જામનગરમાં ભેળસેળિયા બેફામ, દૂધમાં કીડીઓ નીકળી, ૮૦ લીટરનો નાશ

  • October 10, 2026 11:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં ભેળસેળિયા બેફામ, દૂધમાં કીડીઓ નીકળી, ૮૦ લીટરનો નાશ 

જનઆરોગ્ય સાથે રમત: વહેલી સવારે ૪૫ દિગ્વિજય પ્લોટ અને આજુબાજુના વિસ્તારમાં ડેરીઓમાં દૂધ સપ્લાય કરતા વાહનચાલકો પર મનપાની ફુડ શાખાનો દરોડો

દૂધના ૧૦ નમૂના લેબોરેટરીમાં મોકલાયા:૫૧ નમૂનાની ફુડ સેફટી ઓન વ્હીલમાં સ્થળ તપાસ: દૂધના ઘંધાર્થી અને વિક્રેતાઓમાં દોડધામ 

જામનગરમાં ભેળસેળિયા તત્વો બેફામ બની જનઆરોગ્ય સાથે ખીલવાડ કરી રહ્યા છે. આ તત્વોને ડામવા મનપાનું તંત્ર વામણું પુરવાર થઇ રહ્યું છે. ત્યારે આજે વહેલી સવારે મનપાની ફુડ શાખાએ ૪૫ દિગ્વિજય પ્લોટ અને આજુબાજુના વિસ્તારમાં ડેરીઓમાં દૂધ સપ્લાય કરતા વાહનચાલકો પર દરોડો પાડયો હતો. આ કામગીરી દરમ્યાન દૂધના બે કેનમાં કીડી તરતી હોય ૮૦ લીટરનો સ્થળ પર નાશ કરાયો હતો. જયારે દૂધના ૧૦ નમૂના લેબોરેટરીમાં મોકલાયા છે. જયારે ૫૧ નમૂનાની ફુડ સેફટી ઓન વ્હીલમાં સ્થળ તપાસ કરવામાં આવી હતી. આ કાર્યવાહથી દૂધના ધંધાર્થીઓ અને વિક્રેતાઓમાં ભારે દોડધામ મચી ગઇ છે. 

જામનગરમાં ખાઘપદાર્થોમાં મીલાવટે માઝા મૂકી છે. જેના કારણે જનઓરગ્ય પર ગંભીર ખતરો ઝંળુબી રહ્યો છે. આટલું જ નહીં ભેળસેળયુકત ખોરાક અનેક બિમારીઓને આમંત્રણ આપી રહ્યો છે. શહેરમાં મનપાની ફુડ શાખાની કાર્યવાહીમાં છાશવારે બિનઆરોગ્યપ્રદ ખોરાક તથા અન્ય ખાઘ વસ્તુઓ મળી આવતા સ્થળ પર નાશ કરવામાં આવે છે. જયારે ખાઘપદાર્થના નમૂના ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવે છે. પરંતુ આ નમૂનાનો રિપોર્ટ આવે તે પૂર્વે મોટી સંખ્યામાં ખાઘપદાર્થના જથ્થાનું વેંચાણ થઇ ચૂકયું હોય લોકો આરોગી ચૂકયા હોય છે. આથી નમૂનાના રિપોર્ટ ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા જેવો પુરવાર થઇ રહ્યા છે. 

તાજેતરમાં કાલાવડ પંથકમાં મોટી સંખ્યામાં ભેળસેળયુકત દૂધનું કૌંભાડ ઝડપાયું હતું. જામનગર શહેરમાં પણ સફેદ દૂધનો કાળો કારોબાર ચાલી રહ્યાનું સૂત્રોએ જણાવ્યું છે. આ સ્થિતિમાં  જામનગર શહેરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા માટે મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા આજે વહેલી સવારે ૪૫-દિગ્વિજય પ્લોટ તથા આજુબાજુના વિસ્તારોમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું,  ફૂડ શાખાના અધિકારી નિલેશ પી. જાસોલીયા અને ટીમે ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ મોબાઈલ વાનની મદદથી દૂધના ૫૧ નમૂનાની પ્રાથમિક ચકાસણી કરવામાં આવી હતી. તેમાંથી ૧૦ નમૂના વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા, જ્યારે તપાસ દરમ્યાન દૂધના બે કેનમાં કીડીઓ તરતી હોય શંકાસ્પદ જણાતો ૮૦ લીટર દૂધનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા હાથ ધરવામાં આવેલી આ કામગીરીનો હેતુ નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાસભર ખાદ્ય પદાર્થો મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે. દૂધ સહિતના ખાદ્ય પદાર્થોમાં ભેળસેળની આશંકાને પગલે તંત્ર દ્વારા ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવી હતી. લેબોરેટરીના અહેવાલના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application