જામનગરમાં કાલાવડ નાકા બહારના વિસ્તારોમાં વીજકંપનીની ચેકીંગ ડ્રાઇવ

  • August 18, 2026 11:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં કાલાવડ નાકા બહારના વિસ્તારોમાં વીજકંપનીની ચેકીંગ ડ્રાઇવ

ગરીબ નવાઝ પાર્ક, સેટેલાઇટ, અલસફા સહીતની સોસાયટીઓમાં વીજટુકડીઓ ત્રાટકી

વીજચોરી કરનારા આસામીઓમાં દોડધામ, વીજ ગેરરીતિ સબબ દંડનીય બીલો ફટકારાશે

જામનગરમાં કાલાવડ નાકા બહારના વિસ્તારોમાં વીજકંપનીએ ચેકીંગ ડ્રાઇવ હાથ ધરી હતી. જીયુવીએનલ અને કોર્પોરેટની વીજ ટુકડીઓ ગરીબ નવાઝ પાર્ક, સેટેલાઇટ, અલસફા સહીતની સોસાયટીઓમાં ત્રાટકી હતી. આથી વીજચોરી કરનાર આસામીઓમાં દોડધામ મચી ગઇ છે. વીજ ગેરરીતિ સબબ આસામીઓને દંડનીય બીલો ફટકારવામાં આવશે.

જામનગરમાં વીજચોરીનું દૂષણ ઘટવાનું નામ લેતું નથી. વીજકંપની દ્વારા છાશવારે શહેરમાં દરોડા પાડી ચેકીંગ કરી લાખોની વીજચોરી પકડી પાડવામાં આવે છે. જે બેફામ વીજચોરીનો બોલતો પુરવો છે. શહેરના અમુક વિસ્તારો તો વીજચોરીનું એપી સેન્ટર બન્યા છે. પરંતુ વીજચોરી અટકાવવામાં પીજીવીસીએલનું તંત્ર વામણું પુરવાર થઇ રહ્યું છે. આ સ્થિતિમાં શહેરમાં મંગળવારે જીયુવીએનએલ અને કોર્પોરેટની વીજ ટુકડીઓ શહેરમાં વીજચેકીંગ અર્થે ત્રાટકી હતી. ચેકીંગ દરમ્યાન વીજ ટુકડીઓ દ્વારા શહેરના કાલાવડ નાકા બહારના  ગરીબ નવાઝ પાર્ક, સેટેલાઇટ, અલસફા સહીતની સોસાયટીઓમાં વીજ જોડાણ અને મીટરોનું ચેકીંગ કરવામાં આવ્યું હતું. આથી વીજચોરી કરનારા આસામીઓમાં દોડધામ સાથે ફફડાટ ફેલાયો છે. સાંજ સુધીમાં ચેકીંગ દરમ્યાન મસમોટી વીજચોરી પકડાવાની શકયતા સૂત્રોએ વ્યકત કરી  છે.

વીજકંપનીની ચેકીંગ ટુકડીઓએ ચેકીંગ દરમ્યાન રહેણાંક મકાનો તથા દુકાનોના વીજ જોડાણ તથા મીટરની તપાસ કરી હતી. શંકાસ્પદ વીજ મીટરો તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલાશે. તદઉપરાંત વીજ થાંભલા પર લંગર નાખી વીજચોરીના કીસ્સાઓમાં અનઅધિકૃત વાયરો કબ્જે કરી વીજ જોડાણ કટ કરવામાં આવ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application