ખંભાળિયા,સિકકા અને જામરાવલ નગરપાલિકાના નવા હોદેદારોની વરણી

  • May 20, 2026 12:08 PM 

ખંભાળિયા,સિકકા અને જામરાવલ નગરપાલિકાના નવા હોદેદારોની વરણી

નિમણૂંક: ભાજપ શાસિત ખંભાળિયા પાલીકામાં પ્રમુખપદે વિજય કણઝારીયા, ઉપપ્રમુખ આશાભાઇ લુણા અને કારોબારી ચેરમેનનો તાજ રાજભાઇ પાબારીની શીરે 

કોંગી શાસીત સિકકા પાલીકામાં પ્રમુખ પદે સારાબેન વાઘાણી, ઉપપ્રમુખ તરીકે નિશાબેન ગોસ્વામી, જામરાવલ પાલીકામાં મોતીબેન પરમાર, ઉપપ્રમુખ પદે રાયશીભાઇ વાઘેલાની નિમણૂંક

જામનગર સહીત રાજયભરમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ પંચાયતો, પાલીકા અને મહાનગરપાલીકાના નવા સુકાનીઓ કોણ હશે તે અંગે ઘેરૂ સસ્પેન્સ પ્રર્વતી રહ્યું છે. ત્યારે ગઇકાલે પાલીકાના નવા પ્રમુખ-ઉપપ્રમુખની વરણી થતાં હવે અડધું સસ્પેન્સ બાકી રહ્યું છે. ભાજપ શાસિત ખંભાળીયા નગરપાલીકામાં  પ્રમુખ પદે વિજય કણઝારીયા, ઉપપ્રમુખ આશાભાઇ લુણા અને કારોબારી ચેરમેનનો તાજ રાજભાઇ પાબારીની શીરે ગયો છે. જયારે કોંગી શાસીત સિકકા પાલીકામાં પ્રમુખ પદે સારાબેન વાઘાણી, ઉપપ્રમુખ તરીકે નિશાબેન ગોસ્વામી, જામરાવલ પાલીકામાં મોતીબેન પરમાર, ઉપપ્રમુખ પદે રાયશીભાઇ વાઘેલાની નિમણૂંક થઇ છે.

ખંભાળીયા નગરપાલીકાના સભાખંડમાં ગઇકાલે પ્રાંત અધિકારી કે.કે.કરમટા અને ચીફ ઓફીસર રાહુલ કરમૂરની ઉપસ્થિતિમાં યોજાયેલી ચૂંટણીમાં પાલીકાના તમામ નવા હોદેદારો બિનહરીફ ચૂંટાયા હતાં. કારણ કે પાલીકાના નવ વોર્ડની કુલ ૩૬ બેઠકમાંથી ભાજપનો ૩૦ બેઠક પર વિજય થયો હોય સ્પષ્ટ બહુમતી છે. પાલીકાના પ્રમુખ પદે વિજય કણઝારીયા, ઉપપ્રમુખ પદે આશાભાઇ લુણા અને કારીબારી ચેરમેન તરીકે રાજભાઇ પાબારીની વરણી થઇ છે. જયારે દંડક તરીકે ઋષિ ખેતીયા અને શાસક પક્ષના નેતા તરીકે હંસાબા જેઠવાની નિમણૂંક થઇ છે. તદઉપરાંત કોંગ્રેસ શાસીત સિકકા નગરપાલીકામાં ગઇકાલે નવા હોદેદારોની યોજાયેલી ચૂંટણીમાં પ્રમુખ તરીકે સારાબેન વાઘાણી અને ઉપપ્રમુખ તરીકે નિશાબેન ગોસ્વામી બહુમતીથી ચૂંટાયા હતાં. અન્ય કોંગી શાસીત જામરાવલ નગરપાલીકામાં  નવા હોદેદારોની નિમણૂંકની તરેહ તરેહની રાજકીય અટકળો વચ્ચે મંગળવારે યોજાયેલી ચૂંટણીમાં કોર કમીટી દ્વારા પ્રમુખ પદ માટે પૂર્વ પ્રમુખ રહી ચૂકેલા અને અનુભવી મહીલા અગ્રણી મોતીબેન વાલાભાઇ પરમારની વરણી કરવામાં આવી હતી. જયારે ઉપપ્રમુખ પદ માટે કોંગ્રેસના રાયશીભાઇ વાઘેલા બિનહરીફ વિજેતા જાહેર થયા હતાં. અત્રે નોંધનીય છે કે, રાવલ નગરપાલીકાની ૨૪ બેઠકમાંથી ૨૧ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તો ૩ બેઠક પર ભાજપના ઉમેદવાર વિજય થયા હોય કોંગ્રેસ પાસે સ્પષ્ટ બહુમતી છે. નવા હોદેદારોની વરણી થતાં પાલીકા વિસ્તારોમાં રસ્તા, પીવાનું પાણી, ગટર, વીજળી સહીતની પ્રાથમિક અને માળખાકીય સુવિધા લોકોને સરળતાથી મળે તે સૌથી મોટો પડકાર રહેશે. 

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News