ટ્રમ્પનો મોટો નિર્ણય: અમેરિકામાં પરમાણુ ઊર્જા ઉત્પાદન 25 વર્ષમાં 300% વધારવાનો લક્ષ્યાંક, બંધ પ્લાન્ટ્સ ફરી શરૂ થશે

  • May 24, 2025 10:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દેશમાં ન્યુક્લિયર એનર્જી (પરમાણુ ઊર્જા) ના ઉત્પાદનને આગામી 25 વર્ષમાં 300% સુધી વધારવાનો મહત્વાકાંક્ષી આદેશ જારી કર્યો છે. શુક્રવારે વ્હાઇટ હાઉસના ઓવલ ઓફિસમાં આ સંબંધિત આદેશો પર હસ્તાક્ષર કરતા તેમણે જણાવ્યું કે, "હવે સમય ન્યુક્લિયર એનર્જીનો છે અને અમે તેનું ઉત્પાદન મોટા પાયે કરવા જઈ રહ્યા છીએ."


ટ્રમ્પે કુલ ચાર મહત્ત્વના આદેશો પર સહી કરી છે. જેમાં પરમાણુ રિએક્ટરની મંજૂરી પ્રક્રિયાને ઝડપી બનાવવી, ન્યુક્લિયર રેગ્યુલેટરી કમિશનમાં સુધારા કરવા, 4 જુલાઈ 2026 સુધીમાં ત્રણ નવા રિએક્ટર કાર્યરત કરવા અને આ ટેકનોલોજીના ઔદ્યોગિક આધારમાં રોકાણ વધારવાનો સમાવેશ થાય છે.


બંધ પડેલા પ્લાન્ટ્સ ફરી શરૂ કરાશે
એપીના અહેવાલ મુજબ, ટ્રમ્પના આદેશમાં ઊર્જા અને સંરક્ષણ વિભાગને બંધ પડેલા ન્યુક્લિયર પ્લાન્ટ્સને ફરીથી શરૂ કરવા માટે કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત, ફેડરલ સરકારની જમીન પર, જેમાં અમેરિકાના લશ્કરી થાણાં પણ શામેલ છે, નવા રિએક્ટર બનાવવાની સંભાવનાઓ શોધવા માટે પણ સૂચના અપાઈ છે.


ઊર્જા સુરક્ષા અને આર્થિક વિકાસ પર ભાર

અમેરિકા વિશ્વમાં વીજળીની ખપતમાં ચીન પછી બીજા સ્થાને છે. 2023માં અમેરિકામાં કુલ 4200 ટેરાવોટ-અવર (TWh) વીજળીનો વપરાશ થયો હતો, જે સરેરાશ દરરોજ 11.5 TWh જેટલો હતો. હાલમાં, અમેરિકાની કુલ વીજળીનો 19% હિસ્સો પરમાણુ ઊર્જામાંથી આવે છે, જે 2023માં 775 TWh હતો. જો ટ્રમ્પનો આ પ્લાન સફળ થાય છે, તો દેશની એક તૃતીયાંશ વીજળી પરમાણુ ઊર્જાથી ઉત્પન્ન થશે, જે ઊર્જા સુરક્ષા અને આર્થિક વિકાસ માટે એક મોટો કદમ સાબિત થશે.

અમેરિકામાં કુલ 94 સક્રિય ન્યુક્લિયર પાવર પ્લાન્ટ્સ છે, જેમાં સૌથી વધુ 11 રિએક્ટર ઇલિનૉય રાજ્યમાં કાર્યરત છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કુદરતી ગેસ અને રિન્યુએબલ એનર્જી જેવા સસ્તા વિકલ્પોને કારણે કેટલાક રિએક્ટર બંધ કરવામાં આવ્યા હતા. ટ્રમ્પના આ નિર્ણયથી પરમાણુ ઊર્જા ક્ષેત્રમાં ફરીથી ગતિશીલતા આવશે અને અમેરિકાની ઊર્જા ભવિષ્યમાં એક મોટો પરિવર્તન જોવા મળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application