અધિક માસનો ટ્રાફિક-કાળઝાળ ગરમીના સમયે જ દ્વારકામાં પાણી વિતરણમાં ધાંધીયા
૧૨-૧૨ દિવસથી ટેકનીકલ કારણોસર ટેન્કર રાજ: તંત્ર દ્વારા જલ્દી પૂર્વવત થવાની સંભાવના
અધિક માસમાં કૃષ્ણ ભક્તોનો પ્રવાહ અને કાળઝાળ ગરમી ટાણે જ દ્વારકામાં પાણી વિતરણમાં ધાંધીયા,૧૨-૧૨ દિવસથી ટેકનીકલ કારણોસર છતે પાણીએ ટેન્કર રાજ હાલમાં ચાલી રહ્યું છે,જલ્દીથી પૂર્વવત થવાની સંભાવના તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
પવિત્ર યાત્રાધામ અને સમુદ્ર કિનારે વસેલી જગતગુરુની નગરી દ્વારકામાં છેલ્લા ૧૨ દિવસથી પીવાના પાણીનું વિતરણ સંપૂર્ણપણે ઠપ થઈ જતાં સ્થાનિક નગરજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. એક તરફ કાળઝાળ ઉનાળો અને વેકેશનની સીઝનને કારણે દેશ વિદેશમાંથી આવતા શ્રદ્ધાળુઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે, ત્યારે બીજી તરફ નગરમાં સર્જાયેલી પાણીની તીવ્ર અછતે વહીવટી તંત્રની પ્રી-મોન્સૂન અને આયોજન પૂર્વકની કામગીરી સામે મોટા સવાલો ઊભા કર્યા છે.
દ્વારકાના રહેણાંક વિસ્તારોમાં છેલ્લા ૧૨ દિવસથી પાણીનું ટીપું પણ વિતરિત કરવામાં આવ્યું નથી. નિયમિત અંતરાલે મળવું જોઈતું પાણી ન મળતા ગૃહિણીઓ અને સ્થાનિક રહીશોમાં તીવ્ર રોષ જોવા મળી રહ્યો છે.
પાણીની અનિયમિતતાને કારણે નગરજનોને દૈનિક વપરાશ અને પીવાના પાણી માટે દર-દર ભટકવું પડી રહ્યું છે અથવા તો મોંઘા ભાવના પ્રાઇવેટ વોટર ટેન્કરો મંગાવવાની ફરજ પડી રહી છે, જે સામાન્ય પરિવારો માટે આર્થિક બોજ સમાન છે. પ્રવાસીઓની સંખ્યા ચરમસીમાએ છે. હોટેલો, ધર્મશાળાઓ અને અતિથિગૃહોમાં પણ પાણીની અછત વર્તાઈ રહી છે, જેના કારણે સ્થાનિક વેપાર અને યાત્રાધામની છબીને પણ અસર પહોંચી રહી છે.
સ્થાનિક અગ્રણીઓ અને નગરજનો દ્વારા તંત્ર સમક્ષ ઉગ્ર માંગ કરવામાં આવી છે કે પાણી વિતરણ વ્યવસ્થામાં સર્જાયેલી ટેકનિકલ કે વહીવટી ખામીને તાકીદે દૂર કરવામાં આવે અને નગરમાં યુદ્ધના ધોરણે પૂરતું પાણી પૂરું પાડવામાં આવે જેથી ઉનાળાની આ આકરી ગરમીમાં લોકોને રાહત મળી શકે.
દરિયો કિનારે છે, છતાં દ્વારકા ટીપા માટે તરસી - આ પંક્તિ આજે દ્વારકાના દરેક નાગરિકની વાસ્તવિકતા અને વેદના બની ચૂકી છે. અફાટ સમુદ્રની વચ્ચે હોવા છતાં મીઠા અને શુદ્ધ પીવાના પાણી માટે પવિત્ર નગરીના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.