જામનગર: ધ્રોલમાં લાખોના ઘરેણાની ચોરીમાં આરોપી પકડાયો
ચોરાઉ ૪.૫૭ લાખનો મુદામાલ કબ્જે લેતી એલસીબી: કબાટનો લોક રિપેર કરવાના બહાને સરદાજી કળા કરી ગયેલો
ધ્રોલ શહેરમાં એક મકાનમાં કબાટનો લોક રીપેર કરવા આવેલો શખ્સ મહિલા ની નજર ચૂકવીને સોના ચાંદીના ઘરેણાંની ચોરી કરી લઈ ગયો હતો. આ અંગે નોંધાયેલી ફરિયાદના અનુસંધાને એલસીબી પોલીસે તપાસ હાથ ધરીને આરોપીને ધ્રોલ પંથક માંથી ઝડપી લીધો છે અને ચોરાઉ ઘરેણા કબજે કર્યા છે.
જામનગર એસપી ડો. રવિ મોહન સૈનીની સુચનાથી એલ.સી.બી.શાખાના પો.ઇન્સ. વી.બી.ચૌધરી ના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઈ. એમ.વી.ભાટીયા તથા સ્ટાફના માણસો જામનગર ગ્રામ્ય વિસ્તારમાં વાહન ચોરી તથા ઘરફોડ ચોરી ના અનડીટેકટ ગુન્હા શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમા હતા.
આ દરમ્યાન એલ.સી.બી.સ્ટાફના અજયભાઇ, ભયપાલસિંહ, સુમિતભાઇની અલગ અલગ ટીમો બનાવી બનાવ સ્થળની આજુબાજુના સીસીટીવી કેમેરા ચેક કરી ચોરી કરનાર ઇસમના ફુટેજ મેળવી બાતમીદારોથી વેરીફાઇ કરતા હકિકત મળેલ કે, તા.૨૪/૦૪/૨૦૨૬ ના કલાક સવારે ૧૧ વાગ્યા થી કલાક ૧૨ વાગ્યા દરમ્યાન ધ્રોલ ટાઉનમાં પડધરીના નાકામાં વાણીયા ચોક, પાસે આવેલ રહેણાક મકાનમાં ચોરીનો બનાવ બનેલ છે.
આ ગુનામાં ફરીયાદી જાનીબેન ભલાભાઇ ભુડીયા (ઉ.વ.૫૧)એ જાહેર કરેલ છે કે તેમના કબાટની તેજુરીનો લોક ખરાબ થઈ ગયેલ હોય જેથી ફરીયાદીના મકાનની બાજુમાં શેરીમાં લોક રીપેર કરવા માટે એક અજાણ્યા સરદારજી આવેલ હોય જેને પોતાના કબાટની તેજુરીનો લોક રીપેર કરવા બોલાવતા આ અજાણ્યા સદરદારજીએ તેમની પાસેથી ચાવીઓ લઇ કબાટનો લોક રીપેર કરતો હોય તે દરમ્યાન ફરીયાદીને તેલ લેવા જવા કહી ફરીયાદી મહિલાની નજર ચુકવી ફરીયાદીના કબાટની અંદરની તેજુરીમાં રહેલ સોના ચાંદીના દાગીના જેમાં સોનાનો હાર ( કી.૩.૫૦,૦૦૦) ગળામાં પહેરવાનું સોનાનુ પેન્ડલ ( કી.૪૦,૦૦૦ ) , પગ માં પહેરવાના ચાદી ના સાંકળા ( કી.૩૦,૦૦૦ ) હાથમાં પહેરવાનું ચાંદીનુ કંડુ ( કી.રૂ. ૧૬,૦૦૦ ) મળી કુલ રૂ..૪, ૩૬,૦૦૦ની કિંમતના સોના ચાંદીના દાગીનાની ચોરી કરવા આવ્યા હતા.
ચોરીના આ બનાવ અંગે મળેલ સીસીટીવી ફુટેજ આધારે આરોપી નાનકસિંગ ઇંદરસિંગ ચાવલા-સરદારજી (રહે.રાજગઢ ગામ, તા. સરદારપુર, એમ.પી.) વાળો સંડોવાયેલ હોવાની હકિકત મળેલ હતી અને આરોપી હાલ ધ્રોલ ટાઉન લતીપુર રોડ વાગુદળીયા પુલ પાસે મુદામાલ સાથે ઊભો છે. તેવી હકિકતના આધારે તેને પકડી પાડી વધુ કાર્યવાહી માટે ધ્રોલ પોલીસ સ્ટેશનને સોપી આપવામા આવ્યો છે.
એલસીબીના હાથે પકડાયેલ આરોપી નાનકસિંગ ઇંદરસિંગ અભેસિંગ ચાવલા જાતે સરદારજી (ધંધો તાળા ચાવી બનાવવાનો રહે.રાજગઢગામ તીરલાફરી પોલીસ સ્ટેશન-રાજગઢ તાલુકો સરદારપુર જિલ્લો ધાર એમ.પી.) પાસેથી ચોરાઉ ઘરેણા સહિત કુલ .રૂ.૪,૫૭,૦૦૦ ની કિંમત નો મુદામાલ કબજે લેવામાં આવ્યો છે.
આ આરોપી સામે આગાઉ જાવરા પો.સ્ટે. રતલામ સીટી એમ.પી., મેઇનગોન પો.સ્ટે. ખરગોન જીલ્લો એમ.પી. અને કાલીદેવી પો.સ્ટે. જીલ્લો જાંબવા એમ.પી.માં ત્રણ ગુના નોંધાયા છે.