જામનગર: ખાવડીથી રાજસ્થાન જતા પેટ્રોલમાં ભેળસેળ કર્યાની બે ટેન્કરચાલક સામે ફરીયાદ

  • October 09, 2026 12:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: ખાવડીથી રાજસ્થાન જતા પેટ્રોલમાં ભેળસેળ કર્યાની બે ટેન્કરચાલક સામે ફરીયાદ

પરિવહન દરમ્યાન કેમિકલ ભેળવી આર્થિક લાભ મેળવ્યાનો આક્ષેપ : મેઘપર પોલીસ દ્વારા તપાસ

ખાવડી સ્થીત કંપની દ્વારા પેટ્રોલ-ડીઝલના પરિવહન માટે ટેન્કરો રાખવા કોન્ટ્રાકટ આપ્યો હોય ટ્રાન્સપોર્ટના બે ટેન્કર મારફત ઇંધણનો જથ્થો રાજસ્થાનના મંડાર ખાતે મોકલવામાં આવ્યો હતો, પરિવહન દરમ્યાન પેટ્રોલમાં કેમિકલ ભેળસેળ કર્યાનો મામલો સામે આવતા બે ટેન્કર ચાલક સામે ટ્રાન્સપોર્ટવાળા સાથે વિશ્ર્વાસઘાત કર્યાની ફરીયાદ કરવામાં આવતા મેઘપર પડાણા પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.

જામનગરના રામેશ્ર્વરનગર માટેલ ચોક ખાતે રહેતા કર્મચારી રાજેશ સુરેશભાઇ મકવાણા દ્વારા ગઇકાલે મેઘપર પડાણા પોલીસમાં રાજસ્થાનના બાડમેર જીલ્લાના કોટરા ગામના વતની દાવદખાન સુજાખાન તથા બાડમેર જીલ્લાના કેરલીનાડી મીઠીબેરીના વતની કમરૂદીન હાજીખાન અને તપાસમાં જે ખુલે તેની સામે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૩૧૬(૩) તથા આવશ્યક ચિજવસ્તુ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આ અંગેની વિગત અનુસાર ફરીયાદીના દેખરેખ હેઠળના અગ્રવાલ રોડલાઇન્સ પ્રા. લી. નામના ટ્રાન્સપોર્ટને રિલાયન્સ કંપની દ્વારા મોટી ખાવડી ખાતેથી જીયોબીપી ડેપો મંડાર (રાજસ્થાન) ખાતે પેટ્રોલ, ડીઝલ પરિવહન માટે ટેન્કરો રાખવા અંગે કોન્ટ્રાક આપવામાં આવેલ હોય જે કોન્ટ્રાકમાં ટ્રાન્સપોર્ટના બે ટેન્કરો જીજે૧૨સીટી-૧૪૯૨ તથા જીજે૧૨સીટી-૧૩૦૭માં જામનગર કંપની ખાતેથી પેટ્રોલનો જથ્થો ભરી તે જથ્થો જે તે સ્થીતીમાં પ્રથમ જીયો બીપી ડેપો મંડાર ખાતે અને ત્યાંથી જે તે પેટ્રોલ પમ્પ ખાતે જે તે સ્થીતીમાં પહોચાડવા વિશ્ર્વાસ અને ભરોસાથી આરોપીઓને મોકલેલ હતા.

તે પેટ્રોલમાં અન્ય ઇસમો સાથે મળી બંને શખ્સોએ કેમિકલ નાખી ભેળસેળવાળુ પેટ્રોલ જે તે પેટ્રોલ પમ્પ ખાતે પહોચાડી પેટ્રોલનો જથ્થો જે મુળભુત સ્થીતીમાં નહીં પહોચાડી તેના બદલામાં આર્થિક લાભ મેળવી ફરીયાદીના દેખરેખના ટ્રાન્સપોર્ટ સાથે વિશ્ર્વાસઘાત કર્યો હતો. આ ફરીયાદના આધારે મેઘપરના પીઆઇ એ.એલ. બારસીયા તપાસ ચલાવી રહયા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application