જામનગરમાં કાળા કાચવાળી કાર સામે પોલીસની તવાઈ, સીસીટીવીની મદદથી વાહનચાલક ઝડપાયો

  • August 18, 2026 10:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરમાં કાળા કાચવાળી કાર સામે પોલીસની તવાઈ, સીસીટીવીની મદદથી વાહનચાલક ઝડપાયો


ગોકુલ નગર જકાત નાકા પાસે સીસીટીવીમાં કાર જોવા મળતા જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર સીસીટીવી સર્વેલન્સથી કાર ઝડપી, કાળા કાચ દૂર કરાવી કરી દંડનીય કાર્યવાહી


જામનગર જિલ્લામાં તાજેતરમાં યોજાયેલી પોલીસ ક્રાઇમ કોન્ફરન્સમાં કાળા કાચ કે ડાર્ક ફિલ્મ લગાવેલી કાર સામે કડક કાર્યવાહી કરવા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. પોલીસ અધિકારીઓની સૂચનાના અનુસંધાને જામનગર શહેર અને જિલ્લામાં હવે સીસીટીવી કેમેરાની મદદથી કાળા કાચવાળા વાહનો પર બાજ નજર રાખી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.


રાજકોટ રેન્જ ના આઈ.જી. નિર્લીપ્ત રાય સર જામનગર જિલ્લા પોલીસ વડા ડૉ. રવી મોહન સૈની સર તથા પોલીસ હેડક્વાર્ટર્સના ડીવાયએસપી વી.કે. પંડ્યા સર ની સૂચના મુજબ પોલીસ વિભાગની સીસીટીવી સર્વેલન્સ ટીમ (નેત્રમ)ને કાળા કાચવાળા વાહનો સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.જે અનુસંધાને આજે જામનગરના વિવિધ ધોરીમાર્ગ પર અલગ અલગ વાહનો પર સીસીટીવી કેમેરા મારફતે નજર રાખવામાં આવી રહી હતી. દરમિયાન એક કારના કાચ પર ડાર્ક ફિલ્મ લગાવેલી હોવાનું સીસીટીવી સર્વેલન્સમાં ધ્યાને આવ્યું હતું. કારનો નંબર જી.જે.-૧૦-ડી.એન.-૫૧૧૨ હોવાનું ઓળખાયા બાદ પોલીસની વિવિધ એપ્લિકેશન અને સર્વેલન્સની મદદથી કારના ચાલક તથા માલિકની વિગતો મેળવી તેમને બોલાવવામાં આવ્યા હતા.


પોલીસે કારના કાચ પર લગાવેલી કાળી ફિલ્મ તાત્કાલિક દૂર કરાવી હતી તેમજ વાહનચાલક સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.


પોલીસની સીસીટીવી સર્વેલન્સ (નેત્રમ) ટીમના પીએસઆઈ બી.બી. સિંગલ  તથા તેમની ટીમ દ્વારા તથા ટ્રાફિક શાખા પો.ઇન્સ. એસ. વી. ચૌધરી તથા ટ્રાફિક શાખા સ્ટાફ દ્વારા સંયુક્ત કામગીરી હાથ ધરીને જામનગર શહેર અને જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં ડાર્ક ફિલ્મ અથવા કાળા કાચ લગાવીને ફરતા વાહનો સામે વિશેષ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. સીસીટીવી કેમેરાની મદદથી આવા વાહનોની ઓળખ કરી સ્થળ પર અથવા પોલીસ સ્ટેશન ખાતે બોલાવી તપાસ અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

​​​​​​​ડાર્ક ફિલ્મ લગાવીને નીકળનારા કારચાલકો પર હવે પોલીસની ત્રીજી આંખ સતર્ક:

ડાર્ક ફિલ્મ લગાવીને રસ્તા પર નીકળનારા કારચાલકોએ હવે પોલીસની ત્રીજી આંખ સમાન સીસીટીવી સર્વેલન્સથી ચેતીને રહેવું પડશે. શહેર અને જિલ્લાના માર્ગો પર પોલીસની નજરથી કાળા કાચવાળી કાર બચી શકશે નહીં અને નિયમભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application