જામનગરમાં બેેંક કર્મીઓના દેખાવ, સપ્તાહમાં પાંચ દિવસ કામગીરીની માંગ

  • August 13, 2026 05:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં બેેંક કર્મીઓના દેખાવ, સપ્તાહમાં પાંચ દિવસ કામગીરીની માંગ

યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયનના માર્ગદર્શન હેઠળ સૂત્રોચ્ચાર કર્યા 

બે વર્ષથી પ્રશ્ર્ન અઘ્ધરતાલ, આગામી દીવસોમાં ઉગ્ર આંદોલનની ચિમકી

બેંકોમાં સપ્તાહમાં પાંચ દીવસ કામગીરીની માંગ સાથે જામનગરમાં યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયનના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારીઓએ સૂત્રોચ્ચાર અને દેખાવ કર્યા હતાં. બે વર્ષથી આ પ્રશ્ર્ન અઘ્ધરતાલ હોય આગામી દીવસોમાં ઉગ્ર આંદોલનની ચિમકી કર્મચારીઓએ ઉચ્ચારી છે. 

જામનગરમાં ગઇકાલે સાંજે લીમડાલાઇન વિસ્તારમાં આવેલી યુકો બેંકની શાખા પાસે યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયનના નેજા હેઠળ રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓએ બેંકોમાં પાંચ દીવસ બેંકીંગની માંગ સાથે સૂત્રોચ્ચાર અને દેખાવ કર્યા હતાં. આ તકે યુનિયનના હોદેદારો અને બેંક કર્મચારીઓએ જણાવ્યું હતું કે, અગાઉ બેંકો સોમવારથી શુક્રવાર સુધી આખો દિવસ અને તમામ શનિવારે અડધો દિવસ કામ કરતી હતી. ૨૦૧૫ માં, સરકાર અને ઇન્ડિયન બેંક્સ એસોસિએશન સંમત થયા અને બીજા અને ચોથા શનિવારને રજા તરીકે જાહેર કર્યા, તથા બાકીના તમામ શનિવાર આખા કામકાજના દિવસો બનાવવામાં આવ્યા. ડિજિટલ બેંકિંગને કારણે શાખાઓમાં ગ્રાહકોની અવરજવર ઘટી હોવાથી આ બાબતે સંમતિ સાધવામાં આવી હતી. યોગ્ય સમયે બાકીના શનિવારોને પણ રજા જાહેર કરવા અંગે વિચારણા કરવાની પણ સંમતિ બની હતી. માર્ચ, ૨૦૨૪ માં વેતન સુધારણા કરાર દરમિયાન, ઈંઇઅ એ સંમતિ આપી હતી કે ગ્રાહકો માટે બેંકિંગ કામકાજનો સમય દરરોજ ૪૦ મિનિટ વધારવામાં આવશે અને તેના બદલે બાકીના શનિવારોને બેંક રજા તરીકે જાહેર કરવામાં આવશે. આ રીતે, કુલ બેંકિંગ કામકાજના કલાકો જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું. મંજૂરી માટે નાણાં મંત્રાલયને યોગ્ય રીતે આની ભલામણ કરવામાં આવી હતી. છેલ્લા ૨ વર્ષથી વધુ સમયથી આ મુદ્દો સરકારની મંજૂરી માટે પેન્ડિંગ છે.

તમામ પ્રયાસો નિષ્ફળ ગયા પછી, યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સે આ મુદે ૨૭ જાન્યુઆરીના બેંક હડતાલ પાડી હતી. પરંતુ  આ મુદ્દો હજુ પણ સરકાર પાસે પેન્ડિંગ છે. સ્ટાફની ભારે અછત અને કામના બોજમાં વધારાને કારણે બેંક કર્મચારીઓ અને અધિકારીઓ શાખાઓમાં  તણાવ હેઠળ કામ કરી રહ્યા છે.અઅધિકારીઓને શનિવાર અને રવિવારે પણ કામ પર આવવા માટે કહેવામાં આવે છે. સમગ્ર દેશમાં બેંક કર્મચારીઓ અને અધિકારીઓએ બેંકોમાં અઠવાડિયામાં ૫ દિવસ બેંકિંગ લાગુ કરવાની માંગ સાથે બુધવારે દેખાવો કર્યા હતા. જો સરકાર આ વ્યાજબી માંગણીને નજરઅંદાજ કરવાનું ચાલુ રાખશે, તો યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ દ્વારા વિરોધ કાર્યક્રમોને વધુ ઉગ્ર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application