જામનગર: શેરમાર્કેટમાં રોકાણના નામે ૨૫.૮૬ લાખની ઠગાઈ કરનાર પકડાયો

  • June 08, 2026 11:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: શેરમાર્કેટમાં રોકાણના નામે ૨૫.૮૬ લાખની ઠગાઈ કરનાર પકડાયો

ઈન્સ્ટાગ્રામ મારફતે વધુ નફાની લાલચ આપી નાગરિક સાથે છેતરપિંડી

જામનગર જિલ્લાના પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમ સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને શોધી કાયદેસરની કાર્યવાહી કરવા માટે સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક જે. એન. ઝાલા તથા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર  આઈ. એ. ધાસુરાના માર્ગદર્શન હેઠળ સાયબર ગુનાઓની તપાસ દરમિયાન મહત્વની સફળતા મળી છે.

જામનગરના એક નાગરિકનો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ મારફતે સંપર્ક કરી સાયબર ઠગોની ગેંગ દ્વારા શેરમાર્કેટમાં રોકાણ કરાવી આપવાની અને ખૂબ ઊંચા નફાની લાલચ આપવામાં આવી હતી. આ લાલચમાં આવી ફરીયાદી પાસેથી વિવિધ બેંક ખાતાઓમાં કુલ રૂ. ૨૫,૮૬,૦૦૦ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી આર્થિક છેતરપિંડી આચરવામાં આવી હતી.

આ બનાવ અંગે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૩૧૬(૫), ૩૧૮(૪), ૩૧૯(૨), ૬૧(૨) તથા ઇન્ફર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ ૬૬(સી) અને ૬૬(ડી) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર  એચ. કે. ઝાલા, એ.એસ.આઈ. ભગીરથસિંહ એ. જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ કે. જાડેજા તથા ચિરાગભાઈ એચ. બસિયાએ ગુનાની ટેક્નિકલ વિગતોનું વિશ્લેષણ કરી તેમજ હ્યુમન સોર્સિસ દ્વારા માહિતી એકત્રિત કરી તપાસ આગળ વધારી હતી.

તપાસ દરમિયાન આ ગુનામાં સંડોવાયેલ ગેંગના એક આરોપી રવી રોશનલાલ વર્ટીચંદજી જાટ (ઉંમર ૨૭ વર્ષ) રહે. સંસેર ગામ, તાલુકો રેલમંગરા, જિલ્લો રાજસમંદ, રાજસ્થાન ને તેના વતન રાજસ્થાનમાંથી શોધી કાઢી ઝડપી પાડવામાં આવ્યો હતો. 

સાયબર ક્રાઈમથી બચવા જામનગર પોલીસની અપીલ:
સાયબર ક્રાઈમ જામનગર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે સોશિયલ મીડિયા પર શેરમાર્કેટ, ક્રિપ્ટો, ઓનલાઈન ટ્રેડિંગ અથવા વધુ નફાની લાલચ આપતી જાહેરાતોથી સાવચેત રહેવું. અજાણી લિંક અથવા એ.પી.કે. ફાઈલ ડાઉનલોડ કરવી નહીં, તેમજ બેંકિંગ, યૂ. પી.આઈ. અને સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ટુ-સ્ટેપ વેરિફિકેશનનો ઉપયોગ કરવો. કોઈપણ વ્યક્તિએ પોતાના બેંક એકાઉન્ટ, ડેબિટ-ક્રેડિટ કાર્ડ, યૂ. પી.આઈ. અથવા ઓ.ટી.પી. સંબંધિત માહિતી અજાણ્યા વ્યક્તિ સાથે શેર કરવી નહીં. જો કોઈપણ પ્રકારની ઓનલાઈન આર્થિક છેતરપિંડીનો ભોગ બન્યા હોવ તો તાત્કાલિક નજીકના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો તેમ અનુરોધ કરાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application