જામનગર: પૂરના પાણીમાંથી બચાવાયેલી માદા હાથી જોયમોતીને હોસ્પિટલમાં સવિશેષ સારવાર માટે એરલિફ્ટ કરીને વનતારા લાવવામાં આવી

  • August 24, 2026 01:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: પૂરના પાણીમાંથી બચાવાયેલી માદા હાથી જોયમોતીને હોસ્પિટલમાં સવિશેષ સારવાર માટે એરલિફ્ટ કરીને વનતારા લાવવામાં આવી

આસામમાં પૂરના પાણીમાંથી બચાવાયેલી ૫૩ વર્ષીય માદા હાથીને અનેકવિધ ગંભીર અને જૂની ઈજાઓની ખાસ સારવાર અપાશે

ગત જુલાઈ મહિનામાં નાગાલેન્ડ અને આસામમાં આવેલા વિનાશક પૂરમાંથી બચાવાયેલી ૫૩ વર્ષીય માદા હાથી જોયમોતીને તાત્કાલિક અને વિશિષ્ટ પશુચિકિત્સા સારવાર અર્થે એરલિફ્ટ કરીને વનતારા, જામનગર ખાતે લાવવામાં આવી રહી છે.

જુલાઈના બીજા સપ્તાહ દરમિયાન નાગાલેન્ડમાં જોયમોતી પૂરના તીવ્ર વહેણમાં તણાઈ ગઈ હતી અને ત્યારબાદ સરકારી એજન્સીઓની મદદથી સ્થાનિક સમુદાયો દ્વારા તેને બચાવાઈ હતી. આ દુર્ઘટના દરમિયાન તેને અનેક ઈજાઓ પહોંચી હતી, જેમાં તેના કપાળ, જમણા કાન, પૂંછડીની ઉપરના ભાગ, ડાબી જાંઘ અને પેટના ભાગે ઘા લાગ્યા હતા. આ ઉપરાંત તેના બાહ્ય જનનાંગોની આસપાસ જીવાત પડી ગઈ હોય તેવો એક ઊંડો ઘા થયો હતો. તેની જમણી આંખ ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થઈ છે, જેના કારણે તેને અંધાપો આવી ગયો છે અને તેમાંથી સતત પાણી વહ્યા કરે છે. લાકડાં ખસેડવાના કામ (લોગિંગ) દરમિયાન થયેલા અસ્થિભંગને (ફ્રેક્ચર) કારણે તેનો ડાબો પાછલો પગ લંગડાય છે, જે તેની સામાન્ય રીતે ચાલવાની તથા ખોરાક અને પાણી મેળવવાની ક્ષમતાને અસર કરે છે.

આ બચાવકાર્ય પછી, જોયમોતીને સ્થાનિક સ્તરે પ્રાથમિક સારવાર અને પશુચિકિત્સા સંભાળ પૂરી પડાઈ હતી, જેમાં ઘા પર પટ્ટી બાંધવી, દર્દશામક દવાઓ, મલ્ટિવિટામિન અને મિનરલ સપ્લિમેન્ટ્સ તેમજ સહાયક સારવારનો સમાવેશ થતો હતો. જોકે, ઈજાઓની ગંભીરતા અને તેના શરીર પર વિવિધ સ્થળોએ થયેલા ઘા, તેની વધતી ઉંમર અને હલનચલનમાં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને, તેને તાત્કાલિક વિશેષ હોસ્પિટલના વાતાવરણમાં સારવાર આપવી અત્યંત જરૂરી છે.

જોયમોતીને વનતારા ખાતે લાવવાનો હેતુ માત્ર અને માત્ર તેને તાત્કાલિક અને વિશિષ્ટ પશુચિકિત્સા પૂરી પાડવાનો છે. તેને એરલિફ્ટ કરવાનો નિર્ણય તેના કલ્યાણ અને તબીબી જ‚રિયાતોને કેન્દ્રમાં રાખીને લેવામાં આવ્યો છે, જેથી તે જમીન માર્ગના પરિવહનના સમય અને શારીરિક શ્રમને ન્યૂનતમ કરીને હાથીઓ માટેની વિશિષ્ટ હોસ્પિટલ સુધી ઝડપથી પહોંચી શકે. વનતારા પહોંચ્યા પછી, જોયમોતીનું વ્યાપક તબીબી પરીક્ષણ કરાશે અને તેની ઈજાઓ તથા આંખની સ્થિતિ માટે વિશિષ્ટ સારવાર આપવા સાથે જરૂરિયાત મુજબ પોષણયુક્ત અને સહાયક સંભાળ પૂરી પડાશે.

હવાઈ પરિવહન દરમિયાન કલ્યાણના ઉચ્ચતમ ધોરણોની સુનિશ્ચિતતા: તીવ્ર હોસ્પિટલ સંભાળના ભાગ‚પે કોઈ હાથિણને વિમાન મારફતે લઈ જવી એ ભારતમાં આ પ્રકારનો પ્રથમ પ્રયોગ છે, જેના માટે વ્યાપક પશુચિકિત્સા, પ્રાણી સંભાળ અને લોજિસ્ટિકલ તૈયારીઓની જરૂર પડે છે. જોયમોતીની આ સફરનું તેની આરોગ્ય વિષયક સ્થિતિ, આરામ અને સુરક્ષાને દરેક તબક્કે ધ્યાનમાં રાખીને આયોજન કરી તેનો અમલ કરાઈ રહ્યો છેજેમાં મુસાફરી પહેલાંના તબીબી પરીક્ષણ અને તૈયારીથી લઈને વિમાનમાં તેને ચઢાવવા, ફ્લાઇટ દરમિયાન દેખરેખ રાખવા અને હોસ્પિટલ ખાતેના આગમન સુધીની તમામ બાબતોનો સમાવેશ થાય છે.

તાત્કાલિક તબીબી સારવારની જ‚રિયાત ધરાવતા પ્રાણીઓ માટે લાંબા અંતરની સફરનો સમય હવાઈ પરિવહન દ્વારા નોંધપાત્ર રીતે ઘટી શકે છે. ગંભીર ઈજાઓ, ક્રોનિક (જૂની/ગંભીર) સ્વાસ્થ્ય સમસ્યાઓ અથવા હલનચલનની મુશ્કેલીઓ ધરાવતા હાથીઓ માટે મુસાફરીનો સમય ઘટાડવો અને જમીન માર્ગની લાંબી મુસાફરી ટાળવી એ તેમના કલ્યાણના રક્ષણ માટે એક મહત્વપૂર્ણ પાસું બની રહે છે.

જોયમોતીની વાર્તા દર્શાવે છે કે વન્યજીવ ઈમરજન્સીના વિસ્તારોની નજીક વિશિષ્ટ પશુચિકિત્સા સુવિધાઓ હોવી કેટલી જરૂરી છે, જોયમોતીનો આ કિસ્સો એ બાબતના મહત્વ પર પણ પ્રકાશ પાડે છે કે જ્યાં પૂર, માનવ-વન્યજીવ સંઘર્ષ અને અન્ય સ્વાસ્થ્ય ઈમરજન્સીથી હાથીઓ પ્રભાવિત થાય છે તેવા વિસ્તારોની નજીક જ હાથીઓ માટેની વિશિષ્ટ પશુચિકિત્સા સંભાળ સુવિધાઓ હોવી જોઈએ.

વનતારાએ વન્યજીવ કટોકટી પશુચિકિત્સા સંભાળની સ્થાનિક ક્ષમતાને મજબૂત કરવા માટે આસામમાં ત્રણ વન્યજીવ પશુચિકિત્સા સંભાળ કેન્દ્રો સ્થાપવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જેમાં હાથીઓ માટેના એક સમર્પિત કેન્દ્રનો પણ સમાવેશ થાય છે. આ પ્રસ્તાવિત કેન્દ્રોમાં પ્રજાતિ-વિશિષ્ટ સુવિધાઓ અને પશુચિકિત્સા સહાયનો સમાવેશ થશે, જેથી જ‚રિયાતમંદ પ્રાણીઓને ઈમરજન્સીના સ્થળની નજીક જ સમયસર અને યોગ્ય સારવાર મળી રહે. આ કેન્દ્રોનું સંચાલન આસામ વન વિભાગ દ્વારા સંપૂર્ણપણે સ્વતંત્ર રીતે કરવામાં આવશે.

આ પ્રસ્તાવનો મુખ્ય હેતુ સ્થાનિક ક્ષમતાને સુદૃઢ બનાવવાનો છે જેથી આસામના હાથીઓ અને અન્ય વન્યજીવોને તેમના વતન નજીક જ ઉચ્ચ ગુણવત્તાયુક્ત સંભાળ મળી રહે, અને જ્યારે પણ વિશિષ્ટ સારવારની જરૂર પડે ત્યારે લાંબા અંતરના પરિવહનની જ‚રિયાત ટાળી શકાય. જોયમોતીની વનતારા સુધીની સફર એ કોઈ કાયમી સ્થાનાંતરણ નથી, પરંતુ તેને હાલમાં જરૂરી એવી વિશિષ્ટ જીવનરક્ષક સારવાર પૂરી પાડવાના હેતુથી કરવામાં આવેલું એક તાત્કાલિક મેડિકલ ટ્રાન્સફર છે. તેનો કિસ્સો સ્થાનિક પશુચિકિત્સા ક્ષમતાઓને મજબૂત કરવાની જ‚રિયાતને રેખાંકિત કરે છે, સાથે સાથે એ પણ સુનિશ્ચિત કરે છે કે અદ્યતન સારવારની જ‚રિયાત ધરાવતા પ્રાણીઓ વિલંબ વિના અને સુરક્ષિત રીતે સારવાર મેળવી શકે. વનતારા ખાતે, પ્રારંભિક પ્રાથમિકતા જોયમોતીને જ‚રી વિશિષ્ટ સારવાર પૂરી પાડવાની અને તેને સાજા થવાની તથા સ્વસ્થ, સુરક્ષિત અને સન્માનજનક જીવન જીવવાની શ્રેષ્ઠ તક આપવાની છે.
​​​​​​​
વનતારા વિશે: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત અંબાણી દ્વારા સ્થાપિત વનતારા એ એક પ્રાણી કલ્યાણ અને સંરક્ષણ સંસ્થા છે.

તેના એક્સ સિટુ (કુદરતી નિવાસસ્થાન બહાર સંભાળ) કાર્યક્રમોમાં અદ્યતન પશુચિકિત્સા વિજ્ઞાન, પ્રજાતિ-વિશિષ્ટ પોષણ, વિશિષ્ટ આંતરમાળખું અને બહુવિધ વિષયોની નિષ્ણાત ટીમોના સહયોગથી બચાવ, પુનર્વસન, સારવાર અને લાંબા ગાળાની પ્રાણી સંભાળ (જ્યાં જરૂર હોય ત્યાં) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, યોગ્ય કુદરતી નિવાસસ્થાનમાં પ્રાણીઓની પુન:સ્થાપના (રીવાઇલ્ડિંગ) મારફતે ભવિષ્યમાં સક્ષમ વસ્તીને ટેકો આપવા માટે સંરક્ષણ સંવર્ધન કાર્યક્રમો પણ હાથ ધરવામાં આવે છે.

તેના ઇન સિટુ (કુદરતી નિવાસસ્થાનમાં જ સંરક્ષણ) કાર્યક્રમો ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તરે સરકારી સત્તામંડળો, સંરક્ષણ સંસ્થાઓ અને અન્ય ભાગીદારોના નેતૃત્વ હેઠળ દેશી પ્રજાતિઓનો પુનરુદ્ધાર, નિવાસસ્થાનનો પુનરુદ્ધાર અને માનવ-વન્યજીવ સંઘર્ષ ઘટાડવાના પ્રયાસોને સમર્થન આપે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application