જામનગર જિલ્લા કલેક્ટર પી.બી.પંડ્યાના અધ્યક્ષસ્થાને યોજાયેલ ‘જિલ્લા સ્વાગત’ કાર્યક્રમમાં ૨૬ પૈકી ૨૪ ફરિયાદોનો સ્થળ પર જ નિકાલ કરાયો

  • May 02, 2026 11:46 AM 

જામનગર જિલ્લા કલેક્ટર પી.બી.પંડ્યાના અધ્યક્ષસ્થાને યોજાયેલ ‘જિલ્લા સ્વાગત’ કાર્યક્રમમાં ૨૬ પૈકી ૨૪ ફરિયાદોનો સ્થળ પર જ નિકાલ કરાયો

નાગરિકોના પ્રશ્નો પ્રત્યે સંવેદનશીલ અભિગમ દાખવી પ્રજાલક્ષી પ્રશ્નોનો ત્વરિત ઉકેલ લાવવા કલેક્ટરનું અધિકારીઓને માર્ગદર્શન

જામનગર જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે કલેક્ટર પી.બી.પંડ્યાની અધ્યક્ષતામાં ‘જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રજૂ થયેલા કુલ ૨૬ પ્રશ્નોમાંથી ૨૪ જેટલા પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ લાવી અરજદારોની રજૂઆતોનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું.

બેઠક દરમિયાન જિલ્લાના વિવિધ વિસ્તારોના નાગરિકોની વ્યક્તિગત અને જાહેર હિતની રજૂઆતો સંદર્ભે કલેક્ટરએ સંબંધિત વિભાગના અધિકારીઓ અને અરજદારોની રૂબરૂ હાજરીમાં વિગતવાર સમીક્ષા કરી હતી. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ, જમીન રી-સર્વેની ક્ષતિઓ, દબાણ માપણી, અને વરસાદી પાણીના નિકાલ જેવા પાયાના પ્રશ્નો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત, આવાસની ડિપોઝીટ પરત મેળવવા, પ્રોપર્ટી કાર્ડમાં સુધારા, નવા વી.સી.ઇ.ની નિમણૂક, અને જમીન રી-ગ્રાન્ટ કરવા જેવા વહીવટી મુદ્દાઓ પર કલેક્ટરએ સ્થળ પર જ જરૂરી માર્ગદર્શન આપી પ્રશ્નોનો સંતોષકારક નિકાલ કર્યો હતો. 


જામનગર મહાનગરપાલિકાની ભૂગર્ભ ગટર, રેલવે લીઝના પ્રશ્નો અને PGVCL સંબંધિત સ્માર્ટ મીટર તેમજ વોલ્ટેજની સમસ્યાઓ બાબતે પણ અધિકારીઓને તાકીદે કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી.

કલેક્ટર પી.બી.પંડ્યાએ ઉપસ્થિત અમલીકરણ અધિકારીઓને સંબોધતા જણાવ્યું હતું કે, વહીવટી તંત્રએ પ્રજાના પ્રશ્નો પ્રત્યે હંમેશા સંવેદનશીલ રહીને પારદર્શી અને ઝડપી કાર્યવાહી કરવી જોઈએ. તેમણે અરજદારો સાથે વ્યક્તિગત સંવાદ કરી તેમને પડતી મુશ્કેલીઓ સમજી યોગ્ય દિશામાં માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર એસ.એમ.કાથડ સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application