ચોમાસાના એક મહિના પૂર્વે આવી હાલત તો ચોમાસામાં રાજકોટનું શું થશે? તંત્ર જેવું કંઇ છે કે નહીં ? વરસાદી પાણીના નિકાલના નામે મોટું મીંડું

  • May 16, 2025 04:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં તા.૧૫ જુનથી ચોમાસુ બેસે તે પૂર્વે ગઈકાલે તા.૧૫ મે-ના રોજ માવઠું વરસતા દોઢ ઇંચ વરસાદમાં શહેર બેહાલ થઇ ગયું હતું. દર વર્ષે નિષ્ફળ જતો પ્રિમોન્સૂન પ્લાન આ વર્ષે તો ચોમાસા પૂર્વે જ નિષ્ફળ ગયો છે. મેઘરાજા માવઠા સ્વરૂપે વરસી મહાપાલિકા તંત્રની પરીક્ષા લઇ ગયા છે અને તેમાં તંત્ર નાપાસ થયું છે.


રાજકોટ મહાપાલિકાના ઇસ્ટ ઝોન, વેસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોન સહિતના ત્રણેય ઝોનમાં એક પણ રાજમાર્ગ કે એવો નથી ગઈકાલે ત્યાં પાણી ભરાયા ન હોય ખાસ કરીને વોર્ડ નં.૭માં મોટી ટાંકી ચોક પાસેના ગવલીવાડ, ભીલવાસ અને સદર બજાર સહિતના વિસ્તારોમાં તો ઘરોમાં પાણી ઘુસી ગયા હતા. ગવલીવાડમાં તો મકાનોમાં એટલી હદે પાણી ઘુસી ગયા છે કે બેડ રૂમના બેડ પાણીમાં તરવા લાગ્યા હતા ! રાજકોટમાં તંત્ર જેવું કંઈ છે કે નહીં તેવો સવાલ સામાન્ય નાગરિકોના મનમાં ઉઠવા લાગ્યો છે.


મ્યુનિ.ઇજનેરી વર્તુળોએ પોતાની નિષ્ફળતા ઢાંકતા જણાવ્યું હતું કે વિરાણી હાઈસ્કૂલ વિસ્તાર, યાજ્ઞિક રોડ જાગનાથ સહિતના વિસ્તારોનું વરસાદી પાણી વોંકળામાં થઇને નીચાણવાળા વિસ્તાર એવા ગવલીવાડમાં આવે છે. દર ચોમાસે અહીં પાણી ભરાય જ છે પરંતુ દોઢ ઇંચ વરસાદમાં પાણી ભરાવાનું મુખ્ય કારણ અહીં વોંકળાનું કામ ચાલુ હતું અને તે દરમિયાન માવઠું વરસ્યું તે છે.


પ્રિમોન્સૂન વર્ક રિવ્યુ માટે મેયરે મિટિંગ બોલાવી

રાજકોટમાં ગઈકાલે સર્જાયેલી સ્થિતિ અંગે હવે ચોમાસા પૂર્વે શું તૈયારી છે ? તેવા સવાલના પ્રત્યુત્તરમાં મેયર નયનાબેન પેઢડીયાએ જણાવ્યું હતું કે પ્રિમોન્સૂન પ્લાન હેઠળના કામો કેટલે પહોંચ્યા તેનો રિવ્યુ કરવા મિટિંગ બોલાવી છે, જનરલ બોર્ડ મિટિંગ બાદ આ અંગેની રિવ્યુ મિટિંગ મળશે જેમાં અધિકારીઓ અને ઇજનેરોને ખુલાસા પુછવામાં આવશે. ફાયર બ્રિગેડ સહિત તમામ બ્રાન્ચના અધિકારીઓ અને ઇજનેરોને ઉપરોક્ત મિટિંગમાં ખાસ હાજર રહેવા કડક તાકીદ કરવામાં આવી છે.


ગવલીવાડમાં ખડેપગે રાહતકાર્ય કરતા દેવાંગ માંકડ

ગવલીવાડમાં ઘરોમાં પાણી ઘુસી જતા કોર્પોરેટર દેવાંગ માંકડ સ્થળ ઉપર દોડી ગયા હતા અને મધરાત સુધી સ્થળ ઉપર રહી પાણીનો નિકાલ કરાવ્યો હતો. દેવાંગ માંકડએ જણાવ્યું હતું કે ગવલી વાડમાં વોંકળા ઉપરના પુલનું બાંધકામ ચાલુ છે જેથી જુના પુલનો કન્સ્ટ્રકશન વેસ્ટ, રબ્બીશ્ વિગેરે વોંકળામાં પડ્યું હતું. વરસાદ વેળાએ તોતિંગ વૃક્ષ વોંકળામાં ધરાશાયી થતા પાણીનો નિકાલ બંધ થયો તેથી ઘરોમાં પાણી ફરી વળ્યાં. રાત્રે વોંકળામાં જેસીબી ફેરવી કચરો દૂર કરાવતા પાણીનો નિકાલ થયો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application