ખંભાળિયા: ભાણવડ પંથકમાં ખેતીની જમીન મામલે બે પરિવાર વચ્ચે સશસ્ત્ર અથડામણ

  • May 30, 2026 05:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા: ભાણવડ પંથકમાં ખેતીની જમીન મામલે બે પરિવાર વચ્ચે સશસ્ત્ર અથડામણ

સામ સામે લોખંડના પાઈપ, કુહાડી, ધોકા તેમજ પથ્થર વડે હુમલો 

બંને પક્ષે મહિલાઓ સહિત ૧૧ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ 

ભાણવડના કૃષ્ણગઢ ગામે ખેતીની જમીન મામલે બે પરિવાર વચ્ચે અથડામણ થતા ભારે ચકચાર જાગી છે. બનાવ અંગે સામસામી ફરિયાદ નોંધાતા પોલીસે મહીલા સહીત ૧૧ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

ભાણવડ તાલુકાના કૃષ્ણગઢ ગામની સીમમાં રહેતા ભીખાભાઈ મેરામણભાઈ કરંગીયા નામના ૫૨ વર્ષના આધેડને તેમના ભાઈ ખીમાભાઈ મેરામણભાઈ કરંગીયાએ પોતાના ભાગમાં જમીન ઓછી આવતા અઢી વીઘા જમીન તેણે ફરિયાદી ભીખાભાઈને આપવાનું કહ્યું હતું. પરંતુ ભીખાભાઈએ ના કહેતા આનાથી ઉશ્કેરાઈને આરોપી ખીમાભાઈ તથા પ્રવીણભાઈ ભીમાભાઈ કરંગીયા, દિનેશ ભીમાભાઈ, પિયુષ ખીમાભાઈ, રોનક દિનેશભાઈ, નિલેશ દિનેશભાઈ, શોભનાબેન પ્રવીણભાઈ અને નીતાબેન દિનેશભાઈ કરંગીયા નામના આઠ આરોપીઓએ ગેરકાયદેસર રીતે મંડળી રચી અને લોખંડના પાઈપ, કુહાડી, ધોકા તેમજ પથ્થર વડે હુમલો કર્યો હતો.

આ બઘડાટીમાં ફરિયાદી ભીખાભાઈ કરંગીયા તેમજ તેમના પરિવારના જાનાબેન વિગેરેને પણ ઈજાઓ થવા પામી હતી આમ, તમામ આઠ આરોપીઓએ જમીન બાબતે બિભત્સ ગાળો કાઢી, બેફામ માર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ભાણવડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. સામા પક્ષે કૃષ્ણગઢ ગામના વાડી વિસ્તારમાં રહેતા ખીમાભાઈ મેરામણભાઈ કરંગીયા (ઉ.વ. ૬૫) એ ભીખાભાઈ મેરામણભાઈ કરંગીયા, જાનાબેન ભીખાભાઈ અને હરેશ ભીખાભાઈ કરંગીયા સામે ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં જણાવાયા મુજબ ફરિયાદી ખીમાભાઈ તથા તેના ભાઈ ભીખાભાઈની જમીનનું પ્રમોલોગેશન થતા આરોપી ભીખાભાઈની બે વીઘા જમીન ફરિયાદી ખીમાભાઈની જમીનમાં નીકળે છે, તેમ કહી ફરિયાદી ખીમાભાઈ સાથે બોલાચાલી કરી હતી.
​​​​​​​
આ બનાવમાં આરોપીઓએ લાકડી તથા ધારીયા વડે હુમલો કરી, બેફામ માર માર્યાની તથા બિભત્સ ગાળો ભાંડી, જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું આ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ સમગ્ર પ્રકરણમાં ભાણવડ પોલીસે બી.એન.એસ. તથા જી.પી. એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application