ટોલ બચાવવા નંબર પ્લેટ સાથે ચેડાં કરનારાની ખેર નહીં: સરકાર વસૂલશે 8 ગણો દંડ; જાણો કેવી રીતે ટોલ ચોરી પકડશે

  • November 22, 2026 05:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નેશનલ હાઈવે પર ટોલ ટેક્સ બચાવવા માટે પોતાના વાહનની નંબર પ્લેટ સાથે ચેડાં કરનારા અથવા નંબરના અંકો છુપાવનારા વાહનચાલકો હવે મોટી મુશ્કેલીમાં મુકાઈ શકે છે. સીમલેસ એટલે કે અવરોધ વિનાના ટોલ પ્લાઝા પર ટેક્સ ભરવાથી બચવા માટે આવી ચાલાકી કરનારા વાહનમાલિકો સામે કેન્દ્ર સરકાર અત્યંત કડક કાર્યવાહી કરવા જઈ રહી છે. સરકાર આવા નિયમભંગ કરનારાઓ પર લગામ કસવા માટે કડક નિયમો લાવવાની તૈયારી કરી રહી છે, જે અંતર્ગત વાહનમાલિકો પાસેથી સામાન્ય ટોલ ફી કરતાં 4 થી 8 ગણો મોટો દંડ વસૂલવામાં આવશે. આ માટે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય ધોરીમાર્ગ ફી નિયમોમાં મહત્વપૂર્ણ સુધારો કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.


પોલીસ ચલણ ઉપરાંત અલગથી ભરવો પડશે ભારે ટોલ દંડ

સરકારની આ નવી સિસ્ટમ હેઠળ ખાસ ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે, આ ભારે ટોલ દંડ મોટર વાહન અધિનિયમ (MV એક્ટ) હેઠળ ફાટતા પોલીસ ચલણ કરતાં તદ્દન અલગ હશે. હાલના મોટર વાહન અધિનિયમ મુજબ, નંબર પ્લેટ સાથે ચેડાં કરવા બદલ પહેલી વખત પકડાવા પર ₹5,000 અને બીજી વખત ₹10,000 સુધીના દંડની જોગવાઈ છે, જે રાજ્ય પરિવહન વિભાગ દ્વારા વસૂલવામાં આવે છે. પરંતુ હવે નવા નિયમ મુજબ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) જેવી એજન્સીઓને નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનો પાસેથી નિયમિત ટોલ ફી કરતાં 4 થી 8 ગણો દંડ સીધો જ વસૂલવાનો વિશેષ અધિકાર આપવામાં આવશે. એટલે કે વાહનચાલકોને બેવડો આર્થિક ફટકો પડશે.


AI અને હાઇ-ટેક કેમેરા પકડી પાડશે નંબર પ્લેટની ચાલાકી

આ નિયમનો કડક અમલ કરવા માટે ટેકનોલોજીનો સહારો લેવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગામી બે મહિનામાં જ દેશના ટોલ પ્લાઝા પર એક અત્યાધુનિક સિસ્ટમ લાગુ કરવામાં આવશે. આ સિસ્ટમ હાઇ-રિઝોલ્યુશન કેમેરા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ કરીને એવા તમામ વાહનોને તાત્કાલિક ઓળખી કાઢશે, જેમની નંબર પ્લેટ વાળવામાં આવી હોય, તેના પર કંઈક ચોંટાડવામાં આવ્યું હોય કે પછી તેના અંકો છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય. આ હાઈ-ટેક કેમેરાની નજરમાંથી કોઈ પણ વાહન બચી શકશે નહીં.


શા માટે સરકારે અપનાવવું પડ્યું આટલું કડક વલણ?

દેશભરના રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર મુસાફરી વધુ ઝડપી બને તે માટે બેરિયર-લેસ ટોલિંગ સિસ્ટમ લાગુ કરવામાં આવી રહી છે, જેનાથી વાહનો ટોલ બૂથ પર રોકાયા વિના સીધા પસાર થઈ શકે છે અને નંબર પ્લેટ સ્કેન થઈને ટોલ આપમેળે કપાઈ જાય છે. જોકે, દિલ્હીના મુંડકા અને અન્ય ટોલ પ્લાઝા પર આ સિસ્ટમ શરૂ થયા બાદ તરત જ NHAIના ધ્યાને આવ્યું હતું કે ઘણા ડ્રાઇવરો ટોલ ચૂકવવાનું ટાળવા માટે નંબર પ્લેટ વાળી દે છે અથવા તેના પર ટેપ કે અન્ય વસ્તુ ચોંટાડી દે છે. ભલે આવા વાહનો કુલ ટ્રાફિકના માત્ર 2 થી 4 ટકા જ હોય, પરંતુ સરકારનું માનવું છે કે જ્યાં સુધી 100 ટકા વાહનો સ્પષ્ટ દેખાતી હાઇ-સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ (HSRP) થી સજ્જ ન થાય ત્યાં સુધી ટોલ ચોરી રોકવા આવા કડક પગલાં અનિવાર્ય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application