસમાંથી હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં આતંકીના કબજામાંથી  ઘાતક ગણાતી એક એક-47 રાઈફલ અને 23 જીવતા કારતૂસ મળી આવ્યા છે. મૂળ આસામનો વતની એવો આ શખસ હથિયારો સાથે ગુજરાતમાં કયા હેતુથી આવ્યો હતો તે દિશામાં એટીએસ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.


ઝડપાયેલા આતંકી અંગે તપાસમાં અનેક મહત્વપૂર્ણ ખુલાસા થયા છે. પ્રાથમિક વિગતો મુજબ, જાહેર સ્થળ પર આતંક અને દહેશત ફેલાવવાના ઈરાદાથી આ આતંકી આસામથી બસ અને ટ્રેન મારફતે મુસાફરી કરીને ગુજરાત આવ્યો હતો અને વડોદરામાં રેલવે સ્ટેશન નજીક રોકાયો હતો. ગુજરાત એટીએસની ટીમ છેલ્લા 6 મહિના કરતાં વધુ સમયથી આ શખસની શોધખોળ કરી રહી હતી. આખરે ચોક્કસ બાતમીના આધારે જરોદમાં દરોડો પાડીને તેને એકે-47 રાઈફલ સાથે દબોચી લેવામાં આવ્યો છે. આ ઉપરાંત, આરોપીના મોબાઈલ ફોનની પ્રાથમિક તપાસમાં જૈશ-એ-મોહમ્મદનું પ્રતિબંધિત સાહિત્ય પણ મળી આવ્યું છે.


બસમાંથી રાઈફલ અને કારતૂસ સાથે બિન-ગુજરાતી શખસ ઝડપાયાની આ ઘટના અંગે જરોદના સરપંચના પતિ રૂપેશભાઈ કાંતિભાઈ સોલંકીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ શખસ મોટી દહેશત ફેલાવવાના આશયથી આવ્યો હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ એટીએસ અને પોલીસની સતર્કતા તથા સમયસરની કામગીરીને કારણે એક મોટું સંકટ ટળી ગયું છે.

અગાઉ જરોદ પંથકમાં ક્યારેય આવી ઘટના બની ન હોવાથી અચાનક સામે આવેલી આ ઘટનાને પગલે સમગ્ર ગામમાં ભારે ચર્ચા જાગી છે. સ્થાનિક ગ્રામજનોમાં એવી પ્રબળ માગ ઉઠી છે કે આરોપી કોણ છે, ક્યાંથી આવ્યો છે અને તેની સાથે અન્ય કયા-કયા તત્વો જોડાયેલા છે તેની સંપૂર્ણ ઓળખ કરીને તેને કડકમાં કડક સજા કરવામાં આવે. જોકે, આ મામલે સ્થાનિક સ્તરે કોઈ પૂર્વયોજિત પ્લાનિંગ હોવા અંગે રૂપેશભાઈ સોલંકીએ સ્પષ્ટતા કરી હતી કે તેમને આવું કોઈ પ્લાનિંગ લાગતું નથી અને તેમણે આરોપીને અગાઉ ક્યારેય જોયો પણ નથી. હાલ સુરક્ષા એજન્સીઓ આતંકી શહરૂલ ઈસ્લામના સ્થાનિક સંપર્કો અને તેના હેન્ડલર્સ અંગે વધુ વિગતો મેળવવા માટે ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application