છ વર્ષથી ડેમનું કામ ચાલી રહ્યું છે, હજુ પણ કામ અધુરું: બારાડી-ઓખા મંડળના લોકોમાં ભારે આક્રોશ
છેલ્લા ૩૦ વર્ષથી વધુ સમયથી કલ્યાણપુર તાલુકાના અને દ્વારકા તાલુકાના કુલ ૧૧૦ પીવાના પાણી તેમજ ખેડૂતોને સિંચાઇનું પાણી પુરુ પાડતુ આવ્યું છે. ખબર નહિ બારાડી પંથક તથા ઓખા મંડળ પંથકના જીવાદોરી સમાન સાની ડેમને કોની નજર લાગી છે. સાની ડેમની મરામત છેલ્લા છ વર્ષથી વધુ સમય થયો હોવા છતાં હજુ સુધી આ ડેમ બન્યો નથી. તેનું કારણ શું છે...? તે હજુ સુધી સમજાતુ નથી.
૧૧૦ ગામોની પ્રજા તરસી રહી છે અને હાલ નર્મદાના પાણી પર નિર્ભર છે. પીવાનું પાણી ૧૦ થી ૨૫ દિવસે કલ્યાણપુર-દ્વારકા બન્ને તાલુકાને મળી રહ્યુ છે પરંતુ જે ડેમ માત્ર એકથી દોઢ વર્ષમાં બની જવુ જોઇએ એ ડેમ હજુ બન્યો નથી અને હજુ પણ એકાદ વર્ષ કાઢી નાખે તેવી શકયતાઓ છે ત્યારે ખુબ જ દુ:ખ થાય છે કે આ વિસ્તારના નેતાઓ સુષુપ્ત છે કે પ્રજા...?
પ્રજાલક્ષી કામ હતુ, પ્રજા માટે હતુ, છતાં આટલા વર્ષ કેમ લાગે...? આટલા વર્ષ નીકળી ગયા ત્યારે ગયા વર્ષે ફરી નવુ ટેન્ડર અને ભાવ વધારી કામ આપવામાં આવ્યું હવે ત્યારે આ કામ પુર્ણ થશે એ તો ભગવાન જાણે, પણ વાસ્તવિકતા એ છે કે, કલ્યાણપુર તાલુકામાં જાગૃતતાનો ખુબ જ અભાવ દેખાઇ રહ્યો છે અને પ્રજા ભોળી અને લાગણીશીલ છે. કયારે કોઇ જાહેર હીતના કામોમાં એકત્ર થવું એ સુઝયું નથી. એટલે જ કદાચ સાની ડેમ આટલા સમય સુધી બન્યો નથી, કેનાલો બંધ પડી છે, પાક વીમો બંધ છે, વીજળી સમયસર મળતી નથી, રસ્તાઓના લીરેલીરા ઉડેલા છે. ગંદકી સહિતના પ્રશ્ર્નો હોય પણ બધુ જ સહન કરીને જીવ્યા રાખે છે. પણ કયારેય ફરીયાદ પ્રજાનો સમુહ કરવા આવ્યા નથી. બસ આજ કદાચ નબળાઇના હિસાબે તાલુકાના અનેક કામો થયા નથી કે થઇ શકતા નથી.
સાની ડેમ કલ્યાણપુર-દ્વારકાના ૧૧૦ ગામોને પીવાનું પાણી પુરુ પાડતો ડેમ છે. આ ડેમમાં પાણી હોય ત્યારે કલ્યાણપુર અને દ્વારકાને નિયમિત પાણી મળતુ રહે છે આજે ઘણા વર્ષોથી ડેમ ખાલી છે. ખેડુતોને સિંચાઇનુ પાણી મળતુ નથી. અને પ્રજાને પીવાનું પાણી અનિયમિત મળે છે અને નર્મદાના પાણી પર નિર્ભર રહેવું પડે છે. નવી પેઢીએ શિક્ષિત થઇ પોતાના વિસ્તારના પ્રશ્ર્નોને લઇ જાગૃત થવુ પડશે. નહિંતર કલ્યાણપુર તાલુકાના પ્રશ્ર્નો કયારે ઉકેલાશે નહિ, સ્ટેચ્યુ ઓફ યુનિટી ઝડપી બની શકે તો સાની ડેમ ૧૧૦ ગામોની જીવાદોરી કહેવાય, સાની ડેમને બનાવવામાં આટલો સમય લાગવો એ પ્રજાના પ્રતિનિધિ સહિત બધાની નબળાઇ બતાવે છે.
સાની ડેમ માત્ર બે વર્ષમાં તો બની જવો જોઇએ પણ કોઇ નેતાએ આ ડેમની બાબતમાં પહેલેથી વ્યકિતગત રસ દાખવી કામ ન કર્યું એટલે જ કદાચ પહેલેથી બગડયુ અને કામ સમયસર પૂર્ણ થયુ નથી. હવે કયારે પુર્ણ થશે એ સવાલ પણ સ્વાભાવિક થાય પણ આશા રાખીએ કે જલ્દી આ ડેમનું કામ ખુબ ઝડપી નેતાઓ ઘ્યાન આપી કરાવે અને અધિકારીઓ પણ પોતાની મીલીભગત પણામાંથી બહાર આવી અને હાલ કાચબાની ગતિએ ચાલી રહેલા કામને યુદ્ધનાં ધોરણે વહેલાસર આગળ વધારે તે પણ ખાસ જરુરી છે અને સરપંચો અને પ્રજાના પ્રતિનિધિઓ આ મામલે રસ દાખવી નેતાઓ સુધી વાસ્તવિકતા જણાવે તો કામ ખરેખર ઝડપી પુરુ થઇ જશે.
તાલુકાના બધા જ ગામોને પીવાનું પાણી સાની ડેમ આપતો હતો, આજે ડેમ મામલે કલ્યાણપુર તાલુકાનાં તમામ ગામોનાં સરપંચો અને જાગૃત લોકોએ તેમજ પ્રજાએ પણ આ મામલે જાગૃતતા દાખવી કામ ઝડપી પુર્ણ થાય એ દિશામાં સકારાત્મક વિચારો સાથે આગળ વધી ડેમ બાબતે સંવેદનશીલતા દાખવી જોઇએ. છેલ્લા વર્ષોમાં લાખો રુપિયાની નુકશાની ખેડુતોને થઇ છે. હવે જલ્દીથી જાગી ખેડુતો અને પ્રજા માટે વિચારી આ ડેમ વહેલાસર બને તેવી એક મુહીમ સ્વયંભૂ લોકો ઉપાડે તે ખાસ જરુરી છે.
લોકો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, વિધાનસભા, લોકસભા સુધી અવાજ પહોંચાડવા પોતાનો અવાજ બુલંદ કરે, સાની ડેમ જલ્દી બને તેવુ આયોજન થવું જરુરી છે, કોઇ રાજકારણ લાવ્યા વગર દરેક ગામના લોકો આ મામલે જાગૃત બને તે ખુબ જરુરી છે. આખરે નર્મદાની જેમ સાની ડેમ પણ આપણી માં સમાન છે. જેને આપણે વર્ષો સુધી તરસ છીપાવી, આપણા ખેતરોને લીલાછમ રાખી આપણામાં પ્રાણ પુર્યા છે.
સાની ડેમના વિલંબમાં પડેલા કામ અંગે લોકમુખે એવી પણ ચર્ચા ચાલે છે કે અધિકારીઓની મીલીભગત આ કામમાં દેખાઇ આવે છે...? અને કયાંકને કયાંક આ કામમાં લોકો ભ્રષ્ટાચાર પણ થયો હોવાનો કામ ધીમી ગતિએ અને સેટીંગથી ચાલતુ હોવાના કારણે દેખાઇ આવે છે તેવુ પંથકના લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.
સાની ડેમના પ્રશ્ર્નનું વહેલાસર કામ પુર્ણ કરી અને યોગ્ય સમય મર્યાદા અને કવોલીટી બાબતે કોઇ નિરાકરણ નહિ આવે તો ભાટીયા નાગરિક સમિતિના નિલેશભાઇ કાનાણી સહિતના આગેવાનો અને આ પ્રશ્ર્ને રાજકારણ વગર ભાટીયા ગામ તથા તાલુકાના આગેવાનોને સાથે રાખીને મુખ્યમંત્રી સહિતના ઉચ્ચ અધિકારીઓ તેમજ પદાધિકારીઓને રજુઆત કરવામાં આવશે અને વહેલાસર દ્વારકા-કલ્યાણપુર (બારાડી-ઓખામંડળ) ના ૧૧૦ ગામોને સાની ડેમનું પાણી ડેમ રિપેર થઇને મળે તેમ નાગરિક સમિતિના નિલેશભાઇ કાનાણીની અખબારી યાદીમાં જણાવાયું છે.