જામનગરમાં લાંચ કેસમાં જિલ્લા સહકારી મંડળીના ઓડિટરની જામીન અરજી નામંજૂર

  • October 05, 2026 12:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં લાંચ કેસમાં જિલ્લા સહકારી મંડળીના ઓડિટરની જામીન અરજી નામંજૂર

જીલ્લા સરકારી વકીલની દલીલો ગ્રાહ રાખી : સેશન્સ અદાલતે ચાર્જશીટ બાદની અરજી ફગાવી

જામનગરમાં જિલ્લા સહકારી મંડળીના અધિકારીને સંડોવતા એ.સી.બી.ના રૂ.૧૪ હજારની લાંચના ચકચારી કેસમાં આરોપી મહેન્દ્રસિંહ નવલસિંહ જેઠવાની ચાર્જશીટ બાદની નિયમિત જામીન અરજી જામનગરની સેશન્સ અદાલતે નામંજૂર કરી છે.

આ કેસની વિગત મુજબ, જામનગરના એક વ્યક્તિએ પોતાનું નાણાં ધીરધારનું (ફાયનાન્સ) લાયસન્સ રીન્યુ કરાવવા જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળી, જામનગર ખાતે અરજી કરી હતી. લાયસન્સ રીન્યુ કરી આપવા માટે આરોપીઓ મહેન્દ્રસિંહ નવલસિંહ જેઠવા તથા દિગ્વિજયગીરી ઉર્ફે દીપકભાઈ ભૂપતગીરી ગોસાઈ વતી આરોપી નિલેશભાઈ જગદીશચંદ્ર છાપિયાએ ફરિયાદી પાસે રૂ.૧૪,૦૦૦ની લાંચની માંગણી કરી હોવાનો આક્ષેપ છે.

ફરિયાદી આરોપીઓની કચેરીએ મળવા જતા દિગ્વિજયગીરી ઉર્ફે દીપકભાઈ ગોસાઈએ લાંચની રકમ નિલેશભાઈ છાપિયાને આપી દેવા જણાવ્યું હતું. ત્યારબાદ એ.સી.બી. દ્વારા ગોઠવાયેલા લાંચના છટકામાં નિલેશભાઈ છાપિયાએ હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ ગૂગલ પે મારફતે પોતાના ખાતામાં મોકલી આપવા જણાવ્યું હતું. ફરિયાદીએ રૂ.૧૪,૦૦૦ ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. રકમ મળી ગયાની મોબાઈલ ફોન પર પુષ્ટિ કરવામાં આવી હતી અને સહઆરોપીઓને પણ લાયસન્સ રીન્યુ કરવાના અવેજ પેટે લાંચની રકમ મળી ગયાની જાણ કરાઈ હતી. આ મામલે તા.૨૯ જુલાઈ, ૨૦૨૬ના રોજ ફરિયાદ નોંધાતા ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ આરોપી મહેન્દ્રસિંહ નવલસિંહ જેઠવાએ જામીન પર મુક્ત થવા માટે જામનગરની સેશન્સ અદાલતમાં અરજી કરી હતી.
​​​​​​​
જામીન અરજીની સુનાવણી દરમિયાન જિલ્લા સરકારી વકીલએ અદાલત સમક્ષ રજૂઆત કરી હતી કે આરોપી સામે પ્રથમદર્શનીય કેસ બને છે. આરોપીએ ફરિયાદી પાસે લાંચની રકમની માંગણી કરી તે સહઆરોપીને આપી દેવા જણાવ્યું હોવાની વાતચીતની વિગત પંચનામામાં નોંધાયેલી છે. સરકારી વકીલે વધુમાં રજૂઆત કરી હતી કે આરોપીને લાંચના છટકાની જાણ થતાં તે નાસી ગયો હતો અને પાંચ દિવસ બાદ ગુનાના કામે રજૂ થયો હતો. જો આરોપીને જામીન પર મુક્ત કરવામાં આવે તો તે સાક્ષીઓને લોભ-લાલચ કે ધાકધમકી આપી સાક્ષી આપતા રોકે તેવી સંભાવના છે, જેના કારણે કેસના તટસ્થ સાક્ષીઓ પોતાના નિવેદનો આપી ન શકે અને કેસને નુકસાન થવાની શક્યતા છે.

બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ જામનગરની સેશન્સ અદાલતે જિલ્લા સરકારી વકીલ જમન કે. ભંડેરીની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી મહેન્દ્રસિંહ જેઠવાની ચાર્જશીટ બાદની નિયમિત જામીન અરજી નામંજૂર કરવાનો હુકમ કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application